કુખ્યાત નઝીર વોરા અને પોલીસ પુત્ર વચ્ચે અથડામણમાં 3 રાઉન્ડ ફાયરિંગ
- જુહાપુરાના સોનલ રોડ પર મતદાન બાદ મોડી રાત્રીનો બનાવ
અમદાવાદ,તા.7 ડિસેમ્બર 2022,બુધવાર
વિધાનસભા ચૂંટણીનું મતદાન પુરૂ બાદ મોડી રાત્રીનાં જુહાપુરાના સોનલ રોડ પર ગેંગસ્ટર નઝીર વોરા અને પોલીસ પુત્ર વચ્ચે જૂની અદાવતમાં અથડામણ થઈ હતી. જુની અદાવતમાં થયેલી બોલાચાલી બાદ મારામારીની ઘટનામાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ સાગરિતો સાથે મળીને નઝીર વોરા અને તેના પુત્ર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. વેજલપુર પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરી પાંચ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ પુત્રએ નજીર વોરાની ભાણી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ બંને પક્ષે તકરાર ચાલે છે. તે અદાવતમાં થયેલી બોલાચાલીમાં બંને પક્ષે આજે ફરી અથડામણ થઈ હતી.
નઝીર વોરા, ફાયરિંગ કેસમાં આરોપી પોલીસ પુત્ર સહિત પાંચની ધરપકડઃપોલીસે બંને પક્ષે ગુનો દાખલ કર્યો
ગેંગસ્ટર નઝીર વોરાના પુત્ર અમીરહમ્ઝાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મંગળવારે પરોઢે વાહીદ ઉર્ફ બાબા વારીસઅલી સૈયદ (ટીચર્સ સોસાયટી,વેજલપુર) ફૈઝાન ઉર્ફ તૈબુ રીયાઝુદ્દીન સૈયદ (કેતકી સોસાયટી, સરખેજ) અને મયોદ્દીન ઉર્ફ નવાબ રહીમભાઈ સમા (સરખેજ) સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓએ ફરિયાદી અને તેના પિતા સાથે બોલાચાલી કરી બાદમાં ફૈઝાન ઉર્ફ તૈબુએ પિસ્ટલમાંથી એક રાઉન્ડ ફાયર કર્યું બાદમાં આ જ પિસ્ટલ લઈ મયુદ્દીન ઉર્ફ નવાબે બીજા બે રાઉન્ડ ફાયર કર્યા હતા. ફાયરિંગ થતા ફરિયાદી તેના પિતા અને મોઈન ઉર્ફ બબલુ સ્થળ પર ભાગી ગયા હતા. જો કે, તેઓને કોઈ ઈજા થઈ ન હતી. બનાવ અંગે હમ્ઝાની માતાએ પોલીસ કંટ્રોલરૂમને ફોન કરતા વેજલપુર પોલીસે હત્યાની કોશિષનો તેમજ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. નઝીર વોરા તેના પુત્ર હમ્ઝા અને બબલુ વિરૂદ્ધ વાહીદ ઉર્ફ બાબાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીએ આરોપી નઝીર વોરાની ભાણી સાથે એક વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા ત્યારથી તેઓ વચ્ચે વિવાદ ચાલે છે. નઝીર વોરા અને તેનો પુત્ર હમ્ઝા આ પ્રેમલગ્નથી નારાજ થયા હતા. ફરિયાદી અને તેના મિત્રોને સોમવારે મોડી રાત્રે હમ્ઝા સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતે અદાવત રાખી હમ્ઝા, તેના પિતા નઝીર વોરા અને બબલુ સ્થળ પર આવ્યા હતા.
આરોપીઓએ ફરિયાદી અને તેના મિત્રો સાથે મારામારી શરૂ કરી હતી. નઝીર વોરા તલવાર લઈને મારવા આવતા ફરિયાદી વાહીદ સ્થળ પરથી ભાગ્યો હતો. નઝીર વોરાએ ફરિયાદીને બાદમાં જાનથી મારવાની ધમકી આપી હતી. વેજલપુર પોલીસના જણાવ્યા મુજબ બબલુ અન્સારી સીવાય આ બંને કેસમાં કુલ પાંચ આરોપીની ધરપકડ થઈ ગઈ છે. નઝીર વોરા પર થયેલા ફાયરિંગ કેસમાં આરોપી વાહીદ ઉર્ફ બાબાના પિતા નિવૃત્ત પોલીસ અધિકારી હોવાનું વેજલપુર પોલીસે જણાવ્યું હતું.