મોટા ઉપાડે જાહેરાત છતાં ફ્લાવર શૉમાં પ્રી-વેડિંગ કે મૂવી શૂટિંગ માટે એક પણ બુકિંગ ન મળ્યું
Ahmedabad River Front Flower Show News | સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ફલાવર શોમાં લોકો પ્રિ-વેડિંગ કે મૂવી શૂટિંગ કરી શકશે એવી જાહેરાત કરીને તંત્રએ ફલાવર શૉને 24 જાન્યુઆરી સુધી લંબાવવા નિર્ણય કર્યો હતો. ત્યારે 9 જાન્યુઆરીએ પ્રિ-વેડિંગ, મૂવી શૂટિંગ માટે જાહેરાત કરાયા બાદ 17 જાન્યુઆરી સુધી એકપણ બુકિંગ થયું ન હોવાની જાણકારી સામે આવી છે.
તંત્રની પ્રિ-વેડિંગ-મૂવી શૂટિંગના નામે આવક ઉભી કરવાની કરેલી યુક્તિ સફળ તો ના થઈ પરંતુ નિર્ણય પણ ખોટો સાબિત થયો છે. ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલા ફલાવર શોને 23 અને 24 એમ બે દિવસ માટે લંબાવીને શહેરીજનો પ્રિ-વેડિંગ શૂટીંગ કરી શકે એ માટે સવારના 7થી 8 એમ એક કલાક દરમિયાન રૂપિયા 25000 ચાર્જ વસૂલીને પ્રિ-વેડિંગ શૂટિંગ કરવા મંજૂરી અપાશે એ પ્રકારની સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત વેબ સિરીઝ અને મૂવી ઉપરાંત જાહેરાતના શૂટિંગ માટે 23 અને 24 જાન્યુઆરીના રોજ સાંજના 6થી 9 કલાક દરમિયાન રૂપિયા એક લાખ ચાર્જ વસૂલીને તંત્ર તરફથી શૂટિંગ માટે મંજૂરી આપવામાં આવવાની જાહેરાત કરાઈ હતી. રિક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહ્યું કે, ફલાવર શોમાં પ્રિ-વેડિંગ શૂટિંગ માટે કરવામાં આવેલી જાહેરાત પછી 17 જાન્યુઆરી સુધી એકપણ બુકિંગ મળ્યું નથી.