Get The App

ઊંચાઈના મુદ્દે યુવક પહોંચ્યો ઉચ્ચ ન્યાયાલયમાં, પોલીસ ભરતીમાં ગેરલાયક ઠરેલા ઉમેદવારે માગી દાદ

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
ઊંચાઈના મુદ્દે યુવક પહોંચ્યો ઉચ્ચ ન્યાયાલયમાં, પોલીસ ભરતીમાં ગેરલાયક ઠરેલા ઉમેદવારે માગી દાદ 1 - image


Police Recruitment Gujarat : કાયમી તેમજ પોતાની પસંદગીની નોકરી માટે યુવાનો સખત મહેનત કરતા હોય છે. ત્યારે હાલમાં પોલીસમાં ભરતી મામલે મહીસાગરના એક ઉમેદવારે ઊંચાઈને લઈને ઍડ્વોકેટ ગૌરાંગ ચૌહાણ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે. જેમાં અરજદારે રજૂઆત કરી છે કે, સોલા સિવિલમાં તેની ઊંચાઈ 164.9 CM બતાવવામાં આવી હતી. જ્યારે પોલીસ ભરતીમાં 164 CM બતાવીને તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત હાઇકોર્ટે સોલા સિવિલમાં ઊંચાઈ માપીને હાઇકોર્ટને જણાવવા માટેના નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો : 'કોલ્ડપ્લે' માટે અમદાવાદના સ્ટેડિયમમાં પ્રેક્ષકોની એન્ટ્રી શરૂ, જુઓ દેશ- વિદેશથી ઉમટેલા ચાહકોનો અંદાજ

પોલીસ ભરતીમાં ઉમેદવારની ઊંચાઈને લઈને વિવાદ 

પોલીસ વિભાગમાં ભરતીની જાહેરાત થતાંની સાથે યુવાનો શારીરિક તેમજ લેખિત પરીક્ષા માટે ઉમેદવારો સખત મહેનત કરતા હોય છે. અને તેમાં જો ઉમેદવારોને શારીરિક કસોટીમાં બનતી કોશિશ કરવા છતાં ગેરલાયક ઠેરવવામાં આવે તો તે નાસીપાસ થઈ જાય છે. ક્યારેક ક્યારેક ભરતીમાં વિવાદો પણ ઊભા થઈ જાય છે. એવો જ એક કેસ ગુજરાત હાઇકોર્ટમાં સામે આવ્યો છે. જ્યાં ઉમેદવારની ઊંચાઈને લઈને વિવાદ ઊભો થયો છે. 

ઉમેદવારે રિટ પિટિશન દાખલ કરી

આ અંગે મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઇકોર્ટમાં મહીસાગરના એક ઉમેદવારે ઍડ્વોકેટ ગૌરવ ચૌહાણ દ્વારા રિટ પિટિશન દાખલ કરી છે. જેમાં ઉમેદવારે પિટિશનમાં જણાવ્યું છે કે, અરજદારે તાજેતરમાં બહાર પાડવામાં આવેલી 11,000થી વધુ પોલીસ કર્મચારીઓની ભરતીમાં ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ઉમેદવારનો ગત 10 જાન્યુઆરીના રોજ ફિઝિકલ ટેસ્ટ માટે કપડવંજ ખાતે નંબર આવ્યો હતો. ઉમેદવાર ભરતીની પ્રક્રિયામાં ભાગ લેવા પહોંચ્યો હતો અને દોડની પરીક્ષામાં તે પાસ થયો હતો. પરંતુ તેની ઊંચાઈ 164 CM નીકળતાં તેને ગેરલાયક ઠેરવી આ પરીક્ષામાં નાપાસ કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: વિશ્વનું એક અનોખું મંદિર, જ્યાં લોકો માનતા પૂર્ણ કરવા ભગવાન શિવને અર્પણ કરે છે જીવતા કરચલા

પુરુષો માટે ઊંચાઈની લાયકાત 165 CM હોવી જોઈએ

નોંધનીય છે કે, આ પોલીસ ભરતી પરીક્ષામાં પુરુષો માટે ઊંચાઈની લાયકાત 165 CM નક્કી કરવામાં આવી છે, અરજદાર પોતે SEBC કેટેગરીમાંથી આવતો હોવાથી તેની ઊંચાઈ નિયમો મુજબ 165 CM હોવી જોઈએ.

સોલા સિવિલને ઊંચાઈ માપવા નિર્દેશ કરાયો 

અરજદારે આ અગાઉ લોકરક્ષક પોલીસ ભરતીની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમાં પણ આવો જ પ્રશ્ન ઊભો થયો હતો. જેથી હાઇકોર્ટે સોલા સિવિલ હૉસ્પિટલમાં તેની ઊંચાઈની માપણી કરવાનો નિર્દેશ કર્યો હતો, ત્યારે તેની ઊંચાઈ 164.9 CM નીકળી હતી અને હાઇકોર્ટે અરજદારની અરજી તે વખતે મંજૂર કરી હતી, પરંતુ અરજદાર લેખિત પરીક્ષામાં નાપાસ થયો હતો. આ મામલે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ઑથોરિટીને નોટિસ પાઠવી છે અને આ મામલે વધુ સુનાવણી 10મી ફેબ્રુઆરી કરવામાં આવશે. આ સાથે અરજદારને સોલા સિવિલ હૉસ્પિટલમાં ઊંચાઈ માપવા ઉપસ્થિત રહેવા જણાવાયું છે. 


Google NewsGoogle News