Get The App

​​​​​​​અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વરસાદી ખાડાઓએ સર્જ્યો 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
​​​​​​​અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વરસાદી ખાડાઓએ સર્જ્યો 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ 1 - image

Representative Image



Traffic Jam on Ahmedabad-Mumbai National Highway : રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. ગુરુવારે સાંજે વડોદરામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના લીધે આજે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા જાંબુવા બ્રિજના રોડ પર ખાડા પડી ગયા છે. જેના લીધે આજે વહેલી સવારથી જ ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા છે.

છેલ્લા ઘણા દિવસથી અહીં દરરોજ સવાર-સાંજ ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. જેના લીધે વાહનો ચાલકો મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે. ઘરેથી મહત્ત્વના કામ માટે નીકળેલા લોકો ટ્રાફિકજામમાં ફસાઈ જતાં સમયસર પહોંચી શકતા નથી. અમદાવાદ-મુંબઈ હાઇવે પર આજે વહેલી સવારથી 5 કિલોમીટર લાંબી વાહનોની લાઇનો લાગી છે. દરરોજ આવા દૃશ્યો સર્જાતા હોવાથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. 

દર વખતે ચોમાસાની સિઝનમાં જાંબુવા બ્રિજ પર ટ્રાફિક સર્જાય છે. જેના લીધે બાજુમાં આવેલી સોસાયટીના રહીશો બહાર નીકળી શકતા નથી. આ ઉપરાંત આસપાસ સ્કૂલો આવેલી હોવાથી સ્કૂલ બસો પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે જેના લીધે સ્કૂલે પહોંચવામાં પણ મોડું થાય છે. સ્થાનિક રહીશોએ નેશનલ હાઇવે ઑથોરિટીને પણ પત્રો લખીને પોતાની સમસ્યા જણાવી છે. 

સ્થાનિક રહીશોએ બળાપો ઠાલવતાં કહ્યું હતું કે, ટ્રાફિકજામ થાય ત્યારે ટ્રાફીકશાખામાં ફોન કરીએ તો જલદી ગાડીઓ આવતી નથી. જો ઘરની બહાર નીકળી ગયા હોઈએ તો સોસાયટીમાં પ્રવેશી શકતા નથી અને ઘરમાં હોઈએ અને ઇમરજન્સીમાં બહાર નીકળવું હોય તો બહાર નીકળી શકતા નથી. બીમારી જેવા આકસ્મિક સંજોગોમાં સોસાયટીની બહાર નીકળવામાં ખૂબ સમસ્યા સર્જાય છે. ટ્રાફિકજામના લીધે સોસાયટીનો રસ્તો જ બંધ થઈ જાય છે. આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરી આ સમસ્યાનો નિકાલ લાવવો જોઈએ. 


Google NewsGoogle News