CRC-BRCની 900 જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ, આજથી ઓનલાઈન અરજી કરી શકાશે, 31મીએ લેખિત પરીક્ષા

હવે 3 વર્ષ માટે જ કો-ઓર્ડિનેટરો નિમાશે

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
CRC-BRCની 900 જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ, આજથી ઓનલાઈન અરજી કરી શકાશે, 31મીએ લેખિત પરીક્ષા 1 - image


CRC-BRC-URC Recruitment : ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યમાં સીઆરસી-બીઆરસી અને યુઆરસી કોઓર્ડિનેટરોની ભરતી માટેની જાહેરાત કરી દેવાઈ છે. જે અંતર્ગત આજથી ઓનલાઈન અરજી શરૂ થશે અને 11 ડિસેમ્બરના રાત સુધી ચાલશે. જ્યારે 31મી ડિસેમ્બરે 100 માર્કસની લેખિત પરીક્ષા લેવાશે. હવે નવા નિયમો મુજબ તમામ કોઓર્ડિનેટરોની 3 વર્ષ માટે જ નિમણૂંક થશે અને હવે એક વર્ષનો કૂલિંગ પીરિયડ પણ નાખવામા આવ્યો છે એટલે કે અગાઉ કોઓર્ડિનેટરો રહી ચુકેલા શિક્ષકો આ ભરતીમાં તો જ અરજી કરી શકશે કે તેઓએ છેલ્લે એક વર્ષની શિક્ષકની નોકરી કરી હોય.

રાજ્યમાં 900 જેટલી જગ્યાઓ ખાલી

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં સ્કૂલ શિક્ષણના મોનિટરિંગથી માંડી સર્વે-ગુણવત્તા અને પરીક્ષાલક્ષીથી માંડી પરીણામ સહિતની વિવિધ કામગીરી માટે દરેક તાલુકા દીઠ એક બીઆરસી એટલે કે બ્લોક રીસોર્સ સેન્ટર કોઓર્ડિનેટર તેમજ અર્બનમાં કોર્પોરેશન સ્કૂલ વિસ્તારો માટે યુઆરસી એટલે કે અર્બન સેન્ટર કોઓર્ડિનેટર તેમજ વિવિધ કલ્સ્ટર દીઠ સીઆરસી કોઓર્ડિનેટરોની નિમણૂંક કરવામા આવે છે. છેલ્લે સવા વર્ષ પહેલા ભરતી પ્રક્રિયા કરાઈ હતી અને હાલ રાજ્યમાં 900 જેટલી સીઆરસી, યુઆરસી અને બીઆરસીની જગ્યાઓ ખાલી છે જે માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામા આવી છે.

31મી ડિસેમ્બરે લેખિત પરીક્ષા લેવાશે

સમગ્ર શિક્ષા વિભાગની સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર કચેરી દ્વારા જાહેર કરાયેલી પ્રક્રિયા  મુજબ 2થી 11 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી થશે અને 31મી ડિસેમ્બરે 100 માર્કસની લેખિત પરીક્ષા લેવાશે. અગાઉ લાયકાતો-ગુણાંકન પ્રક્રિયા સહિતના મુદ્દે હાઈકોર્ટમાં પીટિશન પણ થઈ ચુકી છે ત્યારે સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા વધુ સરળ-પારદર્શક બનાવવા માટે નવા નિયમો જાહેર કરાયા છે. પ્રતિનિયુક્તિથી નિમણૂંક અંગેના નવા નિયમો અંતર્ગત એક વર્ષનો કૂલિંગ પીરિયડ મુકાયો છે. એટલે કે અગાઉ ભરતી થયા બાદ છેલ્લા એક વર્ષમાં કોઓર્ડિનેટરની જવાબદારીમાંથી મુક્ત થયેલા શિક્ષક આ ભરતીમાં અરજી નહી કરી શકે. ઓછામા ઓછી એક વર્ષની શિક્ષક તરીકે નોકરી હશે તો જ અરજી થઈ શકશે. ઉપરાંત હવે 3 વર્ષ માટે જ નિમણૂંકો થશે અગાઉ સરકાર દ્વારા પાંચ વર્ષ સુધી કોઓર્ડિનેટરીને જગ્યાઓ પર રાખવામાં આવતા હતા. 

 ભરતી માટે જીલ્લા લેવલે કમિટી પણ રહેશે

આ ભરતી અંતર્ગત શૈક્ષણિક ગુણાંકન અને અનુભવનના કુલ 50 ગુણ રહેશે. ભરતી માટે જીલ્લા લેવલે કમિટી પણ રહેશે. જો પ્રતિનિયુક્તિ રદ થાય તો રજૂઆત માટે અપિલ પણ કરી શકાશે. પરીક્ષા બાદ શૈક્ષણિક લાયકાતન ગુણ અને પરીક્ષા ગુણના આધારે રાજ્ય કક્ષાએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે.

CRC-BRCની 900 જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ, આજથી ઓનલાઈન અરજી કરી શકાશે, 31મીએ લેખિત પરીક્ષા 2 - image


Google NewsGoogle News