અમદાવાદમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા 660 સરકારી કર્મચારીને 3.30 લાખનો દંડ, પોલીસ કર્મચારીઓ ગાંઠતાં નથી
Helmet Drive in Ahmedabad : અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવવા માટે રાજય પોલીસ વડાએ હેલ્મેટના કાયદાનો અસરકારક અમલ કરાવવા આદેશ આપ્યા હતા. જેને લઇને અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજે પોલીસ કમિશનર કચેરી સહિત તમામ સરકારી કચેરી પાસે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં 72 પોલીસ જવાન સહિત 660 સરકારી કર્મચારીઓ સામે કેસ કરીને કુલ રૂ.3.30 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં ખાખીએ જ 72 ખાખી પાસેથી 36,000 દંડ વસૂલ્યો
અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન ચિંતાજનક વધારો થતાં રાજ્ય પોલીસ વડાએ ગંભીર નોંધ લીધી હતી અને ગુજરાતના તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરીક તરીકે ઓળખ ધરાવે છે તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ બનીને હેલ્મેટ સહિત ટ્રાફિકના નિયમોનું પાલન જરુરી છે તેમ કહીને આજે તમામ સરકારી કચેરના પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસને ખાસ ઝુંબેશ રાખીને અસરકારક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા.
આ પણ વાંચો: વડોદરાની સરકારી કચેરીઓની બહાર બે-ત્રણ કલાકનો જ હેલ્મેટ ડ્રાઇવનો ડ્રામા, કર્મચારીઓ પોલીસને જોઇ ભાગ્યા
જેના ભાગરૂપે મંગળવારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શાહીબાગ પોલીસ કમિશનર કચેરી તથા કલેકટર કચેરી બહાર હેલ્મેટના કાયદાનું કડક અમલ કર્યો હતો. જો કે કેટલાક પોલીસ સહિતના કર્મચારીઓ જાત જાતના બહાના બતાવતા હતા પરંતુ પોલીસે બહાનાબાજી ચલાવી ન હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં ખાસ કરીને સમગ્ર અમદાવાદમાં 72 પોલીસ કર્મચારી સહિત કુલ 660 કર્મચારી પાસેથી રૂ. 3,30,000 દંડ વસૂલ્યો હતો.
પોલીસ વડાનો આદેશ છતાં પોલીસ કર્મચારીઓ ગાંઠતાં નથી
અમદાવાદમાં પોલીસ વડાએ હેલ્મટેના નિયમનો કડક અમલ કરવા માટે આદેશ આપ્યા હતા. તેમ છતાં આજે અમદાવાદ શહેરમાં કેટલાયે પોલીસ કર્મચારી હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા હતા. જો કે પોલીસ કમિશનર કચેરી અને પોલીસ સ્ટેશન સહિત સરકારી કચેરી બહારથી 72 પોલીસ કર્મચારી હેલ્મેટ પહેર્યા વગર પકડાયા હતા જો કે રોડ ઉપર કેટલાય પોલીસ જવાનો હેલ્મેટ પહેર્યા વિના ટુ વ્હીલર ચલાવી રહ્યા હતા જો કે આ ઝુંબેશ પૂરી થયા બાદ કેટલા સરકારી કર્મચારીઓ તેનો અમલ કરશે તે સમય બતાવશે.