અમદુપુરામાં ગલ્લો હટાવતા યુવકનો પેટ્રોલ છાંટી આપઘાતનો પ્રયાસ
દબાણ દૂર કરવા ગયેલી એએમસીની ટીમ સાથે શખ્સે તકરાર કરી
શહેર કોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદ, બુધવાર
અમદુપુરામાં ટ્રાફિકને અડચણ રૃપ દબાણ હટાવવા માટે એએમસીની ટીમ ગઇ હતી જ્યાં પાનનો ગલ્લો ભરતા પહેલા સર સામાન ખાલી કરવાનું કહેવા છતાં યુવક ખાલી કરતો ન હતો જેથી દબાણની ગાડીમાં ભરવાનું કહેતા શખ્સે પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરી લઇશ કહીને પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને આત્હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેને પકડી લીધો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે યુવકને બચાવી લીધો, ટાઉન ડેવલોપમેન્ટ ઇન્સ્પેક્ટરની ફરિયાદ આધારે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મેમ્કો પાસે આવેલ એએમસીની ઉત્તર ઝોનની ઓફિસમાં એસ્ટેટ ટીડીઓ વિભાગમાં ઇન્ડિયા કોલોની વોર્ડમાં ટાઉન ડેવલોપમેન્ટ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા ગૌરાંગકુમાર પટેલ (ઉ.વ.૨૭)એ શહેરકોટડા પોલીસ સ્ટશનમાં સરસપુરમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ દબાણો દૂર કરવા, એસ્ટેટ અને નગર વિકાસ ખાતાને લગતી કામગીરીના ભાગરૃપે પોલીસ સાથે રહીને દબાણની ડ્રાઇવ યોજવામાં આવી હતી. ગઇકાલે તેઓ પોલીસ અને સ્ટાફના માણસો સાથે કાલુપુર બ્રિજથી મેમ્કો ચાર રસ્તા સુધીના દબાણની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અમદુપુરા ડો. આંબેડકર બ્રિજ નીચે જાહેરમાં રસ્તા ઉપર પાનનો ગલ્લો હતો તેના કારણે ટ્રાફિક થતો હતો. જેથી તેના પાન પાર્લરના માલિકને ગલ્લો દબાણની ગાડીમાં ભરવાનો છે જેથી ગલ્લામાંથી સામાન ખાલી કરો તેવી સૂચના આપી હતી.
જેથી ગલ્લાના માલિકે હું સામાન ખાલી નહી કરુ અને ગલ્લો દબાણની ગાડીમાં ભરવા નહી દઉ તમારે જે કરવું હોય તે કરો કહીને એએમસી કર્મીઓ સાથે તકરાર કરી હતી પોલીસે પણ સમજાવા છતાં માનતો ન હતો. તેમજ શખ્સ તમે ગલ્લો હટાવશો તો પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરી લઇશ કહીને બોટલમાંથી પેટ્રોલ પોતાના શરીર ઉપર છાંટી આપઘાતનો પ્રયાસ કરતા પહેલા પોલીસે તેને પકડી લીધો હતો.