'કસાઇખાનું' ખ્યાતિ હોસ્પિટલે કેમ્પના બહાને વધુ 4 દર્દીના જીવ લીધા
Khyati Hospital Scandal: ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નાણા કમાઈ લેવાની લ્હાયમાં કઇ રીતે દર્દીઓના શરીર સાથે ચેડાં અને તેનાથી થઇ રહેલા મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. હવે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ 4 દર્દીના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. આમ, કહેવાતી આ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના કેમ્પના બહાને દાખવેલી બેદરકારીથી અત્યારસુધી 9 જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
ખ્યાતિની કુખ્યાતિના વધુ કિસ્સા સામે આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિનાયકપુરા ગામમાં છઠ્ઠી ઓક્ટોબરના રોજ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાંથી 40 દર્દીઓનું ચેક અપ કરાયું હતું. જે પૈકી 75 વર્ષીય ગણપત વાળંદને હૃદયની નળીઓ બ્લોક હોવાનું કહીને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમને સારવાર અગાઉ પીએમ-જય કાર્ડ લઇને પણ આવવાનું હોસ્પિટલ દ્વારા કહેવાયું હતું. તેમની એન્જિયોગ્રાફી કર્યા બાદ એન્જિયોપ્લાસ્ટી ડો. પ્રશાંત વજીરાણી દ્વારા કરાઇ હતી. પરંતુ સ્ટેન્ટ મૂક્યા બાદ તબીયત લથડતાં સિવિલની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ચોથી નવેમ્બરના તેમનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલને સારવારમાં બેદરકારી-ગેરરીતિ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલની ત્રીજી નોટિસ
પાંચમી માર્ચ 2023માં કડી તાલુકાના ખાવડ ગામમાં કેમ્પ યોજ્યો હતો. જેમાં 12 વ્યક્તિની નળીઓ બ્લોક હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે ગામના દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાં દંપતિ 85 વર્ષીય મૂળજી ચાવડા-ચંપાબેન ચાવડાનો સમાવેશ થતો હતો. બંનેની એન્જિયોગ્રાફી કરાઇ હતી અને રીપોર્ટ ખરાબ હોવાનું કહીને મૂળજીભાઇની એન્જિયોપ્લાસ્ટી કરાઇ હતી. સાચમી માર્ચે રજા આપ્યા બાદ 20મી માર્ચે સ્વાસ્થ્ય કથળતાં સિવિલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
કડી તાલુકાના વાઘરોડા ગામમાં 10મી ઓક્ટોબરના ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ યોજાયો હતો. જેમાં 23 વ્યક્તિની નળી બ્લોક હોવાનું કહેવાયું હતું. 14મી ઓક્ટોબરના તમામને ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા. જેમાં ડો. પ્રશાંત વજીરાણી દ્વારા 85 વર્ષીય ફતાજી ઠાકોરની બે નળીઓ બ્લોક હોવાનું કહી એન્જિયોપ્લાસ્ટી કરાઈ. સારવાર દરમિયાન 15 ઓક્ટોબરના હોસ્પિટલમાં જ મૃત્યુ થયું હતું.
મહેસાણાના જોરણંગ ગામમાં યોજાયેલા ડિસેમ્બર 2022માં મેડિકલ કેમ્પ બાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ કથિત સારવાર દરમિયાન લક્ષ્મણ રાવળનું સ્ટેન્ડ મૂકાવ્યાના 3 માસ બાદ મૃત્યુ થયું હતું. આ સિવાય સ્ટેન્ડ મૂકાવેલા પાંચ દર્દીઓની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે.
ખ્યાતિની ખાયકીથી 9 દર્દીના મૃત્યુ
• અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી બોરીસણા ગામના બે દર્દીના મૃત્યુ.
•સુરેન્દ્રનગરના બજાણાના આધેડનો સ્ટેન્ટ મૂકેલો, 11 દિવસની સારવાર બાદ મૃત્યુ.
•સાણંદના પ્રૌઢ દર્દીએ સારવાર દરમિયાન બેદરકારીથી જીવ ગુમાવ્યો.
•ધંઘુકાના દર્દીમાં 10 દિવસમાં હૃદયના 3 ઓપરેશનથી મૃત્યુ.
•કડી તાલુકાના વિનાયકપુરા ગામના 75 વર્ષીય ગણપત ભાઇનું સ્ટેન્ટ મૂકાવ્યા બાદ મોત.
•કડી તાલુકાના ખાવડ ગામના વૃદ્ધનું ખ્યાતિમાં સ્ટેન્ટ મૂકાવ્યાના 13 દિવસમાં જ મૃત્યુ.
•કડીના વાઘરોડા ગામમાં વૃદ્ધનું સ્ટેન્ટ મૂકાવ્યા બાદ સારવાર દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાં જ મૃત્યુ.
•મહેસાણાના જોરણંગ ગામના દર્દીનું ખ્યાતિમાં સ્ટેન્ટ મૂકાવ્યાના 3 માસમાં મૃત્યુ.