ઉત્તરાયણ પર્વ દરમિયાન અમદાવાદમાં ધાબા પરથી પડવાના, દોરીથી ઈજાના ૧૦૬ બનાવ, એકનું મોત
ધાબા ઉપરથી પડી ગયેલા ૨૮ વર્ષના યુવાનનું એલ.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયું
અમદાવાદ,બુધવાર,15
જાન્યુ,2025
અમદાવાદમાં ૧૪ જાન્યુઆરીને મકર સંક્રાંતિના પર્વ દરમિયાન
શહેરના જુદા જુદા વિસ્તારમાં ધાબા ઉપરથી પડી જવાથી, દોરી વાગતા ઈજા થવાના મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત
હોસ્પિટલોમાં ૧૦૬ બનાવ નોંધાયા હતા. ધાબા ઉપરથી પડી ગયેલા ૨૮ વર્ષના યુવાનને
એલ.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જયાં સારવાર દરમિયાન તેનું
મોત નિપજયુ હતુ.
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વની મજા માણવામાં મશગુલ એવા
શહેરીજનો બે દિવસ દરમિયાન વિવિધ પ્રકારની ઈજાનો ભોગ બન્યા હતા.ઉત્તરાયણના દિવસે
એલ.જી.હોસ્પિટલ ખાતે ઈજા પામેલા ૨૬ દર્દીઓને આઉટ ડોર પેશન્ટ તરીકે સારવાર આપવામાં
આવી હતી. ઉપરાંત આઠ દર્દીને ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા
હતા.ઈન્ડોર દર્દી તરીકે સારવાર માટે દાખલ કરવામા આવેલા ૨૮ વર્ષના રાજ ભરતભાઈ નામના યુવાનનુ મોત થયુ
હતુ.હોસ્પિટલમાં પતંગની દોરીના કારણે ગળાના ભાગમાં ઈજા પહોંચી હોવાના, હોઠ અને દાઢીના
ભાગ ઉપર ઈજા થયેલા દર્દીઓને પણ સારવાર આપવામા આવી હતી.૪૫ વર્ષના એક પુરુષ દર્દીને
દોરી વાગતા મોંઢાના ભાગમાં ઈજા પહોંચી હતી.૪૪ વર્ષના એક મહીલાને દોરી વાગતા નાક
તથા મોંઢાના ભાગમાં ઈજા થતા હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં આવી હતી.૩૭ વર્ષના
મહીલા દર્દીને ગળાના ભાગમાં દોરી વાગતા ઈજા થતાં તેમને આઈ.સી.યુ.માં સારવાર
આપવામાં આવી રહી છે.જયાં તેમની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલ સૂત્રોમાંથી જાણવા
મળ્યુ છે. બે દિવસ દરમિયાન પ્રતિબંધિત દોરીના વપરાશના કારણે પણ ઈજાના બનાવમાં
વધારો થયો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં
બે દિવસ સુધી ઈજા સહીતના ક્રીટીકલ દર્દીઓને સારવાર અપાઈ હતી.
કઈ હોસ્પિટલમાં કેટલા દર્દીને સારવાર અપાઈ?
હોસ્પિટલ ઓ.પી.ડી. ઈન્ડોર
એલ.જી. ૨૬ ૦૮
શારદાબહેન ૩૩ ૦૨
એસ.વી.પી. ૧૪ ૦૧
વી.એસ. ૨૩ --
નગરી ૦૨ --
પક્ષી ઘાયલ થવાના બે દિવસમાં ૪૬ બનાવ નોંધાયા
અમદાવાદના વિવિધ
વિસ્તારમાંથી દોરીના કારણે પક્ષી ઘાયલ થવા અંગેના ફાયર વિભાગને બે દિવસમાં કુલ ૪૬
કોલ મળતા ફાયર વિભાગની રેસ્કયૂ ટીમ દ્વારા ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટેની
વ્યવસ્થા કરવામાં આવી હતી.૧૪ જાન્યુઆરીએ ૨૦ તથા ૧૫ જાન્યુઆરીએ સાંજ સુધીમાં ૨૬ કોલ
પક્ષી ઘાયલ થવા અંગેના ફાયર વિભાગને મળ્યા હતા. દરમિયાન વર્ષ-૨૦૨૪માં જાન્યુઆરી
મહીનાથી ડિસેમ્બર અંત સુધીમાં પક્ષી ઘાયલ થવા અંગેના અમદાવાદ ફાયર વિભાગને ૮૦૦થી
વધુ કોલ મળ્યા હતા.