વડોદરામાં વર્ષો જુના આરસીસી સ્લેબ તોડી સફાઈ કરાતા ત્રણ ટ્રેક્ટર ભરી કાદવ નીકળ્યો
image : Filephoto
Vadodara Corporation : ચોમાસા દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારમાં અવારનવાર પૂર જેવી પરિસ્થિતિ ઉભી થતા સ્થાનિક કાઉન્સિલરની રજૂઆત બાદ તંત્રએ અહીં વર્ષો જુના આરસીસી સ્લેબ તોડી એમાં સફાઈ કરાવતા એક જ જગ્યાએથી બેથી ત્રણ ટ્રેક્ટર ભરાય તેટલો કીચડ નીકળ્યું હતું.
સ્થાનિક કોર્પોરેટર આશિષ જોષીએ રજૂઆત કરી હતી કે, અમારા વિસ્તારમાં ઘણી જગ્યાએ વરસાદી પાણી નિકાલની ખૂબ સમસ્યા છે. તેને ધ્યાનમાં લઈ પાલિકા તંત્રએ આજે કલાદર્શન ચાર રસ્તાથી શાસ્ત્રીબાગ સુધી અલગ અલગ 10થી 12 જગ્યાએ વર્ષો જુના આરસીસી સ્લેબ તોડી કાદવ કીચડ બહાર કાઢવામાં આવ્યો હતો. ઉપરાંત ઉમા ચાર રસ્તાથી વૃંદાવન ચાર રસ્તા સુધી નવીન પાઇપ નાખવામાં આવી છે. ખોદતી વખતે જોતા જૂની પાઇપ સંપૂર્ણ માટીથી ભરાઈ ગઈ હતી. આના કારણે વરસાદી પાણીના નિકાલમાં અનેક મુશ્કેલીઓ ઊભી થતી હતી. ચોમાસામાં હાઇવેથી પાણી જેવા શહેરમાં પ્રવેશે તે વૈકુંઠ સોસાયટીમાં પ્રથમ આવતા અહીં પાણી નિકાલની ગંભીર સમસ્યા હતી. તેથી અહીં મોટા ભૂંગળા નાખવામાં આવ્યા છે. જેથી વોર્ડમાં ભરાતા પાણી ઝડપથી વહન થઇ વરસાદી કાસમાંથી નીકળી જાય એવો પ્રયાસ કરાયો છે. જો પાલિકા તંત્રએ આ કામગીરી પૂર પહેલા હાથ ધરી હોત તો અહીં જેટલું જળસ્તર થયું તેમાં નાગરિકોને મહદઅંશે રાહત મળી શકી હોત.