વડોદરા ફતેગંજ વિસ્તારમાંથી સુએજના પાણીના ઝડપી નિકાલ માટે 7.62 કરોડના ખર્ચે કામગીરી શરૂ
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફતેગંજ બ્રીજથી નરહરી ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશન તરફ ટ્રેન્ચલેશ પધ્ધતિથી 7.62 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. હાલ ફતેગંજ વિસ્તારમાં આ કામગીરી સંદર્ભે રોડ પર ખાડા ખોદવામાં આવ્યા છે, અને મેન્યુઅલ શાફટ સંદર્ભે ટ્રાયલ પીટ જેવી જરૂરી ટેસ્ટિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.
જોકે આ કામગીરી દરમિયાન પાણીની લાઈન લીકેજ થઈ હતી. જે રિપેર કરી દેવામાં આવી છે. ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન કેરેજ વે બંધ રાખવો ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આમ તો આ કામગીરી ટ્રાફિકને બંધ રાખીને કરવાની હોય છે, પરંતુ લોકોની પરેશાની વધે નહીં તેને ધ્યાનમાં રાખીને કામ થઈ રહ્યું છે, તેમ કોર્પોરેશન નું કહેવું છે. જો બહુ આવશ્યકતા ઉભી થશે તો ટ્રાફિક પણ બંધ કરવો પડે તો નવાઈ નહીં. વોર્ડ નં:2 તેમજ વોર્ડ નં:3 ના વિસ્તારોનું સુવેઝનું પાણી ફતેગંજ બ્રીજથી કલ્યાણ હોટલ થઈ 45 વર્ષ જૂની 8 થી 12 ઇંચ વ્યાસ ધરાવતી લાઈન મારફતે નરહરી હોસ્પિટલ પાસે આવેલ પમ્પીંગ સ્ટેશનમાં જાય છે.
આ લાઈનમાં મુખ્યત્વે કોન્વેન્ટ સ્કુલ, પરિશ્રમ સોસાયટી, અરવિંદ બાગ,ગોદરેજ હોલ, આદર્શ વિદ્યાલય કમાટીપુરા, જનતા શેરી, રાણાવાસ, ભરવાડ વાસ, જયેશ કોલોની વિગેરે વિસ્તારો તરફથી તેમજ બ્રીજથી પંપીંગ સ્ટેશન તરફ રસ્તાની બન્ને બાજુના રહેણાંક અને કોમર્શીયલ બાંધકામોનું સુવેઝનું પાણી આ લાઈન મારફતે વહન થાય છે. આ લાઈન પર પીક અવર્સમાં ભારણ વધુ હોવાના સંજોગોમાં લાઈનની ક્ષમતા ઓછી હોવાથી સુવેઝ પાણીનો ઝડપી નિકાલ થઈ શકતો નથી. જેથી કમાટીપુરા નવયુગ વિદ્યાલય પાસેથી સુએઝ બાયપાસ થાય છે. ડ્રેનેજ ચોક અપ તેમજ ઓવર ફ્લોની સમસ્યા વારંવાર સર્જાય છે. આ વિસ્તારના સુવેઝના પ્રશ્નોના નિરાકરણ માટે કોર્પોરેશનમાં એમપેનલ્ડ થયેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટની નિમણુંક કરવામાં આવેલ છે. જેણે સ્થળ સર્વે કરીને આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધારે હોવાના કારણે 6 થી 9 મીટર જેટલી ઊંડાઈમાં કામગીરી કરવાની હોવાથી કોર્પોરેશનની અન્ય ઇન્ફાસ્ટ્રક્ચરની લાઈનોને નુકસાન ન થાય તે ધ્યાનમાં રાખીને મેન્યુઅલ પુશીંગ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાંખવાની સૂચવ્યું હતું. આ માટે આશરે 40 ઇંચ ડાયામીટરની કેસીંગ તેમજ 24 ઇંચ ડાયામીટરની આર.સી.સી. પાઇપો નાંખવાની કામગીરીનો સમાવેશ કરીને અંદાજ તૈયાર કર્યો હતો. ટેન્ડર પ્રક્રિયા દરમિયાન અંદાજ કરતા આશરે 30 ટકા વધુ ભાવનું અંતે 7.62 કરોડનું ટેન્ડર મંજુર કરાયું હતું.