Get The App

અમદાવાદની ઝેબર સ્કૂલમાં ધો.3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત, કાર્ડિયાક અરેસ્ટની આશંકા

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
અમદાવાદની ઝેબર સ્કૂલમાં ધો.3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત, કાર્ડિયાક અરેસ્ટની આશંકા 1 - image


Ahmedabad News: અમદાવાદ શહેરના થલતેજ-બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનની 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે. ધો.3ની વિદ્યાર્થિની ગાર્ગી રાણપરાને અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. ત્યારબાદ તેને અસહજ અનુભવાતા તે લોબી પરની ખુરશી પર બેસી ગઈ હતી. જ્યાં થોડી ક્ષણોમાં જ તે ઢળી પડી હતી. આસપાસમાં હાજર શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. જે બાદ તેને શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. કાર્ડિયાક એરેસ્ટ (cardiac arrest) ના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. 

અમદાવાદની ઝેબર સ્કૂલમાં ધો.3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત, કાર્ડિયાક અરેસ્ટની આશંકા 2 - image

ઘટના અંગે ઝેબર સ્કૂલના આચાર્યએ શું કહ્યું?

ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના આચાર્ય શર્મિષ્ઠા સિન્હાના જણાવ્યા અનુસાર, ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકી ગાર્ગી તુષાર રાણપરાનું મોત થયું છે. અમે સીસીટીવી રેકોર્ડિંગમાં જોયું કે, દરરોજ બાળકી જે રીતે આવતી હતી તેમ જ શાળામાં આવી હતી. તે તેના પહેલા માળ પર આવેલા ક્લાસમાં જઈ રહી હતી. તે દરમિયાન તે ધીરે ધીરે ચાલી રહી હતી. દરમિયાન તે ત્યાં રહેલી ખુરશીમાં બેસી ગઈ અને તે ધીરે ધીરે નીચે આવવા લાગી હતી. શિક્ષકોએ જ્યારે આ જોયું ત્યારે એની પાસે દોડી ગયા હતા.

જોઈને લાગ્યું કે, તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. એટલે અમે તેને સીપીઆર આપ્યું. જે બાદ 108ને ફોન કર્યો. પરંતુ એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી અમે તેને સ્ટાફની ગાડીમાં સારવાર માટે લઇ ગયા હતા. અમે તેને ઝાયડસ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેઓએ તપાસીને કહ્યું કે, તેને કાર્ડિઆક અરેસ્ટ આવ્યો છે એટલે આઈસીયુમાં દાખલ કરવામાં આવી પરંતુ અંતે તેનું મોત થઇ ગયું.

'બાળકીના પેરેન્ટ્સ મુંબઈ રહે છે'

બીજી તરફ, આ બાળકી અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી. બાળકીના માતા-પિતા હાલ મુંબઈ છે અને તેને જાણ કરાઈ છે. આ અંગે આચાર્યએ જણાવ્યું હતું કે, બાળકીના પિતા મુંબઈમાં નોકરી કરે છે. તેથી તેની માતા પણ હાલ ત્યાં જ હતા. જોકે, અમે ફોન કરતા તેના દાદા અને ફોઇ પહેલાં જ ત્યાં આવી ગયા હતા. એડમિશન લેતા સમયે કોઈ પણ બીમારી નહોતી. તેમજ એડમિશન સમયે અમે બાળકીને કોઈપણ બીમારી ન હોવાના ડોક્યુમેન્ટ લીધેલા છે. અન્ય કોઈ પણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે

હાલ, અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવી શકે છે. આ ઘટના અંગે જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. તેમજ સ્કૂલમા ક્રાઇમ બ્રાન્ચના ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ સ્કવોડ સાથે તપાસ કરી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સ્કૂલ બેગનું ભારણ ક્યારે ઘટશે?

મૃતક બાળકીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તે મસમોટા સ્કૂલ બેગને લઈ જતી જોવા મળી રહી છે. ત્યારે આ ઘટના બાદથી સ્કૂલ બેગના ભારણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. હાલના સમયમાં નાના બાળકોને પણ માથે ભણતરનો ભાર એટલો બધો વધી ગયો છે કે તે સતત સ્ટ્રેસમાં રહે છે. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સ્કૂલ બેગમાં વધારે પ્રમાણમાં વજન ઉચકવું પડી રહ્યું છે. રાજ્ય સરકારે નિયમ બનાવ્યો છે પરંતુ તેનું પાલન હજુ સુધી થઈ રહ્યું નથી. ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ભાર વિનાના ભણતર માટે રાજ્ય સરકાર દ્વારા નવો નિયમ લાગૂ કરાયો હતો. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના દફતર-સ્કૂલ બેગના વજનને લઈને ગાઈડલાઈન જાહેર કરાઈ હતી. જેમાં ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગનું વજન દોઢ કીલો, ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગનું વજન 2થી 3 કિલો રહેશે. જ્યારે ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ માટે 4 કિલો વજન નક્કી કરાયું છે. આ સિવાય ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓ માટે સાડા ચાર કિલો અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 5 કિલો સુધી સ્કૂલ બેગનું વજન નક્કી કરાયું છે.


Google NewsGoogle News