ગુજરાતમાં પ્રદૂષણની સમસ્યા વકરી, દરરોજ 380 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી
Breathing Problems: ગુજરાતમાં પ્રદૂષણની સમસ્યાને લીધે શ્વાસની સમસ્યાના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ દરરોજ સરેરાશ 380 દર્દીને શ્વાસની સમસ્યા સાથે હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, જાન્યુઆરીથી માર્ચ એમ ત્રણ મહિનામાં ગુજરાતમાં શ્વાસની સમસ્યાના 34,124 દર્દી ઈમરજન્સી સેવા 108માં નોંધાયા છે. આ પૈકીના મોટાભાગના દર્દી જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન શિયાળામાં હતા. જેની સરખામણીએ ગત વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન શ્વાસની સમસ્યાના 30903 દર્દી હતા. આમ, ગત વર્ષની સરખામણીએ શ્વાસના દર્દીમાં ૧૦.૪૨ ટકાનો વધારો થયો છે.
ડોક્ટરોના મતે, હૃદયની સાથે હવે શ્વાસના દર્દીઓ પણ વધી રહ્યા છે. શ્વાસની સમસ્યાના વધારા માટે પ્રદૂષણ પણ જવાબદાર છે. ટ્રાફિક કે પ્રદૂષણ વધારે હોય તેવા વિસ્તારમાં જતી વખતે ટુ વ્હિલર ચલાવનારી પ્રત્યેક વ્યક્તિએ માસ્ક પહેરવું જોઇએ. શ્વાસ લેવામાં સહેજ પણ સમસ્યા હોય તો તાકીદે તબીબની સલાહ લેવી હિતાવહ છે.