Get The App

જનરલમાંથી ૮,ઓ.બી.સી.માંથી ૩, હિન્દીભાષી એક ચેરમેન, અમદાવાદ મ્યુનિ.કમિટિ રચનામાં ચેરમેનપદ માટે નવાને તક,ડેપ્યુટીમાંથી બેને ચેરમેનપદે બઢતી

પચાસ ટકા મહિલા અનામત છતાં માત્ર એક કમિટિમાં મહિલાને ચેરમેનની નિમણૂંક,એ.એમ.ટી.એસ.ચેરમેન પદે વસ્ત્રાપુરના સરપંચ રહેલાની આશ્ચર્યજનક નિમણૂંક કરાઈ,ગાંધીનગર લોકસભામાંથી ચાર કોર્પોરેટરની પસંદગી,આજે કમિટિઓની બેઠક

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
જનરલમાંથી ૮,ઓ.બી.સી.માંથી ૩, હિન્દીભાષી એક ચેરમેન, અમદાવાદ મ્યુનિ.કમિટિ રચનામાં  ચેરમેનપદ માટે નવાને તક,ડેપ્યુટીમાંથી બેને ચેરમેનપદે બઢતી 1 - image


અમદાવાદ,શુક્રવાર,24 નવેમ્બર,2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાકી રહેલી અઢી વર્ષની ટર્મ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં સત્તાવાર જાહેરાત કરાઈ હતી.વિવિધ કમિટિની રચનામાં અઢી વર્ષ ચેરમેન પદે રહેલા તમામને બદલી ભાજપે નવા ચહેરાને તક આપી નો રીપીટ થીયરી અપનાવી હતી.ગત ટર્મમાં ડેપ્યુટી ચેરમેન રહેલા બે કોર્પોરેટરોને ચેરમેનપદે નિમણૂંક આપી બઢતી આપવામાં આવી હતી.સૌથી આશ્ચર્યજનક બાબત રેવન્યુ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેને એ હોદ્દા ઉપર જ રીપીટ કરવાનો પક્ષ તરફથી નિર્ણય લેવામાં આવ્યો હતો.પચાસટકા અનામત છતાં તેર પૈકી માત્ર એક કમિટિમાં નરોડા વોર્ડના  મહિલા કોર્પોરેટરને ચેરમેનપદ આપવામાં આવ્યુ છે.જનરલ કેટેગરીમાંથી ૮, ઓ.બી.સી.માંથી ૩ અને એક હિન્દીભાષી ચેરમેનને નિમણૂંક આપવામાં આવી છે.ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી આવતા ચાર કોર્પોરેટરોને નિમણૂંક વિવિધ કમિટિમાં આપવામાં આવી છે. એ.એમ.ટી.એસ. ચેરમેન પદે છેલ્લીઘડીએ વસ્ત્રાપુર ગામના સરપંચ રહી ચુકેલા ધરમશી દેસાઈની નિમણૂંક પક્ષ તરફથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આજે બપોરે ૧૨.૩૦થી ૨.૩૦ કલાકના સમયમાં તમામ કમિટિની બેઠકમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન હોદ્દો ગ્રહણ કરશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બોર્ડ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી મેયર પ્રતિભા જૈન દ્વારા એ.એમ.ટી.એસ.સહિતની વિવિધ કમિટિઓમાં નિમણૂંકની દરખાસ્ત હાથ ધરવામાં આવતાની સાથે વિપક્ષ તરફથી વિપક્ષનેતા શહેજાદખાન પઠાણ સહિત અન્ય કોર્પોરેટરોએ વિપક્ષના કોર્પોરેટરોને વિવિધ કમિટિમાં સ્થાન આપવાના મુદ્દે સૂત્રોચ્ચાર કરી બેનરો પ્રદર્શિત કરતા ડાયસ સુધી પહોંચી જઈ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.ભારે હોબાળાની વચ્ચે પણ અધ્યક્ષસ્થાનેથી મેયરે વિવિધ કમિટિના ચેરમેન-ડેપ્યુટી ચેરમેન અને કમિટિના સભ્યોની નિમણૂંક દરખાસ્ત-ટેકા સાથે મંજુર કરાવી બોર્ડ બેઠક મુલ્તવી રાખવાની જાહેરાત કરી હતી.મ્યુનિ.ની વિવિધ કમિટિઓની કરવામાં આવેલી જાહેરાત પૈકી મહત્વની કમિટિઓમાં પશ્ચિમ વિસ્તારનો જ દબદબો જોવા મળ્યો છે.ભાજપ તરફથી નો રીપીટ થીયરી અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આમ છતાં જૈનિક વકીલ અને પરેશ પટેલ જેવા દિગ્ગજો જેમને રીપીટ કરવા છેલ્લી ઘડી સુધી ચર્ચા ચાલી હતી.તેમના નામ કપાઈ ગયા હતા.બોડકદેવ વોર્ડના માલધારી સમાજના આગેવાન અને વસ્ત્રાપુર ગામના પૂર્વ સરપંચ ધરમશી દેસાઈને એ.એમ.ટી.એસ.ચેરમેન પદે નિમણૂંક અપાતા ખાડિયાના પૂર્વ કોર્પોરેટર મયુર દવે અને કૃષ્ણવદન બ્રહમભટ્ટના નામની ચર્ચા ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયુ હતુ.મ્યુનિ.કમિટિ રચના અગાઉ શહેર ભાજપ પ્રમુખ અમિત પી શાહ, મ્યુનિ.પ્રભારી તથા ભાજપના ધારાસભ્યોની હાજરીમાં મ્યુનિસિપલ ભાજપની બેઠક મળી હતી.આ બેઠકમાં જ જે કોર્પોરેટર કપાવાના હતા તેમને ખ્યાલ આવી ગયો હતો.ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાંથી કોર્પોરેટર બનેલા પ્રદીપ દવે ઉપરાંત ચેતન પટેલ, જયેશ પટેલ તથા જયેશ ત્રિવેદીને વિવિધ કમિટિમાં હોદ્દા આપવામાં આવ્યા છે.પાલડી વોર્ડમાં મહેતા પરિવારનો દબદબો યથાવત રહયો છે.મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ચેરમેન ડોકટર સુજય મહેતા બાદ હવે તેમના ભાઈ પ્રિતેશ મહેતાને કમિટિના ચેરમેન બનાવવામાં આવ્યા છે.

મેયર બંગલે સંગઠન અને મ્યુનિ.હોદ્દેદારો વચ્ચે મેરેથોન બેઠક મળી

મ્યુનિ.ની વિવિધ કમિટિઓની રચના અગાઉ ગુરુવારે રાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ.સાથે શહેર ભાજપ પ્રમુખ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારીએ વિસ્તૃત ચર્ચા કર્યા બાદ શુક્રવારે બપોરે ૧૨ કલાકે મેયર બંગલા ખાતે શહેર ભાજપ સંગઠનના નેતાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો વચ્ચે મેરેથોન બેઠક યોજાઈ હતી.ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં છેલ્લી ઘડી સુધી નેતાઓ વચ્ચે કશ્મકશ જોવા મળી હતી.પરંતુ અંતે પ્રદેશ પ્રમુખ અને પક્ષે અપનાવેલી નો રીપીટ થીયરી ઉપર અમલ કરીને નામો નકકી કરવામાં આવ્યા હતા.

બોર્ડ બેઠક પહેલા ભાજપના તમામ કોર્પોરેટરોને કેસરીયો ખેસ અપાયો

મ્યુનિ.ની વિવિધ કમિટિઓમાં નિમણૂંક કરતા અગાઉ મ્યુનિસિપલ ભાજપ પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી.આ બેઠકમાં ભાજપના તમામ ૧૫૯ કોર્પોરેટરોને કેસરીયો ખેસ આપવામાં આવતા બોર્ડ બેઠકમાં કોર્પોરેટરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.

ગત ટર્મના સ્ટેન્ડિંગ કમિટિના સભ્યો હવે ચેરમેન-ડેપ્યુટી ચેરમેન

ગત ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય રહેલા જયેશ ત્રિવેદી ઉપરાંત જશુભાઈ ચૌહાણ અને જલ્પાબેન પંડયા હવે વિવિધ કમિટિમાં ચેરમેન-ડેપ્યુટી ચેરમેન બનશે.

 

નારણપુરા વોર્ડનો મ્યુનિ.માં દબદબો

વર્ષ-૨૦૦૫ની ટર્મમાં પૂર્વ મેયર ગૌતમ શાહ મ્યુનિ.રોડ કમિટિના ચેરમેન હતા.વર્ષ-૨૦૧૦ની ટર્મમાં તેમને શાસકપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા.વર્ષ-૨૦૧૫ની ટર્મમાં ભાજપે તેમને અમદાવાદના મેયર બનાવ્યા હતા.વર્ષ-૨૦૨૦ની ટર્મમાં ભાજપે નારણપુરા વોર્ડમાંથી ગીતાબેન પટેલને ડેપ્યુટી મેયર બનાવ્યા હતા.હવે જયેશ પટેલ કમિટી ચેરમેન બનશે.

ચેરમેન પદ નહી મળતા ભાજપમાં નારાજગી

મ્યુનિ.કમિટિની રચનામાં એક સમયે મેયરપદના દાવેદાર તરીકે ગણના થતી હતી તેવા મહિલા કોર્પોરેટરને લીગલ કમિટી જેવી કમિટિના ડેપ્યુટી ચેરમેન બનાવાતા નારાજગી જોવા મળી હતી.આ ઉપરાંત મેયર બંગલે બપોરે મળેલી બેઠકમાં એલિસબ્રિજના બે કોર્પોરેટરો પૈકી એકની ચેરમેન તરીકે પસંદગી કરવાને લઈને પણ ભારે ખેંચતાણ ચાલી હતી.

 વિવિધ કમિટિના ચેરમેન-ડેપ્યુટી ચેરમેન

કમિટિનું નામ   ચેરમેન- જ્ઞાતિ                  ડેપ્યુટી ચેરમેન

એ.એમ.ટી.એસ. ધરમશી દેસાઈ(રબારી)        

વોટર  કમિટી   દિલીપ બગરીયા(જનરલ)      ચેતન પટેલ

રોડ  કમિટી    જયેશ પટેલ(જનરલ)           પારુલબેન પટેલ

હેલ્થ  કમિટી    જશુ ઠાકોર(ઓ.બી.સી.)          ચેતનાબેન પટેલ

હોસ્પિટલ કમિટી        ભરત કાકડીયા(જનરલ)       અનસુયાબેન પટેલ

રીક્રીએશન કમિટી       જયેશ ત્રિવેદી(બ્રાહ્મણ)  સ્નેહાકુમારી પરમાર

ટાઉન પ્લાનીંગ  કમિટી પ્રિતેશ મહેતા(વણિક)   યોગેશ પટેલ

હાઉસીંગ  કમિટી           મુકેશ પટેલ(જનરલ)        હેંમત પરમાર

રેવન્યુ કમિટી   અનિરુધ્ધસિંહ ઝાલા(જનરલ)      પ્રદિપ દવે

લીગલ કમિટી  પ્રકાશ ગુર્જર(હિન્દીભાષી)         મૌનાબેન રાવલ

મટીરીયલ મેનેજમેન્ટ કમિટી    બળદેવ પટેલ(જનરલ) નિકીબેન મોદી

મહિલા અને બાળવિકાસ  કમિટી        અલકા મિસ્ત્રી(ઓ.બી.સી.)  જલ્પાબેન પંડયા

વેટરનરી હોસ્પિટલ     ડોકટર ચાંદની પટેલ, ડોકટર રણજીત વાંક(સભ્ય)

વી.એસ.બોર્ડ    ડોકટર ચાંદની પટેલ,ઉમંગનાયક,ડોકટરરણજીત વાંક,હિમાંશુ વાળા(સભ્ય)


Google NewsGoogle News