આવકના અભાવે રાજ્યની પાલિકાઓ દેવાદાર બની, 57 ન.પા.ની તિજોરી ખાલી, 311 કરોડના વીજબીલ બાકી
Municipal Corporation : એક તરફ, ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યાં બીજી તરફ, શહેરોમાં ગમે તે ઘડીએ અંધારપટ સર્જાય તેવી સ્થિતી પરિણમી છે. મોટાભાગની નગરપાલિકાઓની આર્થિક સ્થિતી એટલી હદે ડામાડોળ બની છેકે, વીજબીલ ભરવાના ય ફાંફા થયા છે. રાજ્યમાં 57 નગરપાલિકાઓએ વીજબીલ ભર્યુ નથી જેની રકમ રૂ.311 કરોડ થવા જાય છે. પરિસ્થિતી એવી સર્જાઇ છેકે, વીજબીલ ભરવા માટે નગરપાલિકાઓએ સરકાર પાસે લોન લેવા મજબૂર થવુ પડ્યું છે.
રાજ્યમાં દિવસે દિવસે નગરપાલિકાઓના માથે આર્થિક ભારણ વધી રહ્યુ છે. તેનું કારણ એ છેકે, કર્મચારીઓના પગારથી માંડીને વીજબીલ,પાણી વેરો સહિતના ખર્ચ સામે આવકનો કોઇ સ્ત્રોત જ નથી. આ કારણોસર નગરપાલિકાઓની તિજોરી ખાલી થઇ રહી છે.
ખુદ પાલિકાના કર્મચારીઓ જ કહી રહ્યાં છેકે, વિવિધ વેરાની આવક પર જ પાલિકા નિર્ભર હોય છે પણ ચૂંટાયેલાં પ્રતિનિધીઓ મતના રાજકારણને કારણે વેરોની ઉઘરાણીમાં અવરોધ બની રહયાં છે. વેરાની ઉઘરાણીમાં ઢિલાશ દાખવવાની નીતિને લીધે પાલિકાઓની આર્થિક સ્થિતી ડામાડોળ બની છે.
ગુજરાતમાં આજે પણ 57 નગરપાલિકાઓની એવી દશા થઇ છેકે, વીજબીલ ભરવા માટે સમક્ષ નથી. સાવરકુંડલા નગરપાલિકાનું સૌથી વઘુ રૂ.46.18 કરોડ વીજબીલ બાકી છે. આ ઉપરાંત કચ્છમાં ભૂજ પાલિકાનું પણ બાકી વીજબીલની રકમ રૂ.42.22 કરોડ સુધી પહોંચી છે. પાલિકાના સત્તાધીશોની તો ઇઘર કુંઆ, ઉધર ખાઇ જેવો ઘાટ સર્જાયો છે. શહેરીજનો વેરો ભરતાં નથી અને સરકાર આ મામલે હકારાત્મક અભિગમ અપનાવતી નથી.
હવે તો આ પ્રશ્ન વિકરાળ બન્યો છે ત્યારે ખુદ સરકારે જ નગરપાલિકાઓને વેરાની પઠાણી ઉઘરાણી કરવા સૂચના આપવા મજબૂર થવું પડ્યુ છે. વીજબીલ સમયસર નહી ભરવામા આવે તો જે તે શહેરોમાં અંધારપટ સર્જાય તેમ છે.
હપ્તા નહી ભરે તો ગ્રાન્ટમાંથી બાકી રકમ કપાશે
નગરપાલિકાની આર્થિક સ્થિતી ડામાડોળ બની છે જેના કારણે વીજબીલ પણ ભરી શકાયુ નથી. આ કારણોસર સરકારે નગરપાલિકાઓને વીજબીલ ભરવા લોન આપવી પડી છે. 23 નગરપાલિકાઓને વીજબીલ ભરવા માટે રૂ.90 કરોડ લોન આપવામાં આવી છે.
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે માંડવી,રાણાવાવ, પોરબંદર-છાયા, મુંદ્રા-બારોઇ, કુતિયાણા, ગોંડલ, નખત્રાણા, સિકકા, મોરબી, ધ્રાંગધ્રા, ઠાસરા, લિંબડી, કણજરી, બાવળા, નડિયાદ, ડીસા, દહેગામ, ચાણસ્મા, તલોદ, ધાનેરા, પ્રાંતિજ, બાયડ અને પ્રાંતિજ પાલિકાને વીજબીલ ભરવા રૂ.90 કરોડ લોન પેટે આપવા નક્કી કર્યુ છે. એવી શરત રાખવામાં આવી છેકે, લોનના હપ્તા નહી ચૂકવાય તો પાલિકાની અન્ય ગ્રાન્ટમાંથી રકમ કાપી લેવામાં આવશે.