વિકાસના નામે વિનાશનું ચિત્ર, ગુજરાતમાં 33 ટકા વન વિસ્તાર જોઈએ પણ માંડ 10 ટકા વન બચ્યું છે
Gujarat Forest Area: સચિવાલયના વિભાગો, જિલ્લાની કચેરીઓ અને સ્થાનિક સંસ્થાઓના વહીવટ ખાડે જઈ રહ્યાં છે એવામાં રાજ્યના વન વિભાગની એક એવી બેદરકારી સામે આવી છે કે જેમાં છેલ્લા 18 વર્ષથી કોઇ કામ થયું નથી.
રાજ્ય સરકાર હજી સુધી ફોરેસ્ટ પોલિસી બનાવી શકી નથી
ગુજરાતમાં પાંખા થઈ રહેલા જંગલો અંગે કેન્દ્રીય તપાસ એજન્સીઓના રિપોર્ટમાં બેસુમાર ટીકાઓ પછી પણ રાજ્ય સરકાર હજી સુધી ફોરેસ્ટ પોલિસી બનાવી શકી નથી. જ્યારે કેન્દ્ર સરકાર પૂછે છે ત્યારે સરકાર એવો જવાબ આપે છે કે પોલિસીનું ઘડતર ચાલુ છે અને ટૂંક સમયમાં જાહેર કરાશે.
વન નીતિ પ્રમાણે 33% જંગલ વિસ્તારના બદલે માત્ર 10% જ
રાજ્યમાં વિકાસના પોકળ દાવાઓની સાબિતી આપતો આ એક મજબૂત કેસ છે. રાજ્યમાં જંગલોના રક્ષણ, સંરક્ષણ અને વિકાસમાં વન નીતિની આવશ્યતા છે છતાં વન વિભાગના અધિકારીઓ પોલીસીના નિર્માણમાં ગોથાં ખાઈ રહ્યાં છે. રાષ્ટ્રીય વન નીતિ પ્રમાણે 33 ટકા વિસ્તારમાં જંગલ હોવું જરૂરી છે પરંતુ ગુજરાત હજી માંડ 10 ટકા વિસ્તારમાં જંગલ છે અને તે પણ સરકાર ઉદ્યોગો સામે નતમસ્તક થતાં વેચાઇ રહ્યું છે.