કોન્ટ્રાકટરો માટે ચલાવાતી સર્વિસ, AMTS ની માલિકીની હવે એક પણ બસ સંસ્થા પાસે નહીં

બાવીસ વર્ષમાં મ્યુનિ.એ ૪૨૨૩ કરોડથી વધુ લોન આપી છતાં ઘટતી મુસાફરોની સંખ્યા

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
કોન્ટ્રાકટરો માટે ચલાવાતી સર્વિસ,  AMTS ની માલિકીની હવે એક પણ બસ સંસ્થા પાસે નહીં 1 - image

     

  અમદાવાદ,બુધવાર,10 એપ્રિલ,2024

૭૭ વર્ષ અગાઉ શરુ કરવામાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ હવે કોન્ટ્રાકટરો માટે ચલાવાતી સર્વિસ બની ગઈ છે.એ.એમ.ટી.એસ.પાસે સંસ્થાની કહી શકાય એવી એક પણ બસ રહી નથી.બાવીસ વર્ષમાં મ્યુનિ.તંત્રે એ.એમ.ટી.એસ.ની બસ શહેરમાં દોડતી રાખવા રુપિયા ૪૨૨૩ કરોડથી વધુની રકમ લોન પેટે આપી છે.આમ છતાં મુસાફરોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહયો છે.

વર્ષ-૨૦૦૩થી એ.એમ.ટી.એસ.ના વળતા પાણી શરુ થયા હતા.એ સમયે એ.એમ.ટી.એસ.ના તત્કાલિન ચેરમેન એ.એમ.ટી.એસ. ચલાવવા આર્થિક મદદ આપવા મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(ટ્રાન્સપોર્ટ)ને પત્ર લખતા હતા.વર્ષ-૨૦૦૫-૦૬માં કોંગ્રેસ શાસનના અંત અને ભાજપ શાસનની શરુઆત સમયે એ.એમ.ટી.એસ.ના ખાનગીકરણની શરુઆત થઈ હતી.વર્ષ-૨૦૧૦-૧૧માં એ.એમ.ટી.એસ.ની બસોની સંખ્યા વધી રહી હતી.પરંતુ સંસ્થાની કહી શકાય એવી બસોની સંખ્યામાં ઘટાડો થઈ રહયો હતો.વર્ષ-૧૯૪૭માં શહેરમાં શરુ કરવામાં આવેલી બસ સેવા બાદ અમદાવાદની ઓળખ લાલ બસના શહેર તરીકે કરવામાં આવતી હતી.વર્ષ-૧૯૪૭માં જયારે સૌ પ્રથમ વખત અમદાવાદના લોકો માટે બસ સેવા શરુ કરવામાં આવી હતી એ વર્ષાંતે કુલ મળીને ૩.૯૭ કરોડ લોકોએ બસમાં મુસાફરી કરી હતી.વર્ષ-૨૦૨૧-૨૨માં એ.એમ.ટી.એસ.બસમાં કુલ ૩.૭૫ કરોડ લોકોએ મુસાફરી કરી હતી.બસ સંચાલનની આવક કે જે એક સમયે રુપિયા ૧૨૫ કરોડની આસપાસ રહેતી હતી.તે વર્ષ-૨૦૨૨-૨૩માં રુપિયા ૭૮.૪૫ કરોડ જ થઈ હતી.

વર્ષ મુજબ એ.એમ.ટી.એસ.બસની સ્થિતિ

વર્ષ    સંસ્થાની        કોન્ટ્રાકટરોની

૨૦૧૦  ૧૨૪          ૪૨

૨૦૧૧ ૧૪૦           ૩૧

૨૦૧૨ ૧૪૫           ૨૯

૨૦૧૩ ૧૪૫           ૪૨

૨૦૧૪ ૧૪૨           ૪૪

૨૦૧૫ ૧૩૨           ૬૨

૨૦૧૬ ૧૦૫           ૯૩

વર્ષ-૨૦૧૮માં સી.એન.જી.તથા મીની બસોનું ખાનગીકરણ

વર્ષ-૨૦૧૮માં સી.એન.જી.તથા મીની બસોનું ખાનગીકરણ કરાયુ હતુ.ત્યારબાદ વર્ષ-૨૦૧૮-૧૯માં કોન્ટ્રાકટરોની ૧૨૬,વર્ષ-૨૦૧૯-૨૦માં ૧૨૭ તથા ૨૦૨૦-૨૧ અને ૨૦૨૨-૨૩માં ૧૨૭ તથા ૨૦૨૨-૨૩માં ૨૦૫ બસ થઈ ગઈ હતી.જે સામે ૨૦૧૮-૧૯થી ૨૦૨૧-૨૨ સુધીમાં સંસ્થાની ૭૭ બસ હતી.જે વર્ષ-૨૦૨૨-૨૩માં શૂન્ય ઉપર આવી ગઈ હતી.

BRTS  બસ પસાર કરવા રેલીંગ તોડી રસ્તો કઢાયો

        અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મેટ્રો રેલવેની બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે.એક વર્ષથી એક તરફ બંધ કરવામાં આવેલા બી.આર.ટી.એસ.કોરિડોરમાંથી બસ પસાર થઈ શકે એ માટે રેલીંગ તોડી રસ્તો કાઢવાની  તંત્રને ફરજ પડી છે.મેટ્રો રેલ દ્વારા અખબારનગર ૧૩૨ ફૂટના રીંગ રોડ ઉપર મેટ્રોનો પિલ્લર બનાવવામા આવ્યો હતો.પિલ્લર થોડો જાડો બની જતા કિટલી સર્કલથી વ્યાસવાડી તરફ જતો એક તરફનો બી.આર.ટી.એસ.કોરિડોર  બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી.હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેલીંગ તોડી નાંખીને રસ્તો કાઢવામાં આવતા બી.આર.ટી.એસ.ની બસ ટ્રેકમાં દોડી રહી છે.પિલરની થીકનેસ ઘટાડવા અંગે અગાઉ વિચારવામા આવ્યુ હોત તો એક વર્ષ સુધી બી.આર.ટી.એસ.બસ પસાર કરવા માટે એક તરફનો કોરિડોર બંધ કરવાની નોબત આવી નાહોત.


Google NewsGoogle News