શિક્ષકો બાદ પોલીસ પર ગાજ, વિદેશ ફરવા ગયેલા 4 પોલીસકર્મી સસ્પેન્ડ, 9 સામે તપાસના આદેશ
Gujarat Police : તાજેતરમાં બનાસકાંઠામાં ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે ઉપડી પડેલા મહિલા શિક્ષક મુદ્દો ચર્ચિત બન્યો હતો. ત્યારબાદ રાજ્યભરમાંથી ચાલુ પ્રવાસે વિદેશ યાત્રાએ ગયેલા શિક્ષકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવ્યા હતી. ત્યારે હવે ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે જનાર 4 પોલીસકર્મી વિરૂદ્ધ પોલીસ વડા વિકાસ સહાયે કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ કર્યા છે. જ્યારે 9 પોલીસકર્મી વિરૂદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. DGP વિકાસ સહાયની આ કડક કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ગુજરાત પોલીસ બેડામાંથી મોટા સમાચાર સમાચાર સામે આવ્યા છે. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયના રિપોર્ટ બાદ ડી.જી.પી. વિકાસ સહાયે મોટી કાર્યવાહી કરી છે. જેમાં ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે ઉપડી ગયેલા હેડ કૉન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કૉ. હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર) ને ડીજીપી વિકાસ સહાયે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જ્યારે 9 પોલીસકર્મી વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહીના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 13 પોલીસ કર્મચારીની ગત નવેમ્બરમાં અમદાવાદ શહેરમાંથી જિલ્લામાં બદલી કરાઈ હતી.
તોડબાજીની ફરિયાદોથી બદલી કરતાં હાઈકોર્ટ પહોંચ્યા હતા વહીવટદારો
અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તરીકે કામ કરતાં 13 પોલીસ કર્મચારીઓ પોતે જ્યાં નોકરી કરતાં હોય તે સિવાયના પોલીસ સ્ટેશનોમાં પણ પોલીસ ઈન્સ્પેક્ટરો, એસીપી કે ડીસીપી કક્ષાના અધિકારીઓ માટે કે તેમના નામે ઉઘરાણા કરવાની પ્રવૃત્તિ કરતાં હોવાની ફરિયાદો ડીજીપી અને પોલીસ કમિશનરને મળી હતી. આ અંગે પ્રાથમિક તપાસમાં પોલીસ સ્ટેશન ચલાવવા માટે કરવા પડતાં સત્તાવાર સિવાયના ખર્ચા કાઢવા માટે કાર્યરત રહેતાં પોલીસ કર્મચારી એટલે કે વહીવટદારો મેળાપીપણું રચીને તોડબાજી કરતાં હોવાનું જણાયું હતું.