ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું નરોડા પાસે અકસ્માતમાં મોત
અમદાવાદ, તા. 16 ફેબ્રુઆરી, 2022, બુધવાર
અમદાવાદમાં મંગળવારે સાંજે 6:45 કલાકે નાના ચિલોડા રીંગરોડ સર્કલથી દહેગામ સર્કલ જતાં એસપી રીંગરોડ પર થયેલા રોડ અકસ્માતમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું અવસાન થયું છે. રોહનસિંહ નામના 33 વર્ષીય કોન્સ્ટેબલ પોતાનું બુલેટ ચલાવીને નાના ચિલોડા રીંગરોડ સર્કલથી દહેગામ સર્કલ તરફ જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ વેગે આવી રહેલા સિમેન્ટ મીક્ષર મશીન ટ્રકે તેમને ટક્કર મારી હતી અને તેમના માથા પર ટાયર ફેરવી દીધું હતું. અકસ્માત બાદ ટ્રક નંબર GJ-18-AZ-3859નો ચાલક ટ્રકને ઘટના સ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો.
રોહનસિંહના પિતા ભાડાની કાર ચલાવે છે અને તેમણે ટ્રકચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે. મૃતકના લગ્ન થઈ ગયેલા હતા પરંતુ હજુ સુધી કોઈ બાળક નહોતું.