અમદાવાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા, માથા પર ઈંટો મારી, આરોપી ઝડપાયો
Ahmedabad News : અમદાવાદના બાવળા સરખેજ હાઇવે રોડ ચાંગોદર ખાતે ત્રણ દિવસ પહેલા 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ બાદ હત્યાની ઘટના સામે આવી હતી. આરોપી ચાંગોદરમાં રસ મધુર કંપનીની પતરાની ઓરડીમાં 6 વર્ષની બાળકીને બિસ્કિટ બતાવી લઈ ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરીને માથાના ભાગે ઈંટનો ટુકડો મારીને હત્યા કરી હતી. સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને સાણંદ ડિવિઝનની 60ની પોલીસકર્મીની 6 ટીમએ સીસીટીવી, ડોગસ્કોડની મદદથી 14 કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
દુષ્કર્મનો પ્રયાસ બાદ 6 વર્ષની બાળકી હત્યા
અમદાવાદના બાવળા સરખેજ હાઇવે રોડ ચાંગોદરમાં ગત 7 એપ્રિલ, 2025ના રોજ 6 વર્ષની બાળકીને બિસ્કિટ આપવાનું કહીને આરોપી વિન્દ્રકુમાર છોટાલાલસિંઘ મોજીસાવ (ઉં.વ. 30) પતરાની ઓરડીમાં લઈ ગયો હતો અને બાળકીને શારીરિક અડપલા કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. તેવામાં બાળકી બુમા બુમ કરતા આરોપીએ માથામાં ઇંટનો ટૂકડો મારીને બાળકીની હત્યા કરી હતી.
અમદાવાદ પોલીસે દુષ્કર્મનો પ્રયાસ-હત્યાના કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 14 કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. અમદાવાદ અને સાણંદ સહિતની 60 પોલીસકર્મીની ટીમ દ્વારા 30-40 સીસીટીવી ફંગોળ્યા, 100થી વધુ વ્યક્તિની પૂછપરછ કરી, ડોગસ્કોડ, એફ.એસ.એલ. અને ટેક્નિકલ ટીમ દ્વારા આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.