Get The App

YMCA ક્લબમાં નકલી દરોડાના કેસમાં વઢવાણ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર સહિત ત્રણની ધરપકડ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
YMCA Club accused


YMCA Club by posing as CBI officers: અમદાવાદના હાંસોલમાં રહેતા યુવકને એડ ફિલ્મના કામ માટે એસ જી હાઇવે પર આવેલી વાયએમસીએ ક્લબમાં બોલાવીને ત્રણ અજાણ્યા લોકોએ રૂમમાં ધુસી જઇને સીબીઆઇનો દરોડો હોવાનું કહીને માર મારીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે ફરિયાદી યુવકે સીબીઆઇના નકલી અધિકારીઓનો વીડિયો શુટ કરીને તમામને ઓળખ કરીને આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ફરિયાદ નોંધાયાના નવ દિવસ બાદ અંતે આનંદનગર પોલીસે વઢવાણ નગરપાલિકાના કોર્પોરેટર હિતેન્દ્રસિંહ મોરી સહિત ત્રણની ધરપકડ કરી છે. 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રહલાદનગરમાં રહેતા કપિલ ત્રિવેદીએ કોઇ અંગત અદાવતનો બદલો લેવા માટે ગ્રીમર જોષીના નામે ખોટો ફોન કરીને યુવકને વાયએમસીએ ક્લબ બોલાવ્યો હતો. આ અંગે આનંદનગર પોલીસે વઘુ તપાસ શરૂ કરી છે.

ક્લબના સભ્ય કપિલ ત્રિવેદીએ અંગત અદાવતમાં નકલી દરોડાનો પ્લાન બનાવ્યો હોવાનો પર્દાફાશ

હાંસોલમાં અક્ષરધામ રેસીડેન્સીમાં રહેતા સુમિતભાઇ ખાનવાણી એડ મેકર્સ તરીકે કામ કરે છે. તેમને 2જી સપ્ટેમ્બરના રોજ ગ્રીમર જોષી નામના વ્યક્તિએ કોલ કરીને   તેમની ચાંગોદર સ્થિત કંપની એડ ફિલ્મ બનાવવાની હોવાથી મુલાકાત કરવાની હોવાનું કહીને વાયએમસીએ ક્લબમાં બોલાવ્યા હતા. 

જ્યાં રૂમમાં સૌમિલ નામના વ્યક્તિ સાથે મિટીંગ કરતા હતા ત્યારે અચાનક ત્રણ લોકો સીબીઆઇના અધિકારી તરીકે ઓળખ આપીને રૂમમાં આવી ગયા હતા. જ્યાં તેમણે સુમિતને માર મારીને દારૂની બોટલ અને સફેદ પાવડરની પકીડી બેગમાંથી કાઢીને ખોટા કેસમાં ફસાવવાનું કહીને વોલેટ માંગ્યું હતું. પરંતુ, સુમિત અને તેના મિત્રોએ મોબાઇલ વીડિયો શુટ કરતા ત્રણેય નાસી ગયા હતા. 

આ પણ વાંચો: મેડિકલ કમિશને જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે રાજ્ય બહારના પરીક્ષકો વાયવા લેશે

આ સમગ્ર મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદને આધારે આખરે નવ દિવસ બાદ આનંદનગર પોલીસે હિતેન્દ્રસિંહ વિજયસિંહ મોરી (રહે. વઢવાણ,જિ. સુરેન્દ્રનગર), ધનરાજસિંહ રાઠોડ (રહે. શેલા) અને વિરેન્દ્રસિંહ ચાવડા (રહે.બોપલ)ને ઝડપી લીધા હતા. હિતેન્દ્રસિંહ મોરી વઢવાણ નગરપાલિકાના 13 નંબરના વોર્ડના ભાજપના કોર્પોરેટર હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે વિરેન્દ્રસિંહ ખાનગી સંસ્થામાં કામ કરતો હોવાનું અને ધનરાજસિંહ જમીન લે-વેચનું કામ કરે છે. 

આ અંગે વઘુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ત્રણેય આરોપીઓ પ્રહલાદનગરમાં રહેતા કપિલ ત્રિવેદીના મિત્રો હતા. કપિલ ત્રિવેદીને સુમિત સાથે કોઇ બાબતે અંગત અદાવત હતી. કપિલ ત્રિવેદી વાયએમસીએ ક્લબનો મેમ્બર હોવાથી તેણે પોતાના નામે રૂમ બુક કરાવીને ગ્રીમર જોષીના નામે કોલ કરીને સુમિતને ક્લબમાં એડ ફિલ્મની ચર્ચા માટે બોલાવ્યો હતો. આમ, સમગ્ર કેસમાં માસ્ટર માઇન્ડ તરીકે કપિલ ત્રિવેદીનું નામ બહાર આવતા ફરિયાદમાં આરોપી તરીકે તેનું નામ ઉમેરીને કાર્યવાહી કરવામાં આવી છે. જો કે હાલ કપિલ ત્રિવેદી ફરાર થઇ ગયો છે.

આનંદનગર PIએ કમિશનરની સૂચનાની ઐસી તૈસી કરી

પોલીસ કમિશનર જી એસ મલિકે શહેરના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપી છે કે ગંભીર ગુનામાં ભોગ બનનાર પોલીસ સ્ટેશન આવે તો એક ક્ષણનો વિલંબ કર્યા વિના ફરિયાદ નોંધીને અગ્રીમતાના ધોરણે તપાસ શરૂ કરવી. સીબીઆઇની નકલી રેઇડ જેવા ગંભીર કેસમાં આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઇ બી કે ભારાઇએ પોલીસ કમિશનરની સુચનાને અવગણીને માત્ર સાદી અરજી લીધા બાદ ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ નોંધી હતી. 

એટલું જ નહી પોલીસે આરોપીઓ અંગે વાયએમસીએ ક્લબમાં તપાસ કરી નહોતી. જ્યારે સુમિતભાઇએ વીડિયોના આધારે સોશિયલ મીડિયા પર તપાસ કરીને તમામની ઓળખ કરીને પોલીસને જાણ કરી હતી. સૌથી નવાઇની વાત એ છે કે આ કેસનો માસ્ટર માઇન્ડ કપિલ ત્રિવેદી આનંદનગર પોલીસ સ્ટેશનથી 500 મીટરના અંતરમાં રહેતો હતો અને તેનું નામ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું તો પણ તેની ધરપકડ નહી કરતા તેને નાસી જવાની તક મળી હતી.

આ પણ વાંચો: ભૂમાફિયાઓ કરોડો રૂપિયા ઓળવી ગયા, સ્વામિનારાયણ સંસ્થાના જમીન કૌભાંડની તપાસ CID ક્રાઇમ કરશે

કોણ છે ભાજપના નેતા હિતેન્દ્રસિંહ મોરી?

પોતાને સમાજ સેવક, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર તરીકે ઓળખાવતો હિતેન્દ્રસિંહ મોરી અમદાવાદમાં વસવાટ કરે છે અને ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત પણ કરે છે. તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર પણ છે અને વઢવાણ શહેરમાં મોટી પ્રતિષ્ઠા ધરાવતા પરિવારનો સભ્ય છે અને પ્રથમ વખત ચૂંટણી લડી સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાના સભ્ય તરીકે વિજેતા બન્યો હતો.

YMCA ક્લબમાં નકલી દરોડાના કેસમાં વઢવાણ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર સહિત ત્રણની ધરપકડ 2 - image


Google NewsGoogle News