સરેરાશ રોજનો એક અકસ્માત, વર્ષમાં ૨૦ વ્યકિતનો ભોગ લીધા પછી AMTS જાગૃત થઈ
શહેરની જીવાદોરી સમાન, ખાનગી ઓપરેટરથી ચાલતી બસ સેવા
બસની ટેકનીકલ સ્થિતિ, સ્પીડ ઘટાડવી અને ડ્રાઈવરના નશાની જવાબદારી બસ ઓપરેટરને માથે નાંખી દેવાઈે
અમદાવાદ,મંગળવાર,14
મે,2024
શહેરમાં પ્રજાની સુખાકારી અને સગવડ માટે ચાલતી મ્યુનિસિપલ
કોર્પોરેશન સંચાલિત ટ્રાન્સપોર્ટ સર્વિસ હવે અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ માટે
જોખમ બની રહી છે. સંપૂર્ણ રીતે ખાનગી કોન્ટ્રાકટર દ્વારા ચાલતી આ બસ સેવા રોજનો
સરેરાશ એક અકસ્માત કરે છે અને એક જ વર્ષમાં ૨૦ વ્યકિતનો જીવ લઈ ચૂકી છે.
રવિવારે સાંજે આ બસ સર્વિસના એક રુટ ઉપર અચાનક જ બ્રેક ફેઈલ
થતા જોધપુર ચાર રસ્તાથી ઈસરો તરફ જવાના રોડ ઉપર આઠ વાહનોને અડફેટે લીધા હતા.
સદનસીબે આ ઘટનામાં કોઈ માનવીય જીંદગીને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. એપ્રિલ-૨૦૨૩થી
એપ્રિલ-૨૦૨૪ વચ્ચેના ગાળામાં ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોએ કુલ ૩૫૩ અકસ્માત કર્યા
છે. જેમાં ૨૦ વ્યકિતનો ભોગ લેવાયો છે.હવે,
આવી ઘટના બને નહીં એ માટે સફાળા જાગેલા તંત્રએ પગલાં લેવાની જાહેરાત કરી છે.
શહેરમાં હાલમાં ૭૫૦ જેટલી બસ દોડાવવામાં આવી રહી છે.બસની સ્પીડ પ્રતિ કીલોમીટર
પચાસની હોય છે જે ઘટાડીને ચાલીસની કરવામા આવશે.બસની ફિટનેસ અંગેનુ સર્ટી ફિકેટ
ઓપરેટરે દર પંદર દિવસે તંત્ર સમક્ષ રજૂ કરવુ પડશે.ઉપરાંત ડ્રાઈવરે નશો કર્યો છે કે
કેમ એની પણ તપાસ ઓપરેટરે કરવી પડશે.ખાનગી ઓપરેટરોને આ તમામ પ્રકારની જવાબદારી
સોંપવા આજે મળનારી એ.એમ.ટી.એસ.કમિટિ સમક્ષ દરખાસ્ત મંજૂરી માટે મુકવામા આવી છે. એક
વર્ષમાં એ.એમ.ટી.એસ.બસ અકસ્માતમાં વીસ લોકોએ જીવ ગુમાવ્યા છે.જેમાં સૌથી વધારે
આદિનાથ બલ્ક પ્રાઈવેટ લિમીટેડ,
અર્હમ ટ્રાન્સપોર્ટ તથા ટાંક બસ સર્વિસ નામના ઓપરેટરો દ્વારા દોડાવવામા આવતી
બસ દ્વારા કરવામાં આવ્યા છે.ભાજપના પૂર્વ કોર્પોરેટર અને વર્તમાન ધારાસભ્ય, વર્તમાન
કોર્પોરેટર તથા હોદ્દેદાર એવા બે નેતાઓની બસ એ.એમ.ટી.એસ.માં ચલાવવામા આવી રહી
છે.એપ્રિલ-૨૦૨૩થી એપ્રિલ-૨૦૨૪ સુધીના એક વર્ષમાં એ.એમ.ટી.એસ.બસના ડ્રાઈવરો દ્વારા
નાના-મોટા ૩૫૩ અકસ્માત કરવામા આવ્યા હતા.આમ છતાં કોન્ટ્રાકટરો સામે કોઈ નકકર કાર્યવાહી
કરવામાં આવતી નથી.બસના ડ્રાઈવરોને ટ્રેનિંગ દેખાવ પુરતી આપવામા આવતી હોય એમ સ્પષ્ટ
જોવા મળી રહયુ છે.
કયા ઓપરેટરની બસ દ્વારા એક વર્ષમાં કેટલા અકસ્માત
ઓપરેટરનુ નામ અકસ્માત કુલ મોત
આદિનાથ બલ્ક ૫૩ ૦૬
અર્હમ ટ્રાવેલ્સ ૬૪ ૦૫
માતેશ્વરી ટ્રાવેલ્સ ૨૫ ૦૧
શ્રી મારુતી ટ્રાવેલ્સ
૧૨ ૦૦
શ્રી મારુતી ટ્રાવેલ્સ ૪૧
૦૧
શ્રી મારુતી ટ્રાવેલ્સ
૧૨ ૦૦
ટાંક બસ સર્વિસ ૧૦૦ ૦૬
લક્ષ્મી ટ્રાવેલ્સ ૦૧ ૦૦
અન્ય ૪૫ ૦૧