અમદાવાદની ચોંકાવનારી ઘટના: સગા માસાએ દીકરી સમાન 22 વર્ષીય ભાણીને ગર્ભવતી કરતા ભર્યું અંતિમ પગલું
Rape and Suicide in Ahmedabad : શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી 22 વર્ષીય યુવતીએ 20 દિવસ પહેલા પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે મૃતકના ભાઇને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી કે મૃતક યુવતી તેના સગા માસાની ચાંગોદરમાં આવેલી ફાર્મા કંપનીમાં કામ કરતી હતી. ત્યારે તેના માસાએ તેના પર અવારનવાર દુષ્કર્મ આચરતા તે પ્રેગનેન્ટ થઇ હતી. જેથી લાગી આવતા તેણે અંતિમ પગલું ભર્યું હતું.
મૃતક યુવતીએ તેના માસા અને તેની વચ્ચે થયેલી ઇન્સ્ટાગ્રામ ચેટનો વિડીયો પણ આત્મહત્યા કરતા પહેલા તેની સાથે કામ કરતી યુવતીને મોકલી આપ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે શહેરના વેજલપુરમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં 22 વર્ષીય યુવતી દિશા (નામ બદલેલ છે) તેના ભાઇ સાથે રહેતી હતી. સાથેસાથે છેલ્લાં ત્રણ વર્ષથી તે તેના સગા માસા લક્ષ્મણ દામોલિયા (રહે. પ્રહર્સ હાઇલેન્ડ એપાર્ટમેન્ટ, સાઉથ બોપલ)ની ચાંગોદરમાં આવેલી સ્ટારલાઇફ બાયોટેક પ્રા. લીમીટેડ અને આર્કવ ફાર્મા કેંપનીમાં નોકરી કરતી હતી.
જો કે ગત 1લી જુલાઇના રોજ તેણે નોકરી છોડી દીધી હતી અને ત્યારબાદ તે માનસિક રીતે અસ્વસ્થ રહેતી હતી. તે પછી 13 જુલાઇના રોજ ગળાફાંસો ખાઇને તેણે આત્મહત્યા કરી લીધી હતી. જો કે આ સમયે તેની આત્મહત્યાના કારણ અંગે ચોક્કસ ખુલાસો થયો નહોતો. પરંતુ, ઘટનાના બે દિવસ બાદ યુવતીની પાડોશમાં રહેતી અને તેની સાથે ફાર્મા કંપનીમાં કામ કરતી યુવતીના બહેને દિશાના ભાઇને ફોન કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે લક્ષ્મણ દામોલિયા દિશાની સાથે કામ કરતી યુવતી સાથે ગત ફેબ્રુઆરી-2024થી ઇસ્ટાગ્રામ પર મેસેજ કરીને તેની સાથે ફર્લ્ટ કરતા હતા. જે મેસેજ દિશાની મિત્ર ડીલીટ કરી દેતી હતી.
પંરતુ, દિશાને શંકા જતા તેણે તેની મિત્રને કહ્યું હતું કે લક્ષ્મણ દામોલિયા તેના સગા માસા હોવાથી તેમની ફેક્ટરીમાં તે નોકરી પર લાગી હતી. પરંતુ, તેના માસાએ તેની સાથે શારિરીક અડપલા કરીને લાઇફ બનાવવાનું કહીને કંપની ઓફિસમાં અનેકવાર દુષ્કર્મ આચરતા હતા. દિશાએ તેમની સાથે સંબધ રાખવાની ના કહેતા ધમકી પણ આપતા હતા. જેથી દિશાએ તેની મિત્રને લક્ષ્મણ દામોલિયાથી દુર રહેવાનું કહ્યું હતું. એટલું જ તેણે માસા લક્ષ્મણ દામોલિયા સાથે થયેલી વાતચીતનો વિડીયો બનાવીને તેની મિત્રને મોકલીને સાચવવા માટે આપ્યો હતો.
આ દરમિયાન ચોકાવનારો ખુલાસો થયો હતો કે દિશા પ્રેગનેન્ટ પણ હતી. જે વાતની જાણ દિશાની મિત્રને હતી. આત્મહત્યાના 13 દિવસ પહેલા તેણે પ્રેગન્સી કીટથી ચકાસણી કરી ત્યારે તેને એક માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તેણે વેજલપુરમા આવેલી એક હોસ્પિટલમાં પણ રિપોર્ટ કરાવ્યો હતો. આમ, સગા માસાએ દીકરી સમાન ભાણી પર દુષ્કર્મ આચરીને તેને પ્રેગનેન્ટ કરીને આત્મહત્યા કરવા માટે મજબુર કરી હતી. આ અંગે વેજલપુર પોલીસે મૃતકના ભાઇની ફરિયાદને આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
લક્ષ્મણ દામોલિયાએ કંપનીની અન્ય યુવતીઓને પણ ફસાવી હતી
લક્ષ્મણ દામોલિયાને પરિવારમાં એક પુત્ર અને પુત્રી છે. પોતાની સગી ભાણી પણ નજર બગાડનાર ગોરધન દામોલિયાના ઇન્સ્ટાગ્રામની વિગતો અને કંપનીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે લક્ષ્મણ દામોલિયાએ અન્ય બેથી ત્રણ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાબતને પોલીસ આ કેસમાં પુરાવા તરીકે લેશે.
સમગ્ર કેસમાં પોલીસને સૌથી મજબુત પુરાવા મળ્યા
આ બનાવ અંગે વેજલપુર પીઆઇ આર એમ ચૌહાણે જણાવ્યું કે દિશાની આત્મહત્યા કેસમાં પોલીસને આરોપી લક્ષ્મણ દામોલિયા વિરૂદ્ધ અનેક પુરાવા મળ્યા છે. જેમાં મૃતક યુવતી અને તેના માસા લક્ષ્મણ દામોલિયા વચ્ચેની ઇસ્ટાગ્રામ ચેટ, ગાયનેક હોસ્પિટલના તબીબનો રિપોર્ટ અને યુવતીની મિત્ર સાથે લક્ષ્મણ દામોલિયાની ઇન્સ્ટાગ્રામ ચેટનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીની ફાર્મા કંપનીમાં અને મકાન પર તપાસ કરી હતી. પરંતુ, તે મળી આવ્યો નહોતો.જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.