'RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ લીધો...' અમદાવાદમાં 63 વિદ્યાર્થીઓના વાલીઓની કબૂલાત
Representative image |
RTE in Ahmedabad: આરટીઈમાં અમદાવાદની એક ખાનગી સ્કૂલમાં 63 બાળકોના પ્રવેશ ખોટી રીતે થયા છે. વાલીઓએ જ અમદાવાદ શહેર ડીઈઓની સુનાવણીમાં સ્વીકાર્યુ હતુ કે ખોટા પુરાવા રજૂ કર્યા હતા. જો કે ચાલુ શૈક્ષણિક વર્ષ સુધી આ પ્રવેશ ચાલુ રખાશે અને વર્ષના અંતે તમામ પ્રવેશ આરટીઈમાંથી રદ કરી દેવાશે.
વાલીઓ આવકાના ખોટા દાખલા રજૂ કર્યા
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ ધો.1થી 8માં જરૂરિયાતમંદ અને ગરીબ તેમજ અનામત કેટેગરીથી માંડી વિવિધ 13 કેટેગરીમાં મેરિટ અને આવક સહિતના આધાર પુરાવાને આધારે વિના મુલ્યે પ્રવેશ આપી ભણાવાય છે. ઘણાં વાલીઓ આવકાના ખોટા દાખલા રજૂ કરી બાળકોના પ્રવેશ કરાવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. બે વર્ષ પહેલા સરકારે આરટીઈમાં ફોર્મ સાથે ઈન્કમ ટેક્ષ રીટર્નના પુરાવા પણ જોડવાનું ફરજીયાત કર્યુ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં બુટલેગરોનું નવું તરકટ, પોલીસે સ્કૂલવાનમાં દારૂની હેરાફેરી કરતાં ઝડપી લીધા
વર્ષ 2023માં પાંચથી વધુ સ્કૂલોએ 300 જેટલા બાળકોના પ્રવેશ આરટીઈમાં ખોટા પુરાવાના આધારે થયા હોવાની વિગતો અમદાવાદ શહેર ડીઈઓ કચેરીમાં આપી હતી. જેને પગલે વર્ષના અંતે ડીઈઓ દ્વારા અનેક પ્રવેશ સુનાવણીને અંતે ચકાસણી કરીને રદ કર્યા હતા. દરમિયાન વર્ષ 2024 પણ 50થી વધુ બાળકોના પ્રવેશ આરટીઈમાં ખોટા આવકના દાખલા સાથે થયા હોવાનું સ્કૂલોએ ડીઈઓને જણાવ્યું હતું.
ડીઈઓ દ્વારા સુનાવણી
ઘાટલોડીયાની કેલોરેક્સ સ્કૂલે ડીઈઓ કચેરીમાં અનેક બાળકોના પ્રવેશ ખોટા પુરાવાથી થયા હોવાનું રજૂ કરતા શુક્રવારે (18મી ઓક્ટોબર) ડીઈઓ કચેરી દ્વારા વાલીઓને રૂબરૂ બોલાવી સુનાવણી રખાઈ હતી. સ્કૂલે પણ વાલીઓને લેટર આપ્યા હતા.
આ સુનાવણીમાં 63 બાળકોના વાલીએ સ્વીકાર્યુ હતુ કે આવકના ખોટા દાખલા રજૂ કરી પ્રવેશ લીધા હતા. આ બાળકો ધો.1થી લઈને ધો.5 અને ધો.6 સુધીના વિવિધ ધોરણોમાં ભણે છે. જો કે વાલીઓની વિનંતીને પગલે શૈક્ષણિક વર્ષ સુધી પ્રવેશ આરટીઈમાં ચાલુ રખાશે.