નઘરોળ તંત્ર: ગુજરાત ટુરિઝમના 9 કર્મચારીનો કરાર પતી જવા છતાં હજુ ફરજ પર યથાવત્
Gujarat Tourism: ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ હવે ભ્રષ્ટાચાર, દિશાહીન કામગીરીનું પૂરક બની ગયું છે. કોઈ પણ સરકારી ખાતાં કે ખાનગી કંપનીમાં ક્યારેય એવું નહીં જોવા મળ્યું હોય કે કરારબદ્ધ કર્મચારીનો કરાર પૂરો થઈ ગયો હોવા છતાં તેને ચાલુ વેતને ફરજ ઉપર ચાલુ રાખવામાં આવે. પરંતુ ગુજરાત ટુરિઝમ તેમાં અપવાદ છે. જ્યાં 9 જેટલા કર્મચારીઓનો કરાર મહિનાઓથી પૂરો થઈ ગયો છે. પરંતુ તેઓ ફરજ પર યથાવત્ છે, એટલું જ નહીં સરકારી ખર્ચે તમામ સુવિધાઓ પણ વટભેર ભોગવી રહ્યા છે.
ગુજરાત ટુરિઝમ એટલે નઘરોળ તંત્રનું બીજું નામ
ગુજરાત પાસે ધાર્મિક સ્થળો, વિશાળ દરિયા કિનારો, સાસણ ગીર, સફેદ રણ, સાપુતારા જેવા પ્રવાસન માટેના અનેક આકર્ષણના સ્થળ હોવા છતાં દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવમાં પાછળ જ રહ્યું છે. ટુરિઝમમાં ગુજરાતની અધોગતિ માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટના દિશાવિહિન-નઘરોળ વહીવટ પણ જવાબદાર છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, ગુજરાત ટુરિઝમનાં એક મહિલા અધિકારીનો કોન્ટ્રાક્ટ આ વર્ષે ઑગસ્ટમાં જ પૂર્ણ થઈ ગયો છે. પરંતુ આ અધિકારીની વગ એવી છે કે કોન્ટ્રાક્ટ પૂરો થવાને 3 મહિના કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે છતાં તેઓ ફરજ પર યથાવત્ છે.
આ અધિકારી સત્તાવાર રીતે હાલ કોન્ટ્રાક્ટ હેઠળ નહીં હોવા છતાં તેઓ ટુરિઝમ વિભાગના અધિકારી તરીકે પીએચડી ચેમ્બર્સ ઇવેન્ટમાં મુંબઈ, ફિલ્મ બઝારના કાર્યક્રમ માટે ગોવા અને અને નીતિ આયોગના કાર્યક્રમમાં સુરતના પ્રવાસે પણ જઈ આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ટુરિઝમ વિભાગની 8 મલાઈદાર પોસ્ટમાં કર્મચારીઓનો કરાર પૂરો થઈ ગયો હોવા છતાં તેઓ વટભેર પોતાની નોકરીએ આવે છે. આ કર્મચારીઓ પાછળ મહિનાઓથી લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, કોન્ટ્રાક્ટ પૂરો થયેલા આ કર્મચારીઓના માથે ઉપરીઓના ચાર હાથ છે. આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થયાની ફાઇલ મોકલવામાં આવી ત્યારે તેમાં એવા રિમાર્ક્સ લખેલા આવ્યા હતા કે, 'નવી ભરતી માટે જાહેરખબર કરાશે અને નિયમ અનુસાર જ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.' આમ આ રિમાર્ક્સમાં આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવા માટેનો ધરાર ઇન્કાર હતો. આમ છતાં તેઓ ધરાર નોકરી પર યથાવત્ છે.
એવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે કે કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ કોઈ જવાબદારી હેઠળ હોતા નથી અને જેના કારણે તેમને ભ્રષ્ટાચારના ખેલ માટે મોકળું મેદાન મળી જાય છે. સરકાર દ્વારા જીપીએસસીની વિવિધ પરીક્ષા લેવામાં આવે છે તો તેમાં પ્રવાસન વિભાગ માટે કાયમી કર્મચારીઓની ભરતી શા માટે કરાતી નથી તે મોટો સવાલ છે. કાયમી લોકોની ભરતીથી ટુરિઝમમાં ચાલતાં બેલગામ ભ્રષ્ટાચાર ઉપર પણ મહદ્અંશે અંકુશ આવી શકે છે.
પગાર 45 હજાર, કારનું બિલ 53 હજાર!
પગાર કરતાં ભથ્થાં પાછળ વધુ નાણા મળતાં હોય તેવું સંભવતઃ માત્ર ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં જ જોવા મળે. કોન્ટ્રાક્ટ હેઠળના એક અધિકારીનો પગાર રૂપિયા 45 હજાર છે અને દર મહિને તેમને લાવવા-લઈ જવા, એક સ્થાનથી બીજા સ્થાને જવા કારના ભાડા પેટે રૂપિયા 53 હજારનું બિલ મૂક્યું હતું અને તે ચૂકવી પણ દેવાયું. આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ ઑગસ્ટમાં પૂરો થઈ ગયો હતો અને તેમનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આમ છતાં તેઓ પગાર-ભથ્થાં બધું જે મેળવે છે.