ગુજરાતથી પ્રયાગરાજ જવા નવી 5 બસો શરુ, GSRTCની વેબસાઇટ પર થઈ શકશે બુકિંગ
Gujarat to Prayagraj GSRTC Volvo Bus: ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભ જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં ડુબકી લગાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બસની સેવાનો વ્યાપ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે એટલે કે 4 ફેબ્રુઆરીથી 5 નવી બસ શરુ કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસનો સમાવેશ કરાયો છે.
પ્રયાગરાજ મહાકુંભ જવા માટે આ નવી બસો શરુ
- અમદાવાદ અને વડોદરાથી ઉપડતી બસોને પહેલી અને ત્રીજી રાત્રિએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) ખાતે કરવામાં આવી છે.
- સુરત તથા રાજકોટથી ઉપડતી બસોને પહેલી અને ત્રીજી રાત્રિએ રહેવા માટે બારણ (MP Border) ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.
- જેમાં અમદાવાદથી ઉપડતી બસમાં પ્રતિ વ્યક્તિ રૂ. 7800 ભાડુ રહેશે. સુરતથી ઉપડતી બસમાં ભાડુ પ્રતિ વ્યક્તિ રૂ 8300 રહેશે. વડોદરાથી ઉપડતી બસમાં પ્રતિ વ્યક્તિ રૂ 8200 રહેશે તેમજ રાજકોટથી ઉપડતી બસનું ભાડુ પ્રતિ વ્યક્તિ રૂ. 8800 નક્કી કરવામાં આવેલ છે.
- પ્રયાગરાજ જવા માંગતાં શ્રદ્ધાળુઓ આ નવી બસનું ઓનલાઇન બુકિંગ તારીખ 02 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 કલાકથી એસ.ટી નિગમની વેબસાઇટ http://gsrtc.in પરથી કરી શકશે.
પ્રયાગરાજ માટે GSRTC વોલ્વો બસનું પેકેજ બુક કરાવવા શ્રદ્ધાળુઓ માટે ધ્યાન રાખવાની ખાસ બાબતો:
- બસનું ઓનલાઇન બુકિંગ તારીખ 02 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 કલાકથી શરુ થઈ ગયું છે. યાત્રાળુઓ નિગમની વેબસાઇટ http://gsrtc.in તેમજ કોઈપણ બસ સ્ટેન્ડ ઉપરથી એડવાન્સ બુકિંગ કરાવી શકે છે.
- બસ સ્ટેન્ડના કાઉન્ટર પરથી બુકિંગના કિસ્સામાં 1 % બુકિંગ ચાર્જ લાગતો હોઈ યાત્રાળુઓ ઓનલાઇન બુકિંગ કરે તે વધુ યોગ્ય છે.
- વધુમાં વધુ યાત્રાળુઓ આ સુવિધાનો લાભ લઈ શકે તે માટે એક લોગીન ID પરથી એક વ્યક્તિ દ્વારા વધુમાં વધું 4 સીટ બુક કરાવી શકશે.
- આ તમામ બસોમાં પ્રયાગરાજ ખાતે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.
- પ્રયાગરાજ મહાકુંભમાં લાભ લેવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતાં વ્યવસ્થા જાળવવા પગપાળા ચાલવાનું વધુ રહે છે, જેથી બુકિંગ કરાવતા તમામ યાત્રાળુઓએ ચાલવાની તૈયારી રાખવા વિનંતી છે.