અમદાવાદ RTOમાં ચાલતું કૌભાંડ, ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વિના જ લાઈસન્સ અપાઈ રહ્યા હતા
- સારથી સોફટવેરમાં અપલોડ ડ્રાઈવિંગ ટેસ્ટના વીડિયોના આઈપી ખાનગી
અમદાવાદ,તા.03 ફેબ્રુઆરી 2023,શુક્રવાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વગર લાઈસંસ લેવાનું રેકેટ ચલાવતા અજાણ્યા શખ્સો સામે આરટીઓ અધિકારીએ મંગળવારે રાત્રે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. આરટીઓ કચેરીમાં લાઈસંસ એપ્રૂવલ માટે આવેલી નવ અરજીઓના ડ્રાઈવિંગ ટેસ્ટ સુભાષબ્રિજ આરટીઓ કચેરીએ લેવાયા ના હોવાથી શંકાસ્પદ લાગતા તપાસ શરૂ કરાઈ હતી. આ અરજીઓના ડ્રાઈવિંગ ટેસ્ટના વીડિયો જે આઈપી એડ્રેસ પરથી સારથી સોફટવેર પર અપલોડ થયા, તે એડ્રેસ પણ ખાનગી કે કામગીરી ના સંકળાયેલા વ્યક્તિના હોવાનું સ્પષ્ટ થયું હતું.
લાઈસંસ એપ્રૂવલ માટેની શંકાસ્પદ ૯ અરજીની તપાસમાં ઘટસ્ફોટઃસાયબરમાં આરટીઓ અધિકારીની ફરિયાદ
અમદાવાદ આરટીઓ કચેરી સુભાષબ્રિજ ખાતે સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી તરીકે ફરજ બજાવતાં આશિષ મગનભાઈ પરમાર (ઉં,૨૫)એ સાયબર સેલમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી છે. જે મુજબ ગત તા.૨૯-૧-૨૦૨૨ના રોજ આરટીઓ અમદાવાદ કચેરી દ્વારા બહાર પાડેલા પરીપત્રમાં જણાવાયું હતું કે, જે કચેરી ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાય, તે જ જગ્યાએ એપ્રૂવલની કામગીરી કરવાની રહેશે.
આ પરીપત્ર બાદ ડ્રાઈવિંગ લાઈસંસ એપ્રૂવલ માટે નવ અરજી એવી આવી કે જેના ડ્રાઈવિંગ ટેસ્ટ આરટીઓ સુભાષબ્રિજ ખાતે થયા ન હતા. સારથી સોફટવેર પર આ અરજીઓના ડ્રાઈવિંગ ટેસ્ટના વીડિયો અપલોડ થયા તેની માહિતી એનઆઈસી પાસે વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા માંગવામાં આવી હતી. આ આઈપી એડ્રેસની વિગતો ઈમેઈલ દ્વારા આરટીઓ કચેરી સુભાષબ્રિજને મોકલવામાં આવી હતી. જે ચેક કરતા આઈપી એડ્રેસ આરટીઓ કચેરીના ન હોવાનું તેમજ ખાનગી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
આ નવમાંથી ચાર અરજીના ડ્રાઈવિંગ ટેસ્ટ ગાંધીનગર આરટીઓ કચેરીમાં થયાનો જવાબ મળ્યો પણ તેના વીડિયો રેકોર્ડીંગ ગાંધીનગર આરટીઓ કચેરી પાસે ન હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ અરજીના ડ્રાઈવિંગ ટેસ્ટના વીડિયો સારથી સોફટવેર પર અપલોડ થયા, તે આઈપી એડ્રેસ શંકાસ્પદ જણાવ્યું હતું. આ રીતે અન્ય ચાર અરજીમાં ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ બતાવી સારથી સોફટવેરમાં વીડિયો અપલોડ થયા ત ટેસ્ટની વિગતો ગાંધીનગર, બાવળા, વસ્ત્રાલ કે સુભાષબ્રિજ કચેરી ખાતે ઉપલબ્ધ નથી. આઈપી એડ્રેસની વિગતો પણ અમદાવાદ કચેરીથી ભિન્ન જણાઈ આવી હતી.