૪૬૨૦.૭૭ કરોડ AMC ની લોનનું દેવું ધરાવતી AMTS નું વર્ષ-૨૦૨૫-૨૬ માટે ૬૮૨ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરાયું
ઈલેકટ્રિક બસના ચાર્જિંગસ્ટેશન,પાર્કિંગ માટે બે વર્ષથી જાહેરાત કરાય છે,હાલમાં માત્ર સાત ઈલેકટ્રિક ડબલ ડેકર બસ જ દોડે છે
અમદાવાદ,સોમવાર,13
જાન્યુ,2025
રુપિયા ૪૬૨૦.૭૭ કરોડની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
લોનનું દેવું ધરાવતી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું વર્ષ-૨૦૨૫-૨૬ માટે રુપિયા
૬૮૨ કરોડનું ડ્રાફટ બજેટ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે.બે
વર્ષથી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ઈલેકટ્રિક બસના ચાર્જિંગ સ્ટેશન અને
પાર્કિંગ માટે જાહેરાત કરવામાં આવે છે.જયારે હાલમાં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ
સર્વિસ દ્વારા શહેરના વિવિધ રુટ ઉપર માત્ર સાત ઈલેકટ્રિક ડબલ ડેકર બસ દોડાવવામા
આવી રહી છે.૧૧૭૨ બસ ઓન રોડ દોડાવવાના તંત્રના દાવા સામે હાલમાં માત્ર ૯૨૭ જ બસ
ઓનરોડ દોડવવામાં આવી રહી છે.વર્ષ-૨૫-૨૬માં ૬૦ મીની એ.સી.ઈલેકટ્રિક બસ સંચાલનમાં
મુકવાની વધુ એક જાહેરાત ડ્રાફટ બજેટમાં કરાઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની મ્યુનિસિપલ
ટ્રાન્સપોર્ટ સર્વિસ છેલ્લા બે દાયકાથી પણ વધુના સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશન
તરફથી આપવામાં આવેલી લોનના દેવાના ડુંગર હેઠળ દબાઈ ગઈ છે. હાલમાં આ સંસ્થા શહેરના
મુસાફરો કરતા વધુ એ.એમ.ટી.એસ.બસ ઓનરોડ
દોડાવી રહેલા ઓપરેટરો માટે દોડાવવામા આવી રહી હોય એમ દેખાઈ રહયુ છે.ગત વર્ષે કુલ
રુપિયા ૬૪૧.૫૦ કરોડના બજેટમાં આ વર્ષે રુપિયા ૪૦ કરોડનો વધારો કરવામાં આવ્યો
છે.વર્ષ-૨૦૨૫-૨૬ માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કરેલા રૃપિયા ૬૮૨ કરોડના ડ્રાફટ
બજેટમાં રુપિયા ૩૪૮ કરોડ તો પગાર અને પેન્શન તથા એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ પાછળ જ ખર્ચ કરવામાં આવનાર છે. મ્યુનિસિપલ
કોર્પોરેશન પાસેથી વર્ષ-૨૦૨૪-૨૫માં રુપિયા ૪૧૦ કરોડ લોન લેવામાં આવી
હતી.વર્ષ-૨૦૨૫-૨૬માં મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રુપિયા ૪૩૭ કરોડ લોન લેવાનુ
આયોજન કરવામાં આવ્યુ છે.વર્ષ દરમિયાન કુલ આવક રુપિયા ૨૩૮ કરોડ અંદાજવામાં આવી
છે.મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં હાલમા તંત્રની કહી શકાય એવી એક પણ બસ ઓનરોડ
દોડતી નહીં હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.૧ એપ્રિલ-૨૫થી ૩૧ માર્ચ-૨૬
સુધી ૭ ઈલેકટ્રિક ડબલ ડેકર બસ સાથે ૧૧૮ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ તથા પ્રાઈવેટ બસ
ઓપરેટરોની ૯૮૮ મળી કુલ ૧૧૧૩ બસ ઓનરોડ
દોડાવવાનો ડ્રાફટ બજેટમાં ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.બે
વર્ષથી એ.એમ.ટી.એસ.દ્વારા શહેરમાં ઓનરોડ ઈલેકટ્રિક બસ સંચાલનમાં મુકવાની જાહેરાત
કરવામા આવે છે.વર્ષ-૨૦૨૫-૨૬માં ઈલેકટ્રિક બસને પ્રોત્સાહન આપવાના બદલે ૨૨૫ મીડી
સી.એન.જી.બસનો કોન્ટ્રાકટ પુરો થઈ જવાથી નવી ૨૨૫ ઈલેકટ્રિક એ.સી.બસ લેવાનુ કાગળ
ઉપર આયોજન કરાયુ છે.શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં રજિસ્ટર્ડ હોય એવા શ્રમિકોને બસમાં
વિનામૂલ્યે મુસાફરી કરવા શ્રમિક પાસ આપવાનુ આયોજન કરવાની સાથે ડેઈલી ટિકીટ માટે
મોબાઈલ એપ , જમાલપુર
ખાતે ૧૦૦ ઈલેકટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન અને પાર્કિંગ જેવા અગાઉના વર્ષના
આયોજનને ફરીથી ડ્રાફટ બજેટમાં રજૂ કરવામાં આવ્યા છે.વિજિલન્સ ચેકીંગના નામે બસમાં
થતી તપાસ પછી આવકમાં કેટલો વધારો થયો એ અંગે તંત્રમાં કોઈ બોલવા તૈયાર નથી.સિનિયર
સિટીઝન માટે બસ પાસની વ્યવસ્થા કરાયા છતાં તેમને પાસ રિન્યુ કરાવતા નાકે દમ આવી
જાય છે.પણ તંત્રમાં કોઈને આ બાબતની
ગંભીરતા જ નથી.
લોન સર્વિસ ઉપર ચલાવાતી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ડિસેમ્બર-૨૪ અંત
સુધીમાં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને કુલ રુપિયા ૪૬૨૦.૭૭ કરોડની લોન આપવામાં
આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત પ્રતિ કિલોમીટર ઘટના
૬૦ ટકાની ગણતરી મુજબ મહત્તમ પ્રતિ
કિલોમીટર રુપિયા ૧૮ની મર્યાદામાં રુપિયા ૧૩૦ કરોડ તેમજ ઔડા તરફથી ઔડા વિસ્તારમાં
બસ સેવાના ખર્ચ પેટે રુપિયા ૧૫ કરોડ ગ્રાન્ટ મળવાનો આશાવાદ ડ્રાફટ બજેટમાં વ્યકત
કરવામા આવ્યો છે.
એ.એમ.ટી.એસ.ની આવકનો અંદાજ
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા વર્ષ-૨૦૨૫-૨૬ માટે
રજૂ કરવામાં આવેલા ડ્રાફટ બજેટમાં આવકનો મુકવામાં આવેલો અંદાજ આ મુજબ છે.
પ્રકાર આવકનો અંદાજ(કરોડમાં)
પેસેન્જર ભાડાની આવક ૧૩૭.૦૦
બસ વર્ધીની આવક ૧૦.૦૦
પાસની આવક ૭.૦૦
કન્સેશનની આવક ૭.૦૦
જાહેરાતની આવક ૧૪.૦૦
મ્યુનિ.લોન ૪૩૭.૦૦
ઔડા ગ્રાન્ટ ૧૫.૦૦
સ્વર્ણિમ ગ્રાન્ટ ૫.૦૦
૧૫મા નાણાંપંચની ગ્રાન્ટ ------
એ.એમ.ટી.એસ.ની ખર્ચનો અંદાજ
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા વર્ષ-૨૦૨૫-૨૬ માટે
રજૂ કરવામાં આવેલા ડ્રાફટ બજેટમાં ખર્ચનો મુકવામાં આવેલો અંદાજ આ મુજબ છે.
પ્રકાર
આવકનો અંદાજ(કરોડમાં)
પગાર-ભથ્થા ૧૫૩.૦૦
એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ ૨૨.૦૦
પેન્શન ખર્ચ ૧૫૦.૦૦
પ્રો.ફંડ લોન વ્યાજ ૧૦.૦૦
એરિયર્સ ચૂકવણી ૧૦.૦૦
કોન્ટ્રાકટરોને આ વર્ષે રુપિયા ૨૨ કરોડ વધુ ચૂકવાશે
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મ્યુનિસિપલ
કોર્પોરેશન પાસેથી વર્ષ-૨૦૨૪-૨૫માં રુપિયા ૪૧૦ કરોડ લોન પેટે લેવામાં આવ્યા
હતા.વર્ષ-૨૦૨૫-૨૬માં મ્યુનિ.પાસેથી રુપિયા ૪૩૭ કરોડ લોન પેટે મેળવવામા આવશે.આમ ગત
વર્ષ કરતા આ વર્ષે રુપિયા ૨૭ કરોડ મ્યુનિ.પાસેથી વધુ લોન પેટે
લેવાશે.કોન્ટ્રાકટરોને ગત વર્ષે બસ ઓપરેશન પેટે રુપિયા ૨૮૫ કરોડ ચૂકવાયા
હતા.વર્ષ-૨૦૨૫-૨૬માં રુપિયા ૩૦૭ કરોડ ચૂકવાશે એટલે કે રુપિયા ૨૨ કરોડ વધુ ચૂકવાશે.
સ્પેશિયલ વર્ધીના ભાડામાં રુપિયા ૧૫૦૦ નો ધરખમ વધારો ઝીંકાયો
સ્પેશિયલ વર્ધીની બસ માટે અત્યાર સુધીમાં જયાં બે કલાકના રુપિયા
બે હજાર લેવામાં આવતા હતા તેને બદલે ત્રણ કલાકના રુપિયા ૪૫૦૦ વસૂલવા નિર્ણય કરવામા
આવ્યો છે. આમ ત્રણ કલાકના ત્રણ હજારના બદલે હવે રુપિયા ૪૫૦૦ ચૂકવવા પડશે.અમદાવાદ બહાર
બસ લઈ જવી હોય તો રુપિયા ૭૫૦૦ ત્રણ કલાકના વસૂલવા નિર્ણય કરવામાં આવ્યો છે.ધાર્મિક
પ્રવાસ માટે અત્યાર સુધી રુપિયા ૨૫૦૦ વસૂલાતા હતા તેને બદલે રુપિયા ત્રણ હજાર વસૂલાશે.અમદાવાદ
બહાર ધાર્મિક વર્ધી માટે બસ લઈ જવા માટે પ્રતિ બસ રુપિયા પાંચ હજારનો દર વસૂલવા ડ્રાફટ
બજેટમાં દરખાસ્ત કરવામાં આવી છે.
ડ્રાફટ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ
મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવાશ
-શહેરના
આર.ટી.ઓ.પાસે મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવાશે
-૬૦
એ.સી.ઈલેકટ્રિક ૧૨ મીટર બસ જી.સી.સી.મોડલ ઉપર મેળવી સંચાલનમાં મુકાશે.
-૮૦૦
સ્માર્ટ શેલ્ટર બનાવવા આયોજન કરાશે.
-૩૦૦ મીની શેલ્ટર ધારાસભ્ય,કોર્પોરેટર તથા
સંસદસભ્યની ગ્રાન્ટમાંથી બનાવાશે.
-લાલદરવાજા
ખાતે પી.પી.પી.ધોરણે રીફ્રેશમેન્ટ કાઉન્ટર શરુ કરાશે.
-જમાલપુર
ખાતે ૧૦૦ ઈલેકટ્રિક બસના ચાર્જિંગ સ્ટેશન તથા પાર્કિંગ માટે સ્વર્ણિમ જયંતી
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા ૧૬માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી બનાવવા આયોજન
કરાશે.
-એ.એમ.ટી.એસ.ના
ઘુમા ખાતેના પ્લોટમાં ઈન્ટિગ્રેટેડ મોડલનું ટર્મિનસ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી
શહેરી વિકાસ યોજના ગ્રાન્ટમાંથી બનાવાશે.