મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલોની કરતૂતો: 50 ટકા દર્દી બોગસ, સરપંચને ફોડીને કરાય છે ફ્રી કેમ્પનું આયોજન
Representative image |
Multispeciality Hospital Scam: દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ ન થયા હોય તો પણ તેઓ એડમિટ થયા હોવાનો ડેટા બનાવીને સરકારી યોજનાનો લાભ લેવામાં આવી રહ્યો છે. હોસ્પિટલ સાથે સંકળાયેલા એક ડોક્ટરનું કહેવું છે કે હોસ્પિટલમાં એડમિશન લેવામાં આવ્યા હોવાના કુલ દર્દીઓમાંથી 50 ટકા દર્દીઓના નામ બોગસ કે ખોટા હોય છે. આ જ રીતે લેબોરેટરી ટેસ્ટના જે બિલ બનાવવામાં આવી રહ્યા છે. તેમાંથી 60 ટકા લેબોરેટરી ટેસ્ટના બિલ બોગસ જ બનાવવામાં આવે છે. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં થતી કુલ સર્જરીમાંથી 70 ટકા સર્જરી બિનજરૂરી છે.
આયુષમાન કાર્ડની સારવાર લેનારા દર્દીઓ માટે ભારત સરકાર તરફથી 5 લાખ અને ગુજરાત સરકાર તરફથી 5 લાખ રૂપિયા આપવામાં આવતા હોવાથી મોટે પાયે ફ્રોડ થઈ રહ્યા છે. 10 લાખ રૂપિયાનો લાભ લેવા માટે ખોટો કે બોગસ દર્દીઓના પેપર્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
યોજનાનો લાભ લેવા ગ્રામપંચાયતના વડાને ફોડીને ફ્રી કેમ્પનું આયોજન
મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાનુસાર, મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દર્દીઓને ખેંચી લાવીને લૂંટ ચલાવવા માટે ગ્રામપંચાયતના વડાને સારી એવી રકમની લાંચ આપીને ફોડી નાખે છે. ત્યારબાદ ગામડાંમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરે છે. ખાસ કરીને હૃદયરોગની બીમારી, સંતાનહીન દંપતિઓને આકર્ષવા ઈન્ફર્ટિલિટીના અને ઓર્થોપેડિક સમસ્યાને લગતા કેમ્પનું આયોજન કરે છે. કેમ્પના ખર્ચ કરતાં દસ ગણી આવક કરવાની ગણતરી સાથે દર્દીઓને ડરાવીને હોસ્પિટલ્સ સુધી ખેંચી લેવા ખર્ચના ખાડામાં ઉતારે છે.
દર્દીને આઈસીયુમાં દાખલ કરાઈ છે
ઘરે અચાનક કશુંક થઈ જતાં દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવે તો બહુધા તેમને આઈસીયુમાં જ દાખલ કરી દેવામાં આવે છે. આઈસીયુના બિલ નોર્મલ બિલ કરતાં ત્રણથી ચાર ગણા વધારે હોય છે. આઈસીયુમાં લીધા પછી દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હોવાનું કારણ આગળ કરીને તેને વેન્ટિલેટર પર ચઢાવી દેવામાં આવે છે. વેન્ટિલેટર પર મૂકતા તેનું બિલ 10 ગણું વધી જાય છે. આ જ રીતે યુરિન પાસ થતું નથી તેમ જણાવીને તેને ડાયાલિસિસની જરૂર હોય કે ન હોય ચઢાવી દેવાય છે. ડાયાલિસિસ એકવાર કરાવવાના 15000 રૂપિયા સુધીના ચાર્જ લેવામાં આવી રહ્યા છે.
સ્વજનોના ડરનો ગેરલાભ ઊઠાવતી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ
સ્વજન એકાએક બીમાર પડ્યા હોવાથી ગભરાયેલા સ્વજનના ડરનો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ગેરલાભ ઊઠાવે છે. દર્દી ક્રિટીકલ કેર હેઠળ હોવાનું જણાવીને અલગ અલગ બીમારીના ડોક્ટર્સની વિઝીટ ચાલુ કરાવી વિઝીટ દીઠ 4000 રૂપિયાનો ચાર્જ ચઢાવી દે છે. પેશન્ટ મૃત્યુ ન પામે ત્યાં સુધી કોઈને કોઈ બહાનું આગળ કરીને ડોક્ટર્સ તેને ઘરે લઈ જવા દેતા નથી.
હોસ્પિટલ દર્દી પહેલા ડોક્ટરને આકર્ષે છે
હોસ્પિટલનું મેનેજમેન્ટ બિઝનેસ મેનેજ કરે છે. તેમ જ સીઈઓ હોસ્પિટલ ચલાવે છે. બંને પ્રોફેશનલ અભિગમથી માત્ર નફો કરવાના ધ્યેયથી આગળ વધતા હોવાથી તેમનામાં અનુકંપા કે સહાનુભૂતિનો છાંટોય હોતો નથી. દર્દી પહેલા તેઓ ડોક્ટરને આકર્ષે છે. તેને માટે હોસ્પિટલ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હાઈલાઈટ કરીને ડોક્ટર્સને આકર્ષવાનું કામ કરે છે. ડોક્ટર ખેંચાઈ ન આવે તો તેમને દર્દીના કુલ બિલની રકમના 20થી 50 ટકા સુધીના કમિશનની ડોક્ટર્સને ઓફર કરે છે. રેગ્યુલર જોબ પર લેવામાં આવેલા ડોક્ટરને વાર્ષિક એક કરોડનો પગાર ઓફર કરવામાં આવે છે. ત્યારે જ તેને વર્ષે ત્રણથી ચાર કરોડની ઈન્કમ જનરેટ કરવાનું ટાર્ગેટ આપી દેવામાં આવે છે. આ ટાર્ગેટ પૂરા કરવા માટે ડોક્ટર દર્દીઓને ટ્રેપમાં લે છે.
ડોક્ટરને 15 ટકા સુધીનો કટ મળે
પગાર પર કામ ન કરતાં હોય અને માત્ર દર્દીઓને સારવાર આપવા માટે એફિલિયેટ ડોક્ટર તરીકે આવતા ડોક્ટર જે પ્રોસિજર કરે તેના 10થી 15 ટકા રકમ આપી દેવામાં આવે છે. તેથી એફિલિયેટ ડોક્ટર એક વિઝીટમાં એકાદ લાખની આવક કરી લેવાની ગણતરી સાથે પહેલા તો દર્દીના લેબોરેટરી ટેસ્ટ, સોનોગ્રાફી, સિટી સ્કેન, પેટસ્કેનના ટેસ્ટની જરુર હોય કે ન હોય તે કરાવવાનો આગ્રહ રાખે છે. તેના થકી હોસ્પિટલને થતી આવકમાંથી પણ ડોક્ટરને 15 ટકા સુધીનો કટ મળે છે.
આ પણ વાંચો: કડીની ભાગ્યોદય હોસ્પિટલ PMJAYના કૌભાંડનું એપી સેન્ટર, ક્લેમ કરીને 6 કરોડની કરી કમાણી
ખાનગી હોસ્પિટલ્સની ગેરરીતિઓને ધ્યાનમાં લઈને માત્ર સરકારી હોસ્પિટલ્સના માધ્યમથી જ પ્રધાનમંત્રી જનઆરોગ્ય સેવા હેઠળ આપવામાં આવતી તબીબી સારવારના ખર્ચનો લાભ માત્ર ને માત્ર સરકારી હોસ્પિટલમાં આપવામાં આવશે. તો ખાનગી હોસ્પિટલ્સની 50તી 60 ટકા ગેરરીતિઓ અટકી પડવાની સંભાવના રેહલી છે. વીમા કંપનીઓ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની ગેરરીતિ બદલ મેડિક્લેઈમ હેઠળ સારવાર આપવામંથી તેની બાદબાકી કરે છે. પરંતુ વીમાં કંપનીઓ ક્યારેય તેમના નામ જાહેર કરતી નથી. અમદાવાદની પણ ઘણી તબીબી સારવાર આપતી કંપનીઓને વીમા કંપનીઓએ સસ્પેન્ડ કરેલી છે.
હોસ્પિટલનું વાર્ષિક ઓડિટ કરવા અલગ વિભાગની રચના કરો
હોસ્પિટલ લોકોના જીવન સાથે કામ કરી રહી હોવા છતાં તેમનું વાર્ષિક ઓડિટ કરવામાં આવતું જ નથી. ઓડિટ કરવા માટે અલગથી ઓડિટ કમિશન કે ઓડિટ કચેરીની રચના કરવી જરૂરી છે. હોસ્પિટલ્સના કામકાજના ઓડિટ થવા માંડશે તો કેટલું કોટું ચાલી રહ્યું છે તે બહાર આવવા માંડશે. ડોક્ટર પર પેશન્ટના સ્વજનો હુમલો કરે કે ડોક્ટર પર દુષ્કર્મ થાય ત્યારે દેશભરમાં દેખાવો કરવા મેદાનમાં ઉતરી પડતું ઈન્ડિયિન મેડિકલ એસોસિયેશન અને ગુજરાત મેડિકલ એસોસિયેશને વાસ્વતમાં ડોક્ટર્સ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ અને કરવામાં આવતી અનૈતિક પ્રેક્ટિશ સામે પણ ઝુંબેશ ચલાવીને દરદીઓને ન્યાય અપાવવો જોઈએ.