અમદાવાદમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા 3 કેટેગરીમાં કરાશે સરવે

અમદાવાદ પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, ઉત્તરના વિસ્તાર માટે પાર્કિંગ પ્લાન તૈયાર કરાશે

શહેરમાં 39 લાખ કરતા વધુ વાહન પૈકી સાત લાખ ફોર વ્હીલર, પાંચ અને વીસ વર્ષ સુધીના ટ્રાફિકને ધ્યાનમાં લેવામાં આવશે

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા 3 કેટેગરીમાં કરાશે સરવે 1 - image
Image Twitter 

અમદાવાદમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા પશ્ચિમ , ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરઝોનના વિસ્તાર માટે પાર્કીંગ પ્લાન બનાવાશે. હાલમાં શહેરમાં 3૯ લાખ કરતા વધુ વાહન છે.આ પૈકી સાત લાખ ફોર વ્હીલર છે.આગામી પાંચથી લઈ વીસ વર્ષ સુધીના શહેરના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પાર્કીંગ પ્લાન બનાવવામાં આવશે.ટ્રાફિકને હળવો કરવા  હાઈ ડીમાન્ડ, મિડીયમ ડીમાન્ડ તથા લો ડીમાન્ડ એમ ત્રણ કેટેગરીમાં એજન્સી ટ્રાફિકનો સર્વે કરશે.દરેક રોડવાઈસ 16 કલાક સુધીના ટ્રાફિક, પાર્કીંગને કાઉન્ટ કરી ડેટાબેઝ ટ્રાફિક વોલ્યુમ એરીયા આઈડેન્ટીફાય કરવામાં આવશે.

શહેરમાં 39લાખ કરતા વધુ વાહન પૈકી સાત લાખ ફોર વ્હીલર, પાંચ અને વીસ વર્ષ સુધીના ટ્રાફિકને ધ્યાનમાં લેવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ-2021માં પાર્કીંગ પોલીસી જાહેર કરી હતી.જે સમયે પાર્કીંગ પોલીસી જાહેર કરાઈ હતી એ સમયે ઓન સ્ટ્રીટ તથા ઓફ સ્ટ્રીટ પાર્કીંગના મુદ્દે વિવાદ ઉભો થતા પાર્કીંગ પોલીસીના અમલ વિલંબમાં પડયો હતો.ત્રણ વર્ષ બાદ ફરી એક વખત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોન તથા ઉત્તરઝોનમાં આવેલા અલગ અલગ વોર્ડવાઈઝ કયા રસ્તા ઉપર દર કલાકે કેટલા વાહનોની અવરજવર છે.કયાં પ્રકારના વાહનો કયાં પાર્ક કરવામા આવે છે વગેરે જેવી બાબતનો સર્વે કરી ડેટાબેઝ  રેકોર્ડ તૈયાર કરવાની સાથે પાર્કીંગ પ્લાન તૈયાર કરી શકાય એ માટે એજન્સીઓ તરફથી ઓફર મંગાવી છે. 23 ફેબુ્આરીએ પ્રિ-બિડ મિટીંગ થશે.

પાર્કિંગ માટેના ઝોન-ભાવ નક્કી કરવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે એજન્સીને પાર્કીંગ પ્લાન તૈયાર કરવાની કામગીરી આપશે એ એજન્સી પાર્કીંગ માટે હાઈ ડીમાન્ડ તથા મિડીયમ ડીમાન્ડ ઝોન નકકી કરી આપશે.આ ઉપરાંત અલગ અલગ પ્રકારના વાહન પાર્ક કરવા માટે ડીમાન્ડ બેઝ અને રીવ્યુ બેઝ એમ બે કેટેગરીમાં વાહન પાર્ક કરવા માટેના ભાવ નકકી કરવામા આવશે.

રાત્રિના સમયે ઓન સ્ટ્રીટ-

ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટે ડિસ્કાઉન્ટ

અમદાવાદના જે ત્રણ ઝોનના તમામ વોર્ડ માટે પાર્કીંગ પ્લાન તૈયાર કરવામા આવશે આ ત્રણ ઝોનમાં રાત્રિના સમયે ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કીંગ માટેના દરમાં ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.

પાર્કિંગ પ્લાનમાં કયા મુદ્દાને અગ્રીમતા અપાશે

  • 1.પાર્કીંગ ઈમ્પલીમેન્ટેશન એન્ડ ઓપરેશનલ પ્લાન
  • 2.પાર્કીંગ બિઝનેસ પ્લાન
  • 3.ઓનસ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કીંગ પ્રોજેકટ
  • 4.પાર્કીંગ એન્ફોર્સમેન્ટ પ્લાન
  • 5.ટેકનીકલ રોડ મેપ ફોર પાર્કીંગ મેનેજમેન્ટ

શહેરમાં ટ્રાફિક માટે સૌથી વ્યસ્ત રોડ કયા-કયા

  • 1.આશ્રમરોડ
  • 2.જજીસ બંગલા રોડ
  • 3.કોર્પોરેટ રોડ
  • 4.નારણપુરા રોડ
  • 5.120 ફૂટ રીંગ રોડ
  • 6.વોલ સિટી એરીયા

ઈલીગલ પાર્કિંગ અંગે સર્વે કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરના ત્રણ ઝોનના તમામ વોર્ડના રસ્તાઓ ઉપર આવેલા નો-પાર્કીંગ ઝોન ઉપરાંત પેઈડ પાર્કીંગની સાથે અનપેઈડ કરવામા આવતા ઈરેગ્યુલર અને ઈલીગલ પાર્કીંગ અંગે એજન્સી પાસે સર્વે કરાવાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર ઝોનના વોર્ડ વિસ્તાર માટે પાર્કીંગ પ્લાન તૈયાર કરવા કવાયત શરૂ કરાઈ છે. બીજી તરફ કાંકરિયા,સિંધુભવન ખાતે બનાવવામા આવેલા મલ્ટીલેવલ પાર્કીંગમાં તંત્રની ધારણા કરતા પણ ઓછુ પાર્કીંગ થઈ રહયુ છે. કાંકરિયા ખાતે ચારમાળનું બનાવવામા આવેલ મલ્ટિલેવલ પાર્કીંગ વાર્ષિક રૂપિયા 11 લાખના ભાડાથી ચલાવવા માટે આપી દેવામા આવ્યુ છે. કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગ વાર્ષિક 11 લાખના ભાડાથી આપી દેવાયું છે

શહેરના સિંધુભવન રોડ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત માળનુ મલ્ટિલેવલ પાર્કીંગ દુકાનો અને ઓફિસ સાથે બનાવવામા આવ્યું હતું.

જમીનની કિંમત સાથે 300 કરોડથી વધુની કિંમત ધરાવતા આ મલ્ટીલેવલ પાર્કીંગમાં 600 જેટલાવાહન પાર્ક કરવાની ક્ષમતા  છે.આ મલ્ટિલેવલ પાર્કીંગમાં એક ફલોર રૂપિયા 80 કરોડમાં વેચવામા આવ્યો હતો.બાદમાં બાકીના ફલોર માટે કોઈ લેવાલ આગળ આવતો નથી.વાહન પાર્કીંગ પણ તંત્રની ધારણા કરતા ઓછુ થઈ રહયુ છે.કાંકરિયા મલ્ટીલેવલ પાર્કીંગ તો વાર્ષિક 11 લાખના ભાડાની સાથે પચાસ હજાર સ્કેવર મીટર જગ્યા વાપરવાની કોન્ટ્રાકટરને તંત્ર અને સત્તાધીશો તરફથી ઠરાવ કરી વ્યવસ્થા કરી આપવામા આવી હોવા છતાં કાંકરિયા મલ્ટિલેવલ પાર્કીંગમાં પણ લોકો તેમના વાહન પાર્ક કરવાનુ ટાળી રહયા છે. હવે આગામી દિવસોમાં પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગનું ઉદ્ધાટન થાય તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે.



Google NewsGoogle News