Get The App

અમદાવાદમાં મ્યુઝિક, મસ્તી, ફેશનનો ત્રિવેણી સંગમ : કોલ્ડપ્લેમાં 1 લાખથી વધુ ચાહકો મન મૂકીને ઝૂમ્યા

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
અમદાવાદમાં મ્યુઝિક, મસ્તી, ફેશનનો ત્રિવેણી સંગમ : કોલ્ડપ્લેમાં 1 લાખથી વધુ ચાહકો મન મૂકીને ઝૂમ્યા 1 - image


More than 1 lakh fans watch Coldplay : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 1 લાખથી વધુની વેસ્ટર્ન મ્યુઝિકની ચાહક મેદનીએ વિશ્વ વિખ્યાત બ્રિટિશ ગ્રુપ કોલ્ડ પ્લેના ક્રિસ માર્ટિન, ઇલિયાના, જસ્લીન રોયલ, શોન વગેરેના અદભૂત ગાયકી અને સંગીતના તાલે સમગ્ર ગ્રાઉન્ડની ધરતીને ઝંકૃત કરી દીધી હતી. ભારત અને દુનિયાના વિવિધ ભાગોમાંથી આવેલા સંગીત રસિકોએ બપોરે 3 વાગ્યાથી જ સ્ટેડિયમ અને ગ્રાઉન્ડમાં પોતાની જગ્યા લેવાનું શરૂ કરી દીધું હતું. લાઈટિંગ, સાઉન્ડ, અદભૂત એલ ઈ ડી ડિસ્પ્લે, સ્પેશ્યલ ઇફેક્ટના સથવારે સાંજે ગ્રૂપના સિંગર શોને કોલ્ડ પ્લેના આવનારા નવા આલ્બમ લવ એન્ડ ટ્રેપ ઉપરાંત લોકપ્રિય જૂના આલ્બમમાંથી રજૂઆતની સાથે માહોલ જમાવી દીધો હતો.

સાંજે સાડા છ સુધીમાં સ્ટેડિયમ સંપૂર્ણ ભરાઈ ગયું હતું અને ગ્રાઉન્ડમાં પણ ઊભા રહેવાની જગ્યા બચી નહોતી. કાર્યક્રમ દરમિયાન અમદાવાદના હેરિટેજને રજૂ કરતી કોલ્ડ પ્લેની ખાસ ટી શર્ટ રિલીઝ કરવામાં આવી હતી. શૉન પછી સ્ટેજ પર આવેલી અને અવાજમાં મારિયા કેરિ, મેડોના, રિહાના અને સેલિન ડાયનની સંયુક્ત રેન્જ ધરાવતી ઇલિયાના એ 'કેમ છો અમદાવાદ' કરીને એન્ટ્રી મારીને કોલ્ડ પ્લેના સદાબહાર ગીતો જબરજસ્ત વોઇસ મોડયુલેસન, ફોલ્સેટો, વાયબ્રેટો અને ઓપેરા ટચ સાથે રજૂ કરીને અંદાજ આપી દીધો હતો કે આવનાર સમયમાં આ ક્ષેત્રમાં કોનું રાજ હશે. જેટલી અદભૂત ગાયકી એટલી જ અદભૂત ડાન્સ શૈલીથી, ચહેરા અને આંખોમાં ભાવથી જબરજસ્ત એનર્જીથી તેણે પોણો કલાક સુધી અનેક ગીતો રજૂ કર્યા હતા જેમાં કહો ના કહો ગીતના અરેબિક વર્ઝન ઉપરાંત હિન્દી ગીતો દીવાની મસ્તાની રજૂ કર્યું હતું. 

સ્ટેડિયમમાં દરેકને આપવામાં આવેલા 3 ડી મેપિંગ ચશ્મા અને બ્લૂ ટૂથ પાસવર્ડ નિયંત્રિત એલ ઈ ડી રિસ્ટ બેન્ડને લીધે સ્ટેડિયમમાં દરેક જગ્યાએથી લાઈટિંગની અલગ જ આભા ઊભી થતી હતી.

'આપ કો દેખ કે ખુશી હુઈ...અમદાવાદ ઈઝ ધ બેસ્ટ સિટી...'

સાંજે 7 બાદ સ્ટેડિયમ ફ્લેશ લાઇટથી ઝગમગ ઉઠી હતું. આ પછી કોલ્ડપ્લેની ટીમ જ્યારે સ્ટેજ પર પહોંચી ત્યારે સમગ્ર સ્ટેડિયમ 'કોલ્ડપ્લે, 'કોલ્ડપ્લે'ના નારાથી ગૂંજી ઉઠયું હતું. ક્રિસ માર્ટિન સ્ટેજ પર પહોંચ્યો ત્યારે ચાહકોનો રોમાંચ ચરમે પહોંચી ગયો હતો. ક્રિસ માર્ટિને આવતા હિન્દીમાં કહ્યું કે, 'આપકા બહુત સ્વાગત હૈ, આપ કો દેખ કે ખુશી હુઈ...અમદાવાદ ઈઝ ધ બેસ્ટ સિટી...' ચાહકોએ તેના આ વાક્યને ચીચીયારીથી વધાવી લીધું હતું. 

1997માં કોલ્ડ પ્લેની સ્થાપના બાદ તેના 10થી વધુ સ્ટુડિયો આલ્બમ રજૂ થયા છે તે તમામ હિટ ગયા છે. જેમાં 'એ હેડ ફૂલ ઓફ ડ્રીમ, ઘોસ્ટ સ્ટોરી, એ રશ ફૂલ ઓફ બ્લડ ટુ ધ હેડ', એવરી ડે લાઈફ, મ્યુઝિક ફોર ધ સ્ફિયર્સ, યેલો, સ્પીડ ઓફ સાઉન્ડ વગેરેનો સમાવેશ થાય છે. ક્રિસ માર્ટિન સ્ટેજ પર આવે એ અગાઉ પર્યાવરણની જાળવણી માટે એની આ વર્લ્ડ ટૂરમાં લીધેલા પગલાં અને ભાવિ આયોજનો માટેની એક ફિલ્મ બતાવવામાં આવી હતી. 

ક્રિસ માર્ટિન આવતાની સાથે મ્યુઝિક ફોર ધ સ્ફિયર્સમાંથી પોપ્યુલર સોંગ સ્ટેડિયમમાં પ્રેક્ષકોના રીસ્ટ બેન્ડની લાઈટિંગના સથવારે રજૂ કરીને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે શરૂઆત કરી હતી જેમાં લીડ ગિટાર, બેઝ ગિટાર અને મેટલ ગિટારની સાથે ડ્રમર એક વૈશ્વિક ચમત્કૃતિ સાથે જોડતા હતા. ક્રિસ માર્ટિન એક પછી એક આલ્બમ પ્રસિદ્ધ ગીતોની સુંદર પ્રસ્તુતિ કરી હતી અને છેક સુધી ગ્રાઉન્ડની અંદર અને સ્ટેડિયમમાં પ્રેક્ષકો બેઠા જ નહોતા અને ઊભા ઊભા સંગીતના તાલે ક્રિસની સાથે ઝૂમ્યા હતા. તેણે ગુજરાતીમાં 'કેમ છો, તમે બધા મઝામાં છો? ધન્યવાદ મારા દોસ્તો. અહી આવીને બહુ મઝા આવી છે' કહેતા જ આખું સ્ટેડિયમ 'મઝામાં' પોકારી ઉઠયું હતું. તેણે ચોક્કસ ગીતોની ફરમાઈશનુ પોસ્ટર લઈને આવેલા યુવાઓને સ્ટેજ પર બોલાવીને સરપ્રાઈઝ આપીને એ જ ગીત પણ ગાયા હતા.

મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ પ્રેક્ષકો

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ માટે મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 59310 ટિકિટ બૂક થયેલી હતી. સૌથી વધુ ટિકિટ બુક થઇ હોય તેવા રાજ્યોમાં ગોવા 48521 સાથે બીજા, કર્ણાટક 28374 સાથે ત્રીજા, ગુજરાત 7123 સાથે ચોથા અને ઉત્તર પ્રદેશ 6832 સાથે પાંચમાં સ્થાને છે. 

શૉ શરૂ થવાનો હતો ત્યારે ભાવ કરતાં ઓછી કિંમતે ટિકિટ વેચાવા લાગી

કોલ્ડપ્લે કોન્સર્ટ માટે કાળાબજારીયાઓએ અનેક ટિકિટ કોર્નર કરી દીધી હતી. પરંતુ શૉના દિવસ નજીક આવવા છતાં ટિકિટનો ધાર્યો ભાવ મળ્યો નહોતો. જેના કારણે આજે સ્ટેડિયમ બહાર અનેક લોકો ભાવે-ભાવ અથવા તો તેમાં પણ કોઇ તૈયાર થાય નહીં તો મૂળ કિંમત કરતાં 500 રૂપિયા ઓછી કિંમતે પણ ટિકિટ વેચતા જોવા મળ્યા હતા.


Google NewsGoogle News