ગુજરાત યુનિવર્સિટીમાં યુજી કોર્સીસમાં 47 હજાર બેઠકો ખાલી : આજથી ઓફલાઈન એડમિશન શરૂ
Offline admission start in Gujarat University : જીકાસની ઓનલાઈન કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ગુજરાત યુનિ.માં વિવિધ યુજી કોર્સીસમાં બે રાઉન્ડના અંતે 47 હજારથી વઘુ બેઠકો ખાલી રહી છે. બે રાઉન્ડમાં 17810 જેટલા પ્રવેશ કન્ફર્મ થયા છે અને હવે આજથી (4 જૂલાઇ) ત્રીજો રાઉન્ડ ઓફલાઈન પદ્ધતિથી શરૂ થનાર છે. જેમાં અગાઉ રજિસ્ટ્રેશન ન કરનારા વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને અગાઉ રજિસ્ટર્ડ થઈ ચુકેલા વિદ્યાર્થીએ જે કોલેજમાં પ્રવેશ લેવો હોય તે કોલેજની ચોઈસ જીકાસ પોર્ટલમાં જઈને એડ કરવાની રહેશે. જ્યારે બી.એસસીમાં હજારો બેઠકો ખાલી રહેતા વિદ્યાર્થીઓ સીધા જ કોલેજમાં જઈને સ્પોટ એડમિશન મેળવી શકશે.
ગુજરાત યુનિવર્સિટીમાં બી.એ, બીકોમ, બીબીએ, બીસીએ, બી.એ, બીએસસી અને અન્ય ઈન્ટિગ્રેટેડ કોર્સની કુલ મળીને 65 હજારથી વઘુ બેઠકો છે. જેમાં પ્રથમ રાઉન્ડમાં 51 હજારથી વઘુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો.જેની સામે 3 ઓટોનોમસ કોલેજોની બેઠકો સાથે કુલ મળીને 10 હજારથી વઘુ બેઠકોમાં પ્રવેશ કન્ફર્મ થયો હતો. ખાલી રહેલી 55 હજાર જેટલી બેઠકો માટેના બીજા ઓનલાઈન રાઉન્ડમાં 36 હજારથી વઘુ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો.
બીએડ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે બબાલ, વિદ્યાર્થીઓ અટવાયા, સરકાર અને યુનિ. વિરૂદ્ધ રોષ ભભૂક્યો
બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીએ કોલેજમાં જઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે બીજા રાઉન્ડમાં માત્ર 6690 જેટલા વિદ્યાર્થીએ જ પ્રવેશ કન્ફર્મ કર્યો છે. આમ પ્રથમ અને બીજા રાઉન્ડમાં કુલ મળીને 17810 વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે અને હજુ પણ 47 હજારથી વઘુ બેઠકો ખાલી પડી છે. જેમાં બી.કોમની સૌથી વધારે છે.
ખાલી પડેલી આ બેઠકો માટે હવે આજથી (4 જૂલાઇ) ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થનાર છે. આ પ્રક્રિયામાં હવે જીકાસ પોર્ટલથી પ્રવેશ ફાળવણી નહીં થાય. કોલેજ લેવલે ઈન્ટરસે મેરિટથી ઓફલાઈન પ્રવેશ ફાળવાશે. જો કે યુનિ.દ્વારા કોલેજ દીઠ જાહેર કરાયેલા કટ ઓફ માર્કસ એટલા ઊંચા છે કે વિદ્યાર્થીઓ હવે મુંઝાયા છે .કારણકે જીકાસમાં હાયર મેરિટ અને ચોઈસ મુજબ પ્રવેશ ફાળવાયા છે અને બે રાઉન્ડમાં ઓછા મેરિટ-માર્કસના વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો જ નથી.
સુરત નર્મદ યુનિવર્સિટીના કર્મચારીઓના 11 મહિનાના કરારની જગ્યાએ 2 મહિના કરાતા રોષ
ગુજરાત યુનિ.દ્વારા જાહેર કરાયેલા પ્રવેશ કાર્યક્રમમાં પણ બે કેટેગરીના વિદ્યાર્થીઓને અલગ તારવાતા ફરી એકવાર છબરડો કરવામાં આવ્યો છે. જેમાં 4થી6 જુલાઈમાં કટ ઓફથી વઘુ મેરિટ ધરાવતા વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન ફોર્મ,માર્કશીટ લઈને કોલેજમાં જવાનું છે અને 4થી8 જુલાઈ દરમિયાન કટ ઓફથી ઓછુ મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓએ કોલેજમાં ડોક્યુમેનટ લઈને જવાનું છે. વિદ્યાર્થીએ જે કોલેજમાં જવું હોય તે કોલેજને જીકાસ પોર્ટલમાં જઈને એડ કરવી ફરજીયાત છે અને જો પહેલેથી ચોઈસ આપેલી હોય તો બદલવાની જરૂર નથી.
સરકારી-ગ્રાન્ટેડ સાયન્સ કોલેજોની કફોડી હાલત
છેલ્લા કેટલાક વર્ષોથી બી.એસસીમાં હજારો બેઠકો ખાલી રહે છે.જેમાં સરકારી-ગ્રાન્ટેડ કોલેજોમાં ઓછી બેઠકો ભરાતી હોય છે ત્યારે સરકારી-ગ્રાન્ટેડ કોલેજો પહેલેથી મુશ્કેલીમાં આ વર્ષે તો જીકાસની પ્રવેશ પ્રક્રિયામાં સરકારી-ગ્રાન્ટેડ કોલેજોએ તાળા મારવા પડે તેવી સ્થિતિ આવી છે. કારણકે જીકાસના બે રાઉન્ડમાં બી.એસસીની 8 હજારથી વઘુ બેઠકોમાંથી એક હજાર બેઠકો પણ ભરાઈ નથી. કેટલીક કોલેજોને તો 10થી પણ ઓછા વિદ્યાર્થી મળ્યા છે.જેથી સાયન્સ કોલેજોને વિદ્યાર્થીઓને ડાયરેકટ પ્રવેશ આપી દેવા પણ છુટ આપી દેવાઈ છે.મહત્વનું છે કે પેરામેડિકલ,ફાર્મસી અને મેડિકલના પ્રવેશ હજુ બાકી હોવાથી સાયન્સમાં પુરતા પ્રવેશ થયા નથી.