PMJAY યોજનામાં ગેરરીતિ: રાજ્યની 5 હૉસ્પિટલ અને 2 ડૉક્ટર સસ્પેન્ડ, 50 લાખ સુધીની પેનલ્ટી
PMJAY Scam in Gujarat: તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે આ પ્રકારને હૉસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે પાટણ જિલ્લાની હીર ચિલ્ડ્રન હૉસ્પિટલ, નિષ્કા ચિલ્ડ્ર્ન હૉસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હૉસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હૉસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં વિવિધ ખામીઓ અને ગેરરીતિ જોવા મળતાં PMJAY-મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જેના અંતર્ગત ગત અઠવાડિયામાં 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 5 હૉસ્પિટલ અને 2 ડૉક્ટરની ગેરરીતિઓ સામે આવી છે, જે તમામને સસ્પેન્ડ કરાયા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય–મા યોજના અંતર્ગતની SAFU (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હૉસ્પિટલ્સની મુલાકાત કરી હતી.
આ પણ વાંચો: દર્દીઓની સહાય માટેની PMJAY યોજના ગુજરાતની હૉસ્પિટલો માટે કમાણીનું સાધન
ક્યાંક મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉણપ તો ક્યાંક એક્સપાયર્ડ દવાઓ
પાટણની હીર હૉસ્પિટલમાં મુલાકાત દરમિયાન પ્રિ-ઓથ દરમિયાન કુલ 91 જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિઓનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલુમ પડ્યું. જેથી આ હૉસ્પિટલ અને તેમાં ફરજરત ડૉ. હિરેન પટેલને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે. હેલ્થ સ્પ્રિંગ 24 પેથોલૉજી લેબોરેટરીને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઈ છે, જ્યારે આ હૉસ્પિટલને રૂ. 50,27,700નો દંડ પણ ફટકારાયો છે. આ ઉપરાંત પાટણની નિષ્કા ચિલ્ડ્રન હૉસ્પિટલ અને નિયોનેટલ કેર સેન્ટરમાં પ્રિ-ઓથ દરમિયાન કુલ 60 જેટલા રિપોર્ટમાં છેડછાડ અને હૉસ્પિટલ દ્વારા જે લેબોરેટરીનું ટાઇઅપ કર્યું હતું, તેમની પાસે દર્દીના લેબ રિપોર્ટ ન હતા. આ કારણસર હૉસ્પિટલ તેમજ હૉસ્પિટલમાં ફરજરત ડૉ. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે. શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઈ છે. તેમજ હૉસ્પિટલને કુલ રૂ. 15,16, 350નો દંડ ફટકારાયો છે.
અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હૉસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળનું બી.યુ. પરમિશન ન હોવાનું, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યુલર ઓટીનો અભાવ તેમજ કેટલીક એક્સપાયર્ડ દવાનો જથ્થો મળી આવતાં હૉસ્પિટલને બી.યુ. પરમિશન ન મળે તેમજ ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાઈ છે.
આ ઉપરાંત દાહોદની સોનલ હૉસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઉણપ હોવાનું જણાતાં આ હૉસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઈ છે. જ્યારે અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એક્સપાયર્ડ, તેમજ એન.આઇ.સી.યુ.માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઈ ન આવતાં આ હૉસ્પિટલને પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઈ આવેલ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: દર્દીઓની સહાય માટેની PMJAY યોજના ગુજરાતની હૉસ્પિટલો માટે કમાણીનું સાધન
વધુમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય–મા યોજના અંતર્ગતની SAFU ટીમ દ્વારા રાજ્યની અન્ય હૉસ્પિટલની પણ મુલાકાત કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાનની હૉસ્પિટલ્સની રૅકોર્ડ ચકાસણી થઈ રહી છે. આ રૅકોર્ડમાં યોજનાની માર્ગદર્શિકાનું ક્યાંય પણ ઉલ્લંઘન થતું હશે તો આ હૉસ્પિટલ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય–મા યોજના અંતર્ગત ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયો, રેડિયો, કિમો, નિયોનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા (SOP) બનાવી છે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
અત્યાર સુધીમાં 12 હૉસ્પિટલને સસ્પેન્ડ અને ડિએમ્પેન્લ્ડ
નોંધનીય છે કે, જાન્યુઆરી –2024થી અત્યારસુધીમાં PMJAY-મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ કુલ 12 હૉસ્પિટલને સસ્પેન્ડ, ડિએમ્પેન્લ્ડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આ યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરુ કરવામાં આવી હતી, પરંતુ આ યોજનાની આડમાં ગેરરીતિ આચરતી હૉસ્પિટલ્સ અને ડૉક્ટરની અમાનવીય પ્રવૃતિ સામે હવે મોડે મોડે લાલ આંખ કરી છે.
આ પણ વાંચો: PMJAY હેઠળ ખાસ પ્રકારની સારવાર: દર્દી-સગાની સંમતિનો ઓડિયો-વીડિયો ફરજિયાત લેવાનો રહેશે
PMJAYમાં મળતિયાઓ પર આરોગ્ય વિભાગના ચાર હાથ
નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને આરોગ્ય પાછળ ખર્ચના બોજ હેઠળ કચડાવવું પડે નહીં તેના માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરુ કરાઈ હતી. પરંતુ આ યોજનામાં પણ ભ્રષ્ટ અધિકારીઓ, ડૉક્ટરો, મળતિયાઓએ કટકી કરવાની તક ગુમાવી નથી. 2018થી 2024 દરમિયાન ગુજરાતમાંથી માત્ર પાંચ હૉસ્પિટલ પીએમજેવાયમાં ગેરરીતિ કરતાં ઝડપાઈ અને તેની સામે પગલાં લેવાય તે વાત ટાઢા પહોરના ગપ્પા સમાન જ લાગે. એવી પણ ચર્ચા છે કે, અનેક હૉસ્પિટલોમાં નેતાઓની ભાગીદારી હોય છે અને જેના કારણે તેની સામે બેદરકારી-ગેરરીતિ છતાં કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.
આ પણ વાંચો: ખ્યાતિનો ખૂની ખેલ: PMJAY હેઠળ ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન, 112નાં મોતનો ઘટસ્ફોટ
ધીમી તપાસ કરીને સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવા પ્રયાસ
ખ્યાતિકાંડને 4 સપ્તાહ પસાર થઈ ચૂક્યા છે. આ સમયગાળામાં ગોકળગાય પણ ઝડપી લાગે તે હદે ધીમી તપાસ કરવામાં આવી રહી છે. કાંડ થયાના છેક ત્રીજા દિવસે ખોટા ઑપરેશન કરનાર મૂળ ડૉક્ટર અને છેક 15 દિવસ બાદ મુખ્ય સૂત્રધારો ઝડપાયા હતા. આ મામલે અત્યંત ધીમી તપાસથી ખ્યાતિકાંડમાં ભોગ બનનારામાં ભારે નારાજગી છે. પોલીસ વિભાગ તેના જૂના અને જાણીતા અંદાજ પ્રમાણે આરોપીને પકડવાથી માંડીને ચાર્જશીટથી દાખલ કરવામાં અત્યંત ઢીલાશ દાખવી રહ્યું છે.