રૂપાલા વિવાદમાં પોલીસની મોટી કાર્યવાહી, પૂતળું બાળનારા ક્ષત્રિય સમાજના 3 આગેવાનોની અટકાયત
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની રાજકોટ બેઠકના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી અને પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદનો માટે બે હાથ જોડીને માફી માગી છતાં પણ રોષ હજુ પણ યથાવત છે. શનિવારે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે પોલીસે આ મામલે આજે કાર્યવાહી કરી હતી અને ક્ષત્રિય સમાજના ત્રણ આગેવાનો ધરપકડ કરી હતી.
ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો
રાજકોટમાં ક્ષત્રિય સમાજ વિરૂધ્ધની ટીપ્પણીને લઇને ચો-તરફથી ઘેરાયેલા અને ક્ષત્રિય સમાજનાં વિરોધ અને ઉગ્ર રોષનો સામનો કરી રહેલા કેન્દ્રીય મંત્રીના પરશોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતું. આ મામલે પોલીસે ક્ષત્રિય સમાજના ત્રણ આગેવાનો મહેન્દ્રસિંહ પરમાર,નરેન્દ્રસિંહ જાડેજા અને નવલસિંહ જાડેજાની કલમ 151 મુજબ અટકાયત કરી હતી. જો કે પોલીસની આ કાર્યવાહીને પગલે મામલો વધારો ગરમાયો હતો. ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
રૂપાલાના બંગલે પોલીસનો બંદોબસ્ત વધારાયો
રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર પરશોતમ રૂપાલાનાં બંગલે હવે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમીન માર્ગ પરની હરિહર સોસાયટીમાં રૂપાલાનાં હંગામી બંગલે તકેદારીનાં ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવ્યાનું વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી રૂપાલાને વાય કેટેગરીનું સુરક્ષા કવચ મળેલું છે. જેને કારણે પ્રોટોકોલ મુજબ અગાઉથી જ તે મુજબનો બંદોબસ્ત મળેલો છે પરંતુ હાલમાં ક્ષત્રિય સમાજ વિરૂધ્ધની ટીપ્પણીને લઇને તેમનાં બંગલે બંદોબસ્ત વધારાયો છે. તેમનાં બંગલે એસઆરપીનાં પાંચ જવાનોને તહેનાત કરી દેવાયા છે. જેમાંથી એક હેડ કોન્સ્ટેબલ અને ચાર કોન્સ્ટેબલ છે. એસઆરપી જવાનોની આ પાર્ટી 24 કલાક બંદોબસ્તમાં તહેનાત રહેશે.