શ્રમિકોની સલામતી રામ ભરોસે, અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં 26ના મૃત્યુ
Death of Workers In Ahmedabad: વર્તમાનમાં સેફ વર્ક એન્વાયર્નમેન્ટ એટલે કે કાર્ય સ્થળ પર સલામતી અંગેની ચર્ચાઓએ વેગ પકડયો છે. પરંતુ આ વિચારણા દેશના માત્ર 10થી 20 ટકા કર્મચારીઓ સુધી જ સીમિત છે. સરકારી આંકડા મુજબ આજે પણ ભારતનું 80થી 90 ટકા કાર્યબળ અસંગઠિત ક્ષેત્રમાં જ કામ કરે છે. પરંતુ દેશના અર્થતંત્રમાં મહત્ત્વનો ફાળો ભજવતાં આવા શ્રમિકોની સલામતીનો મુદ્દો ક્યારેય ચર્ચાનો વિષય બનતો નથી. ખાસ કરીને બાંધકામ ક્ષેત્ર અને ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં અસંગઠિત શ્રમિકો અસલામત વાતાવરણ વચ્ચે કામ કરે છે. એવામાં અમદાવાદ શહેરમાં નવી બાંધકામ સાઇટ તથા ઉદ્યોગોમાં છેલ્લાં બે મહિનામાં 26 શ્રમિકોના મોત થયા હતા.
મોટાભાગના બનાવમાં સલામતીમાં ગંભીર ચૂક
અમદાવાદ શહેરમાં 11મી જૂનથી 10મી ઑગસ્ટ દરમિયાન નવી બાંધકામ સાઇટ પર કામ કરતાં 16 અને ઉદ્યોગોમાં 10 સહિત કુલ 26 શ્રમિકોના મોત થયા હતા. જેમાં એક મહિલા અને એક સગીરા પણ સામેલ છે. બાંધકામ સાઇટ પર થતાં મોત પાછળ મોટા ભાગે કામદારો ઊંચાઈ પર કામ કરતી વખતે નીચે પડી જતાં હોવાનું કારણ પોલીસ ચોપડે નોંધાયું છે. જ્યારે ઔદ્યોગિક એકમોમાં મુખ્યત્વે વિવિધ મશીન પર કામ કરતી વેળાએ વીજ કરંટ લાગવાથી તથા દાઝી જતાં કામદારોના મોત થયા હતા.
આ પણ વાંચો: મિત્રો બન્યા દુશ્મન : જાણીતા ગાયક અને ભાજપ નેતાએ 50 મિત્રોને ભેગા કરી સાથી નેતા પર જ કર્યો હુમલો
બાંધકામ સાઇટ પર દરરોજ 38 શ્રમિકો મૃત્યુ પામે છે
અસંગઠિત ક્ષેત્ર, તેમાં ખાસ કરીને બાંધકામ સાથે સંકળાયેલા કામદારો માટે અમુક કાયદા તો બનાવાયા છે. પરંતુ શ્રમિકોને કાયદાકીય માહિતી ન હોવાથી આવા કાયદા માત્ર કાગળ પર રહી જાય છે. મોટા ભાગે તેમને વળતર મળતું નથી અને જવાબદાર સામે કાર્યવાહી પણ કરાતી નથી. સર્વે મુજબ ભારતમાં દરરોજ 38 શ્રમિકો બાંધકામ સાઇટ પર જ્યારે ઉદ્યોગો-કારખાનામાં ત્રણ શ્રમિકો મૃત્યુ પામે છે. હજી આવા કેટલાક બનાવ તો વિવિધ કારણોસર નોંધાતા નથી. મોટી સંખ્યામાં આવી દુર્ઘટનાઓ સર્જાતી હોવા છતાં લાખો અસંઠિત કામદારોની સલામતી માટે યોગ્ય પગલાં લેવાતા નથી.