3800 પોલીસકર્મીઓની કરાશે ભરતી, રાજ્ય સરકારનું ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મોટું એલાન
Gujarat Police Recruitment News | ગુજરાત પોલીસ વિભાગમાં ભરતીને લઈને રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ મોટી જાહેરાત કરી છે. સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં ખાતરી આપી કે ડિસેમ્બર 2024 સુધીમાં 3800 પોલીસકર્મીઓની ભરતી કરાશે. અહેવાલ અનુસાર ડિસેમ્બર 2024 સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે જેમાં 3800થી વધુ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની ખાલી જગ્યા ભરવામાં આવશે. જ્યારે માર્ચ 2025 સુધીમાં 1414 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પ્રમોશન આપવાનો નિર્ણય પણ લેવાયો છે. ત્યારબાદ ગુજરાત સરકારે હાઇકોર્ટમાં કહ્યું કે સપ્ટેમ્બર 2026 સુધીમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવા પ્રયાસ કરીશું.
હાઇકોર્ટે રાજ્ય સરકારને કર્યા સૂચનો
સમગ્ર કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને કેટલાક સૂચનો પણ કર્યા. કોર્ટે ટકોર કરી કે, 'પોલીસની ભરતી ઘણી મહત્ત્વની બાબત છે. રાજ્ય સરકારે પોલીસ ભરતી માટેની એકેડેમીની સંખ્યા વધારવી જોઈએ. સરકારે 3 નવી એકેડેમી શરુ કરવી જોઈએ'. ગુજરાતના ઉમેદવારોને અન્ય રાજ્યોની પોલીસ એકેડેમીમાં મોકલવા પણ કોર્ટે સરકારને સૂચન કર્યું છે. કેસની વધુ સુનાવણી હવે આગામી સપ્તાહે હાથ ધરાશે.
ગુજરાત હાઇકોર્ટમાં સરકારનું મોટું એલાન
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ભરતી કેલેન્ડર રજૂ કરવામાં આવ્યું હતું. સરકારે હાઇકોર્ટમાં ભરતી અને બઢતી અંગે વિગત આપી હતી.
ભરતી કેલેન્ડર નીચે મુજબ છે:
- વર્ષ 2026ના સપ્ટેમ્બર મહિના સુધીમાં તમામ પદ પર ભરતી પૂર્ણ કરવા પ્રયાસ થશે.
- વિવિધ પદ માટે ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર - ડીસેમ્બર સુધીમાં પૂર્ણ કરી જાન્યુઆરી સુધીમાં પરિણામ.
- લેખિત પરિક્ષા : ડિસેમ્બર - જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે અને ફેબ્રુઆરીમાં પરિણામ.
- ફેબ્રુઆરીથી જૂન સુધીમાં સબ્જેક્ટિવ લેખિત પરીક્ષા લેવાશે અને જુલાઈ સુધીમાં પરિણામ.
- ઓગસ્ટ સુધીમાં ફાઇનલ મેરીટ તૈયાર કરાશે.
- સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ફેઝની પ્રક્રિયા પૂર્ણ કરાશે.
બઢતી
- ડિસેમ્બર 2024 સુધી 3800થી વધુ ASI અને હે.કોન્સ્ટેબલની બઢતી.
- માર્ચ 2025 સુધીમાં 1414 PI અને PSIને પ્રમોશન.