ઉછીના રૃપિયા ના આપતા તલવારથી તોડફોડ કરીને લૂંટ ચલાવી આતંક મચાવ્યો
ધાક જમાવવા અસામાજિક તત્વો નિર્દોષ શ્રમજીવી લોકો ઉપર હુમલા કરી રહ્યા છે
યુવકને લાફા મારીને તલવાર બતાવીને રૃા. ૮.૫૦૦ની લૂંટ ચલાવી
અમદાવાદ,સોમવાર
પૂર્વ વિસ્તારમાં માથાભારે શખ્સો ધાક જમાવવા માટે નિર્દોષ શ્રમજીવી લોકો ઉપર હુમલા કરી રહ્યા છે. ગોમતીપુરમાં જ્યુસની લારી ધરાવતા યુવકે ઉછીના રૃપિયા આપવાની ના આપતા આરોપીઓએ તલવાર લઈને લારીમાં તોડફોડ કરી લૂંટ ચલાવીને આતંક મચાવ્યો હતો એટલું જ નહી આ બનાવનો વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ગોમતીપુરમાં તકરાર કરીને ગયા બાદ અડધા કલાકમાં તલવાર લાકડી લઇને આવીને યુવકને લાફા મારીને તલવાર બતાવીને રૃા. ૮.૫૦૦ની લૂંટ ચલાવી ધમકી આપી
ગોમતીપુરમાં રહેતા અને જ્યુસની લારી ધરાવતા યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગોમતીપુરમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રવિવારે ફરિયાદી અને તેનો ભાઇ લારી ઉપર જ્યુસ વેચી રહ્યા હતા. ત્યારે ફરિયાદીના નાના ભાઈ સાથે કેટલાક લોકો તકરાર કરી રહ્યા હતા. ફરિયાદી વચ્ચે પડીને તમામ લોકોને છૂટા પાડયા હતા.
ફરિયાદીના નાનાભાઇએ કહ્યું કે ચાર આરોપીઓ મારી પાસે ઉછીના રૃપિયા માંગતા હતા મે રૃપિયા આપવાની ના પાડતા મારી સાથે તકરાર કરી રહ્યા હતા. ત્યાં તો અડધા કલાકમાં ચાર આરોપીઓ હાથમાં તલવાર, દંડા લઈને આવ્યા હતા અને જ્યુસની લારીમાં તોડફોડ કરી હતી હતી અને તલવાર બતાવીને લારીના ગલ્લામાં રહેલા રૃા. ૮૫૦૦ રોકડની લૂંટ ચલાવીને જાહેર રોડ પર તલવાર બતાવીને લોકોને પણ ધમકાવીને આતંક મચાવ્યો હતો. આ બનાવનો વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. આ ઘટના અંગે ગોમતીપુર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.