રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર, ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ અને મામલતદારોની બદલી
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીઓનો દોર શરુ
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ કર્યા
Gandhinagar : દેશમાં આગામી સમયમાં લોકસભા 2024ની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાતમાં વિવિધ અધિકારીઓ તેમજ મામલતદારોની બદલી કરવામાં આવી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ કર્યા હતા.
ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ તેમજ મામલતદારોની બદલી કરવામાં આવી
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે વધુ એક વખત બદલીનો આદેશ જાહેર કર્યો છે જેમાં 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 12 GAS કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક આપવામાં આવી છે. આ સિવાય રેવન્યુ વિભાગ દ્વારા 29 મામલતદારની પણ બદલી કરવામાં આવી છે. હાલમાં બોટાદ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે ફરજ બજાવતા પરેશકુમાર ટી પ્રજાપતિની ડીસી-એનએ, અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે મહિસાગર જિલ્લામાં ડેપ્યુટી ડીઇઓ તરીકે ફરજ બજાવતા કુંજલ કે શાહની ડીસી-એલઆર, O/o કલેક્ટર, અમદાવાદ ખાતે બદલી કરાઇ છે. આ ઉપરાંત અમદાવાદના સીટી વેસ્ટ, સાબરમતીના મામલતદાર નિલેશ.બી. રબારીની ખેડા જિલ્લાના ગળતેશ્વર મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીનો દોર
દેશમાં લોકસભાની ચૂંટણી થવામાં હવે થોડો સમય જ બાકી છે. એપ્રિલ અને મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે તેવી સંભાવના છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની બદલીઓ કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે એક જગ્યાએ ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓની બદલી ચૂંટણી પહેલા કરવામાં આવતી હોય છે.