ભ્રષ્ટ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત ત્રણ વર્ષની બાળકીને ભરખી ગયું, પરિવારે લગાવ્યા ગંભીર આરોપ
Ahmedabad News: ગુજરાતમાં હાલ લોકો નવરાત્રિનો તહેવાર ઉજવી રહ્યાં છે. ત્યારે તંત્રના પાપે અમદાવાદના વટવામાં રહેતાં એક પરિવાર માટે તહેવાર માતમાં ફેરવાઈ ગયો છે. અમદાવાદમાં AMC દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા EWS આવાસના મકાન કોઈને આસરો તો ન આપી શક્યા પરંતુ સોમવારે (7 ઓક્ટોબર) 3 વર્ષની બાળકીનો ભોગ લઈ લીધો છે. આ મકાનો તોડવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ત્રણ વર્ષની બાળકી પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. પરિવારે સ્થાનિક પોલીસમાં કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના જવાબદાર અને ભ્રષ્ટ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કરતાં ફરિયાદ નોંધાવા ગયાં તો પોલીસે પણ ફરિયાદ ન નોંધી.
શું હતો સમગ્ર બનાવ?
ગયા મહિને અમદાવાદમાં AMC દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા EWS આવાસ યોજનાના 1600 મકાનોને ફાળવણી વિના જ તોડી પાડવામાં આવ્યા હતાં. તે દરમિયાન ત્યાં 10 ફૂટથી ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. જોકે, AMC તરફથી તેને ફરૂ પૂરવાની તસ્દી લેવાઈ ન હતી. આ જગ્યાની પાછળ અનેક નાના-મોટા છાપરા બનાવી ગરીબ લોકો વસવાટ કરે છે. જ્યાં એક ત્રણ વર્ષની પ્રીતિ કટારા અને તેનો પરિવાર મૂળ દાહોદના રહેવાસી છે. સોમવારે સાંજે પ્રીતિ પોતાના ઘરની આજુબાજુમાં રમતી હતી, ત્યારે રમતા-રમતા પાછળ આવેલા ખાડામાં એકાએક પડી ગઈ હતી. મોડી સાંજ સુધી બાળકી ઘરે ન આવતાં પરિવારે શોધખોળ કરતાં તે ખાડામાંથી મળી આવી. જ્યારે બાળકીને બહાર કાઢવામાં આવે ત્યાં સુધી તેણે જીવ ગુમાવી દીધો હતો.
આ પણ વાંચોઃ ભાજપની લોકપ્રિયતાની પોલ ખૂલી: 'પ્રજાલક્ષી કામો' ન થતાં સભ્યો નોંધણીમાં આંખે પાણી આવ્યું
મૃતક બાળકીના પરિવારજનોમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે. પીડિત પરિવારે તંત્ર અને કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી તેમજ બંનેની મિલીભગતના કારણે મારી માસૂમ દીકરીનો જીવ ગયો છે.
આ પણ વાંચોઃ ઈડરમાં ખજાનો શોધવાની લ્હાયમાં ઐતિહાસિક ધરોહરનું ધનોત-પનોત કાઢ્યું, રાજપૂત સમાજ લાલઘૂમ
AMC અધિકારી પર ગંભીર આરોપ
સમગ્ર ઘટના બાદ પીડિત પરિવાર પોલીસ સ્ટેશનમાં જવાબદાર કોન્ટ્રાક્ટર ઝાકીર સામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતાં, પરંતુ PI અને અન્ય પોલીસકર્મીઓએ ઝાકીર સામે આરોપી તરીકે ફરિયાદ નોંધી નહીં અને પરિવારને ગાળો ભાંડી હતી. આ સિવાય કોઈ કાર્યવાહી પણ કરી ન હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.