અમદાવાદમાં સિનિયર સિટીઝનને ડીજીટલ અરેસ્ટ કરીને રૂ.47.62 લાખ પડાવી લેવાયા
Ahmedabad Crime News : અમદાવાદ શહેરના મેમનગરમાં રહેતા 66 વર્ષીય સિનિયર સિટીઝનના આધાર કાર્ડ પરથી સીમ કાર્ડ ઇસ્યુ કરવાથી માંડીને બનાવટી બેંક એકાઉન્ટ ખોલીને મોટાપાયે મની લોન્ડરીંગ થયાનો કેસ થયો હોવાનું કહીને ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા સિનિયર સિટીઝનને ડીજીટલ અરેસ્ટ કરીને રૂપિયા 47.62 લાખની છેતરપિડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી છે.
ઇડી-સેબીનો બનાવટી લેટર મોકલીને કેસ મામલે ગુપ્તતા જાળવવાનું કહીને ધમકી આપી : કેસમાં પતાવટ માટે બેંક વેરિફીકેશનનું કહી નાણાં ટ્રાન્સફર કરાવ્યા
મેમનગર દિવ્યપથ સ્કૂલ પાછળ આવેલા વિશ્વા લેક વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા 66 વર્ષીય બિપિનભાઇ ડણાકને ગત 1લી જુલાઇના રોજ સાંજના સમયે અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાના ઓળખ ટેલિકોમ રેગ્યુલર ઓથોરીટીના અધિકારી તરીકે આપીને કહ્યું હતું કે તમારા આધાર કાર્ડ સાથે લીંક કરેલા મોબાઇલ નંબરથી અનેક દેશ વિરોધી મેસેજ અને એક્ટીવીટી કરવાની 18 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે. જેના કારણે તમારો મોબાઇલ નંબર કાયમ માટે ડીએક્ટીવ થઇ જશે. બાદમાં આ કેસ સંદર્ભમાં સ્પષ્ટતા કરવા માટે મુંબઇ તિલકનગર પોલીસ સ્ટેશન જવાનું કહીને કોલ કાપી નાખ્યો હતો. તે પછી ફરીથી અજાણ્યા મોબાઇલ નંબરથી વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો હતો. જેમાં કોઇ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાંથી વાત કરતી હતી.
તેણે જણાવ્યું હતું કે તમારા આધાર કાર્ડ પરથી બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જે એકાઉન્ટમાંથી મની લોન્ડરીંગ થઇ રહ્યું છે. આ ગંભીર બાબતની તપાસ ઉચ્ચ કક્ષાએ થઇ રહી હોવાથી આ મામલે કોઇને જાણ ન કરવાનું કહીને અન્ય એક કેસમાં નામ ખુલ્યું હોવાનું કહીને બિપિનભાઇને ફરીથી ડરાવ્યા હતા. તે પછી ઇડીનો અને અન્ય દસ્તાવેજો વોટ્સએપ પર મોકલીને ધમકી આપી હતી કે હવે અમે કહીએ તેમ કરશો તો તમે બચી શકશો. જેથી દર બે કલાકે વોટ્સએપ પર વિડીયો કરવો પડશે કે તમે ઘરે જ છો. બીજા દિવસે બિપિનભાઇને કહેવામાં આવ્યું હતું કે તમારા બેંક એકાઉન્ટમાં હાલ કેટલા રૂપિયા છે? તે તપાસ કરવી પડશે. જેથી તે અમે કહીએ તેમાં ટ્રાન્સફર કરી આપો. બાદમાં વેરિફીકેશન બાદ નાણાં પરત થઇ જશે. જેથી બિપિનભાઇ વિશ્વાસ કરીને એસબીઆઇના એકાઉન્ટમાંથી 35 લાખ અને ઇન્ડસઇન્ડ બેંકમાંથી 12.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જેની સામે તેમને નાણાં મળ્યાની ઇડી બોગસ સ્લીપ પણ મોકલી અપાઇ હતી. ત્યારબાદ શેર બજારમાં રોકાણ હોય તો તે શેરનું વેચાણ કરીને તમામ નાણાં મોકલવાનું કહીને સેબીની તપાસની વાત કરીને લેટર પણ મોકલ્યો હતો. જેથી બિપિનભાઇને શંકા જતા તપાસ કરાવી ત્યારે તેમની સાથે છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.