ગાયકવાડ હવેલીની કચેરીમાં ૭૦ લાખના ખર્ચે લોકોની ભાગીદારીથી રિનોવેશનનો નવતર પ્રયોગ'
મૂળ સ્ટ્રકચર કે ડિઝાઇન ના બદલાય તેની કાળજી રાખવામાં આવી છે
પરિસરમાં વૃક્ષો અને ઝાડપાનનો ઉછેર કરીને ગ્રીન માહોલ ઉભો કરાયો
અમદાવાદ, 24 એપ્રિલ,2023,સોમવાર
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ગાયકવાડ હવેલી ખાતે લેન્ડ ગ્રેબિંગ પ્રકારના આર્થિક ગુનાઓ ઉકેલવા માટે આર્થિક ગુના નિવારણ કચેરી કાર્યરત છે.આ કચેરી પહેલા ક્રાઇમબ્રાંચના જ એક યુનિટ તરીકે કામ કરતી હતી પરંતુ આર્થિક ગુનાઓનું પ્રમાણ વધવાથી ગાયકવાડ હવેલીમાં જ આર્થિક ગુના નિવારણની અલગ શાખા સ્થાપવામાં આવી હતી. કચેરી ફાળવવામાં આવી પરંતુ મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાથી પોલીસે લોક ભાગીદારીથી ૭૦ લાખના ખર્ચે રિનોવેશન કરવાનો નવતર પ્રયોગ કર્યો છે.
આ નવતર પ્રયોગ અંગે વાત કરતા આર્થિક ગુના નિવારણ શાખાના ડીસીપી ભારતીબેન પંડયા કહે છે આર્થિક ગુના નિવારણ યુનિટમાંથી શાખા બનતા અનેક પ્રકારની અગવડોના સામનો કરવો પડતો હતો. મુખ્ય તો સ્ટાફને બેસવાની જ કોઇ વ્યવસ્થા ન હતી. કચેરીમાં ફરજ બજાવતા મહિલા સ્ટાફ માટે તો સાવ પાયાની સુવિધાનો પણ અભાવ હતો. ૪ પીઆઇ, ૪ પીએસઆઇ,સહિત ૫૦ થી ૬૦ જેટલો સ્ટાફ સારા માહોલમાં ફરજ દરમિયાન સારી રીતે પોતાની કામગીરી કરી શકે તે માટે શાખાનું રિનોવેશન અત્યંત આવશ્યક હતું.
શહેર પોલીસ કમિશ્નર અને ક્રાઇમ બ્રાંચના ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ થયેલી રિનોવેશન કામગીરીમાં મહિલા પોલીસ સ્ટાફની નાનામાં નાની જરુરીયાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમે જાણતા હતા કે કે અમદાવાદનો વર્લ્ડ હેરિટેજ સિટીમાં સમાવેશ થાય છે આથી ઐતિહાસિક ગાયકવાડ હવેલીના મૂળ સ્ટ્રકચર કે ડિઝાઇનમાં કોઇ જ ફેરફાર ના થાય તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી છે. આર્થિક ગુના નિવારણની નવી કચેરીના ઇન્ટેરિયર ડિઝાઇન તૈયાર કરવા માટે સેપ્ટના એક સ્ટુડન્ટની મદદ મળી હતી એટલું જ નહી આર્થિક ગુના નિવારણ કચેરીનો લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે.
ભારતીબેન કહે છે આર્થિક ગુના નિવારણ પોલીસની કામગીરી અન્ય પોલીસ કચેરી કરતા જૂદી પડે છે. આર્થિક ગુના ઉકેલવા કમ્પ્યૂટરની મદદથી ડેટા એનાલિસિસને લગતું ટેકનિકલ કામ રહે છે.પોલીસ સ્ટાફ કામગીરીના ભાગરુપે કાયદાના પુસ્તકોનો અભ્યાસ થઇ શકે તે માટે લાયબ્રેરી પણ તૈયાર કરવામાં આવી છે.ફર્નિચર, ઇલેકટ્રિક સાધનોથી માંડીને રંગ રોગાણ માટે પણ દાતાઓ તરફથી મદદ મળી છે. બહારના પરિસરમાં વૃક્ષો, ઝાડપાન સહિત ઇકો સિસ્ટમને કોઇ જ ખલેલ ના પડે તેવી રીતે ગ્રીન માહોલ ઉભો કરવામાં આવ્યો છે. આ કામગીરીથી હેરિટેજ ગણાતી ગાયકવાડ હવેલીમાં રિનોવેશનથી આર્થિક ગુના નિવારણ શાખાને નવી ઓળખ મળી છે.