Get The App

આમ કેમ ભણશે ગુજરાત!, રાજ્યની 341 સરકારી સ્કૂલો તો એક જ ઓરડામાં ચાલે છે...

ગુજરાત વિધાનસભામાં વિપક્ષ દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે કબૂલાત કરી

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
આમ કેમ ભણશે ગુજરાત!, રાજ્યની 341 સરકારી સ્કૂલો તો એક જ ઓરડામાં ચાલે છે... 1 - image


Gujarat Vidhan Sabha: ગુજરાત વિધાનસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસી ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે અનેક સવાલોના જવાબો માગ્યા હતા. ત્યારે વિધાનસભામાં સરકારી શાળાઓને લગતા ચોંકાવનારા આંકડા રજૂ કરાયા છે. વિપક્ષ દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે કબૂલાત કરી હતી કે, રાજ્યમાં 341 પ્રાથમિક શાળાઓ એક ઓરડાથી ચાલી રહી છે. જો કે, વધુ ઓરડા બનાવવાની સરકારે ખાતરી આપી હતી.

એક જ શિક્ષકથી ચાલી રહી છે 1606 સ્કૂલો

અગાઉ વિધાનસભામાં સરકારી શાળાઓને શિક્ષકોને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું છે કે, 'રાજ્યમાં 1,606 નિયમિત શાળા છે અને શિક્ષકોને વતનનો લાભ આપવા સહિતના મુદ્દાના કારણે તે તમામ એક જ શિક્ષકથી ચાલે છે. 30 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી શાળાઓ પણ વધુ છે. જેના પરિણામે એકજ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.'

કોંગ્રેસના નેતાઓએ ગૃહમાંથી વોકઆઉટ

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં રાજ્ય સરકાર વિવિધ પ્રશ્નોના જવાબો આપી રહી છે  ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ આજે 'નકલીકાંડ'નો મુદ્દો ગૃહમાં ઉઠાવીને હોબાળો કર્યો હતો. નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો અને સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના ધારાસભ્યો વેલમાં ધસી ગયા હતા.  આ મુદ્દા બાદ વિધાનસભાના સ્પીકરે કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. જે બાદ કોંગ્રેસના નેતાઓએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષે સસ્પેન્શનના હુકમને રદ્દ કરવાની માગણી કરી હતી.


Google NewsGoogle News