અમદાવાદમાંથી વાઘબકરી બ્રાંડની બનાવટી ચાનો જથ્થો જપ્ત કરાયો
- સાબરમતી પોલીસે વેપારી અને સપ્લાયરને બનાવટી ચા સાથે ઝડપી લેવાયો
- પોલીસે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી
અમદાવાદ,તા.23 ફેબ્રૂઆરી,શુક્રવાર
સાબરમતી પોલીસે ગુરુવારા સાંજના સમયે બાતમીને આધારે દરોડો પાડીને વાઘબકરી ચાના બનાવટી પેકેટનું વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ચા સપ્લાય કરનાર અને ખરીદી કરીને વેચાણ કરતા વ્યક્તિની ધરપકડ કરીને કોપીરાઇટ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે.
શહેરના પરિમલ ગાર્ડન પાસે આવેલી વાઘબકરી ચાના લિગલ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતા રાકેશ સિંગને તેમના સર્વેયર દ્વારા જાણવા મળ્યું હતું કે સાબરમતી જવાહર ચોકમાં આવેલા ગુપ્તા કિરાણા સ્ટોરમાં વાઘબકરી ચાના બનાવટી પેકનું વેચાણ કરવામાં આવે છે. જેના આધારે દરોડો પાડીને તપાસ કરતા રુપેશ શાહ (રહે. પારસનગર સોસાયટી, સાબરમતી) પાસેથી વાઘબકરી ચાના 284 પેકેટ મળી આવ્યા હતા. આ જથ્થો નવા વાડજ વ્યાસવાડી પાસે રહેતા શૈલેષ ઠક્કર પાસેથી લાવીને વેચાણ કરવામાં આવતો હતો. જે અંગે સાબરમતી પોલીસે વધુ તપાસ શરુ કરી છે.