Get The App

જાહેરાતો મોટી કામ ગોકળગાયની ગતિએ! અમદાવાદના બજેટમાં પ્રસ્તાવિત 5501 કરોડના કામમાંથી 40% અધૂરાં

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
જાહેરાતો મોટી કામ ગોકળગાયની ગતિએ! અમદાવાદના બજેટમાં પ્રસ્તાવિત 5501 કરોડના કામમાંથી 40% અધૂરાં 1 - image


Ahmedabad Municipal Corporation : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ-2024-25 માટે વાર્ષિક બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે રૂપિયા 5501 કરોડના વિકાસકામ જાહેર કર્યા હતા. તેની સામે ડિસેમ્બર અંત સુધીમાં રૂપિયા 3300 કરોડના કામ જ પુરા થઈ શકયા છે. શહેરના તમામ સાત ઝોન માટે રૂપિયા રૂપિયા 650 કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી હતી. જે સામે નવેમ્બર અંત સુધીમાં રૂપિયા 171.88 કરોડનો જ ખર્ચ કરવામાં આવ્યો હતો. ઝોન કક્ષાએ પ્રાથમિક સુવિધાના કામ થતા નહીં હોવાની કરવામાં આવતી રજૂઆત યથાર્થ પુરવાર થઈ છે.

તમામ સાત ઝોન માટે રૂપિયા 650 કરોડના બજેટની ફાળવણી

મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ-2024-25 માટે રૂપિયા 10801 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કર્યુ હતુ. આ બજેટમાં વિકાસકામો માટે રૂપિયા 5501 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જે સામે ડિસેમ્બર મહીનાના અંત સુધીમાં રૂપિયા 3300 કરોડના કામો પુરા કરી શકાયા છે. નાણાંકીય વર્ષ પુરુ થવામાં હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહયો છે. 

આ પરિસ્થિતિમાં બાકીના ચાલીસ ટકા કામ પુરા થઈ શકશે કે કેમ તે ઉપરાંત વર્ષ-2023-24 મ્યુનિસિપલ કમિશનરે રીવાઈઝ બજેટમાં 25 ટકા સુધીનો વધારો સુચવ્યો હતો તે વર્ષ-2025-26માં ઘટાડો કરવો પડે એમ છે.

વર્ષ-2023-24ના વર્ષમાં રૂપિયા 7038 કરોડની  રેવન્યુ આવક સામે રૂપિયા 9508 કરોડનો ખર્ચ કરવામા આવ્યો હતો. વર્ષ-2023-24માં રૂપિયા 3783 કરોડની કેપીટલ આવક સામે રૂપિયા 4560 કરોડનો કેપીટલના કામ માટે ખર્ચ કરવામાં આવ્યો હતો. આમ છતાં 31 માર્ચ-2024ની સ્થિતિએ રૂપિયા 876 કરોડ જેટલી રકમ રેવન્યુ પુરાંત હતી.  આમ થવા પાછળ મ્યુનિ.ના ચીફ એકાઉન્ટન્ટ અમિષ શાહે કહયુ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ પ્લોટનુ વેચાણ કરવામાં આવ્યું હતું.

ઉપરાંત ગુડા હેઠળ ઈમ્પેકટ ફી પેટે આવક થઈ.આમ નોનટેકસ રેવન્યુમાં વર્ષ-2023-24ના વર્ષમાં વધારો થવા પામ્યો હતો.મ્યુનિ.કમિશનરે ડ્રાફટ બજેટમાં રેવન્યુ આવક પેટે રૂપિયા  7650 કરોડ જમા થવાનો અંદાજ મુકયો હતો.જે સામે નવેમ્બર મહિનાના અંત સુધીમાં રેવન્યુ આવક પેટે મ્યુનિ.તિજોરીમાં રૂપિયા 4609 કરોડ જ જમા થયા હતા.રૂપિયા ત્રણ હજાર કરોડ જેટલી રકમ આવકમાં ઘટ છે.જે ત્રણ મહિનાના સમયમાં જમા થાય એવી શકયતા નહિવત છે.

દર મહિને 61 કરોડ AMTS,SVP-બીઆરટીએસને ગેપ ફંડ અપાય છે

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને ચલાવવા દર મહિને રૂપિયા 32 કરોડ, એસ.વી.પી.હોસ્પિટલને ચલાવવા દર મહિને રૂપિયા 17 કરોડ તેમજ જનમાર્ગ(બી.આર.ટી.એસ.)ને દર મહિને રુપિયા 12 કરોડ જેટલી રકમ ગેપ ફંડ તરીકે  મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવે છે.

માર્ચ પહેલાં  આવકના લક્ષ્યાંક સામે મ્યુનિ.તંત્ર સામેના પડકાર

(1) ઓકટ્રોયની અવેજીમાં સરકાર તરફથી મળતી ગ્રાન્ટ 400 કરોડની આસપાસ જ મળી શકે એમ છે (2) પ્રોપર્ટી ટેકસ,પ્રોફેશનલ ટેકસ તથા વ્હીકલ ટેકસની મળી અત્યાર સુધીમાં 1619 કરોડ આવક થઈ છે આ આવકમાં ત્રણ મહિનામાં અંદાજે રૂપિયા 500 થી 600 કરોડનો વધારો થઈ શકે એમ છે (3)નોન ટેકસ રેવન્યુ પેટે મ્યુનિ.કમિશનરે રૂપિયા 2233 કરોડનો અંદાજ મુકયો હતો.નવેમ્બર અંત સુધીમાં રૂપિયા 1015 કરોડ જેટલી આવક થવા પામી હતી.

કોર્પોરેશન ફંડમાંથી પ્રોજેકટ વિભાગના રૂ. 385 કરોડના જ કામ થયા

વર્ષ-2024-25ના મ્યુનિ.કમિશનરના બજેટમાં રૂપિયા 5501 કરોડના વિકાસ કામોની જાહેરાત કરવામાં આવી હતી.જો કે નવેમ્બર-24 અંત સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફંડમાંથી પ્રોજેકટ વિભાગના માત્ર રૂપિયા 385.56 કરોડના જ કામ થઈ શકયા હતા.જયારે ઈજનેર વિભાગમાં રૂપિયા 557.44 કરોડના જ કામ પુરા કરી શકાયા હતા. સ્વર્ણિમ જયંતી યોજના અંતર્ગત રૂપિયા 1815 કરોડના વિકાસકામ કરવાના હતા. નવેમ્બર અંત સુધીમાં રૂપિયા 853 કરોડના જ કામ પુરા કરી શકાયા હતા.સ્વર્ણિમ જયંતી યોજના અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા  425 કરોડ ગ્રાન્ટ પેટે ચૂકવવામાં આવ્યા છે.


Google NewsGoogle News