અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પાસે ધનંજય ટાવરમાં આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
આગની ઘટનાની જાણ થતાં પોલીસ પણ પહોંચી ગઈ, કોઈ જાન હાનીની વિગતો મળી નથી
![]() |
પ્રતિકાત્મક તસવીર |
અમદાવાદઃ અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધતાં એપાર્ટમેન્ટ અને બિલ્ડિંગોમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે. આજે શહેરના પાલડી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં વહેલી સવારે આગ લાગી હતી. જ્યારે હાલમાં શહેરમાં શ્યામલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બની છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતાં.
આગ કયા કારણે લાગી તે હજી જાણી શકાયું નથી
શ્યામલ વિસ્તારમાં આવેલા ધનંજય ટાવરમાં બીજા માળે આગ લાગવાની ઘટના બની છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યો હતો. આગ કયા કારણે લાગી તે હજી જાણી શકાયું નથી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટાવરમાં લોકો ફસાયા હોવાની માહિતી પણ મળી રહી છે. હજી સુધી કોઈ જાનહાની થઈ હોવાની માહિતી સામે આવી નથી.
15 જેટલા ટુ વ્હીલર બળીને ખાક થઈ ગયા
આજે વહેલી સવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં અમીઝરા એપાર્ટમેન્ટના બી બ્લોકના પાર્કિંગમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગમાં 15 જેટલા ટુ વ્હીલર અને 3 એસીના આઉટડોર બળીને ખાક થઈ ગયા હતા. આગ લાગતા ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જો કે, લોકોને આગની જાણ થતાં જ નીચે ઊતરી ગયા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.