અમદાવાદમાં ટ્રેન નીચે પડતું મૂકી રેલવેના જુનિયર એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ
Suicide In Ahmedabad: અમદાવાદમાં રેલવેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં કર્મચારીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી છે. 54 વર્ષના આધેડે શુક્રવારે (ચોથી ઑક્ટોબર) સવારના 7 વાગે મણિનગર રેલવે ક્રોસિંગ નજીક જામનગર હમસફર ટ્રેન નીચે સૂઈને મોતને વહાલું કર્યુ હતું. આ મામલે મણિનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મણિનગરમાં સીએનઆઇ ચર્ચની સામે આવેલા રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિન રાઠોડ (ઉ.54) રેલવેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે શુક્રવારે (ચોથી ઑક્ટોબર) રજા હોવાથી ઘરે જ હતા. શુક્રવારે સવારના 7 વાગ્યે મણિનગર રેલવે ક્રોસિંગ પાસે જામનગર હમસફર ટ્રેન આવવાની હોવાથી તંત્ર દ્વારા બન્ને તરફના ક્રોસિંગ બંધ કરી દેવાયા હતા. આ દરમિયાન અશ્વિન રાઠોડે પણ ક્રોસિંગમાંથી બહાર આવીને ટ્રેક તરફ સૂઈ ગયા અને ટ્રેન તેમના પર ફરી વળતાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: ગાંધીનગરમાં બજરંગદળ-વિહિપ કાર્યકરોએ ખેલૈયાઓની મજા બગાડી, બળજબરીથી તિલકનો પ્રયાસ કરાતા પોલીસનો લાઠીચાર્જ
આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ થઈ હતી. અશ્વિનભાઈએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યુ તેની હાલમાં કોઈ માહિતી મળી નથી. આ મામલે મણિનગર પોલીસે ગુનો નોંધી આપઘાત પાછળના કારણની તપાસ શરુ કરી છે.