Get The App

2024માં ગુજરાત સરકારને લાગ્યું કૌભાંડ-કાંડનું કલંક, ગેરરીતિ-ગોટાળા,ભ્રષ્ટાચારની ભરમાર

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
2024માં ગુજરાત સરકારને લાગ્યું કૌભાંડ-કાંડનું કલંક, ગેરરીતિ-ગોટાળા,ભ્રષ્ટાચારની ભરમાર 1 - image


Bye Bye 2024 : વર્ષ 2024ની વિદાયને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે જ્યારે નવા વર્ષ 2025ના વધામણાં કરવાં ગુજરાતીઓ બેતાબ બન્યાં છે. જોકે, ગુજરાતમાં ભાજપ સરકાર માટે વર્ષ 2024નુ વર્ષ ભારે કષ્ટદાયી બની રહ્યું હતું કેમ કે, સિદ્ધિઓની સરખામણીમાં કૌભાંડ-કાંડોને લીધે સરકારને ભારે બદનામી વ્હોરવી પડી હતી. ખ્યાતિકાંડ, હરણીકાંડ, ટીઆરપી ગેમઝોનકાંડ ઉપરાંત નકલી સીએમઓ,નકલી સરકારી કચેરી, નકલી ટોલનાકુ, નકલી હોસ્પિટલે સરકારની ભારે નામોશી કરી દીધી હતી. એક કૌભાંડ-કાંડની સહી સુકાઇ નહી ત્યાં બીજો કાંડ ઉજાગર થતો રહ્યો હતો. આ કારણોસર સરકારે આખુય વર્ષ જાણે સામા પવને તરવુ પડે તેવી સ્થિતીમાં રહેવું પડ્યું હતું. ગેરરીતિ-ગોટાળા,ભ્રષ્ટાચારની ચારેકોર ભરમારને લીધે આમજનતાનો  જાણે સરકાર પરથી ભરોસો ઉઠ્‌યો હોય તેવી સ્થિતી પરિણમી છે. 

ખ્યાતિકાંડ, આયુષ્યમાનકાર્ડ કૌભાંડ, ગેમઝોન અગ્નિકાંડ સહિતની ઘટનાઓએ સાબિત કર્યું કે સરકારની વહીવટી તંત્ર પર પકડ નથી

વર્ષ 2024 વિદાય લઇ રહ્યું છે પણ આ વર્ષ ભાજપ સરકાર માટે રાજકીય દ્રષ્ટિએ કઠીન રહ્યું હતું કેમકે, ગુજરાતમાં એક પછી એક એવી ઘટનાઓ બની કે, સરકારને નીચાજોણુ કરવું પડ્યું હતું જેમકે, સ્થાનિક તંત્રની ઘોર નિષ્ફળતાને લીધે સુરતમાં તક્ષશિલાકાંડ સર્જાયો હતો. જેમાં નિર્દોષ લોકો જીવતા ભૂંજાયા હતાં. આ જ પ્રમાણે, વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેકાળજીને લીધે હરણી તળાવમાં માસુમ ભૂલકાઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાઓની શાહી સૂકાઇ ન હતી ત્યાં રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આનંદ માણવા ગયેલાં લોકોની મરણચીસો સંભળાઇ હતી. આ જ રાજકોટમાં હોસ્ટેલમાં ભાજપના નેતાઓએ યુવતીઓને શિકાર બનાવતાં આખોય મામલો ચગ્યો હતો.

ખ્યાતિકાંડે તો ભગવાન સમાન ડોક્ટરો નાણાં કમાવવા માટે કેટલી હદે જઇ શકે તે વાત ઉઘાડી પડી હતી સાથે સાથે આરોગ્ય વિભાગ પણ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હતું. તેનો ખુલાસો થયો હતો. આ કાંડમાં કેટલાંય નિર્દોષ દર્દીઓએ જાન ગુમાવ્યા હતાં. આ દરમિયાન, રાજ્ય આરોગ્ય વિભાગમાં એવું પોલંપોલ બહાર આવ્યું કે, મજૂરીના બહાને યુવકોને લાવીને બારોબાર નસબંધી કરી દેવામાં આવી હતી.આ કાંડને પગલે પણ સરકારની ઘણી બદનામી થઇ હતી. ત્યાં વળી સુરતમાંથી બોગસ ડીગ્રીકાંડ બહાર આવ્યુ હતું.  

બોગસ ડીગ્રી આધારે સારવાર કરી લેભાગુ ડોક્ટરોએ લોકોના જીવ સાથે ચેડાં કર્યા હતાં. આ ઘટનાઓ વચ્ચે પાટીદાર નેતાના પુત્રની સંડોવણી સાથે બામણબોર-વાંકાનેર હાઇવે પરથી નકલી ટોલનાકુ પકડાયુ હતું.  ગાંધીનગરમાંથી નકલી કોર્ટ સાથે નકલી જજ પકડાયો હતો. દાહોદમાં તો નકલી સરકારી કચેરીને ખુદ સરકારે જ લાખો-કરોડો રૂપિયા ગ્રાન્ટ પણ ફાળવી દીધી હતી. નકલીની બોલબાલા વચ્ચે ગોંડલ સ્ટેટના નકલી રાજા પણ પકડાયાં હતાં. આ અરસામાં નકલી સીએમઓ, નકલી પીએમઓ, નકલી ઇડી ઓફિસર, નકલી સીબીઆઇ,નકલી એનઆઇએ અધિકારી અને નકલી આર્મીમેન પણ પકડાયાં હતાં. 

આ પણ વાંચો: ગુજરાતનું કરપ્શન મોડલઃ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરો, પછી ટેક્સ વસૂલી તેમને કંગાળ કરો

ગુજરાતમાં પૈસા ખર્ચીને પણ લોકોને શુદ્ધ ખાદ્યપદાર્થ મળી શકતા નથી. આજે ઘી,પનીર,દૂર,દવા પણ નકલી મળી રહી છે. ખાદ્યપદાર્થ તો ઠીક પણ હવે તો ગુજરાતમાંથી નકલી સિમેન્ટ પણ પકડાઇ છે. આમ, અસલી ગુજરાતમાં નકલી મોડેલે તો સરકારની પ્રતિષ્ઠાને ધૂળધાણી કરી દીધી હતી. આ કાંડોએ તો સરકારની  વહીવટી તંત્ર પર કોઇ પક્કડ નથી.એટલુ જ નહી, આ ઘટનાઓએ ગુજરાતમાં જાણે પોપાબાઇનું રાજ હોય તેવો લોકોને અહેસાસ કરાવી દીધો હતો 

એક પછી એક કૌભાંડ-કાંડ બહાર આવ્યા પછીય સરકારે કોઇ ધડો લીધો નહી. કોઇ નક્કર પગલાં લીધાં નહી જેથી આજેય ભાજપ સરકાર કઠેડામાં ઉભી હોય તેવી સ્થિતિમાં છે. ટૂંકમાં, ભૂપેન્દ્ર પટેલની સરકારને વર્ષ 2024 ફળ્યુ નથી તેમ કહેવામાં કશું ખોટુ નથી. હવે નવા વર્ષ 2025માં સરકાર કેવી કામગીરી કરે છે તેના પર ગુજરાતીઓની નજર છે.

ગુજરાતમાં દીકરી અસલામત : વડોદરા-દાહોદ-ઝઘડિયામાં રેપકાંડ

વડોદરામાં એક મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ જેમાં ભાજપના એક કાર્યકરની સંડોવણી બહાર આવી હતી જ્યારે દાહોદમાં આરએસએસ સાથે સંકળાયેલાં આચાર્યએ વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલાં કર્યા હતાં. ઝઘડિયામાં નિર્ભયાકાંડ થયો હતો. આ બધીય ઘટનાઓએ ગુજરાતમાં દિકરી-મહિલા સલામત નથી તે વાતને પ્રસ્થાપિત કરી દીધી હતી. આ ઘટનાઓએ ગુજરાતમાં કાયદા વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા હતાં. 

વિદેશમાં રજા માણી શિક્ષકોએ પગાર મેળવ્યો પણ સરકાર-શિક્ષણ વિભાગને ગંધ સુદ્ધાં આવી નહી

ગુજરાતમાં સરકારી શાળામાં ફરજ બજવતા શિક્ષકો પર ગાંધીનગર સ્થિત વિધા સમિક્ષા કેન્દ્ર પરથી ઓનલાઇન નજર રાખવામાં આવે છે. લાખોના ખર્ચે નિર્માણ થયેલાં લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ વિદ્યા સમિક્ષા કેન્દ્ર હોવા છતાંયે કેટલાંય શિક્ષકો ગુલ્લી મારવામાં સફળ રહ્યા હતાં. મોટાભાગના શિક્ષકો બારોબાર વિદેશના પ્રવાસે ઉપડ્યા હતાં. વિદેશમાં મજા માણતા રહ્યાંને પગાર મેળવતાં રહ્યાં હતો. તેમ છતાંય સરકાર અને શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢતુ રહ્યું હતું.  આ વિવાદને લીધે સરકારને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. 

આ પણ વાંચો: ગુજરાતમાં નકલીની બોલબાલા: મોરબીમાં 3 દિવસમાં 9 બોગસ ડૉક્ટર ઝડપાયા, ડિગ્રી વિનાના દર્દીઓને તપાસતાં

હાઇકોર્ટમાં સરકારની એફિડેવિટનો પણ અસ્વીકાર

ગુજરાતમાં ઘણાં એવા કિસ્સા બન્યાં છે જેમાં હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી છે. ટ્રાફિકથી માંડીને રસ્તા પર રખડતા પશુઓનો મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. જોકે, જમીનની બાબત હોય કે પછી અન્ય કોઇ મુદ્દો હોય. સરકારે જે એફિડેવિટ ફાઇલ કરી છે તે પૈકી કેટલાંય કિસ્સામાં અસ્વિકાર કરાયો છે. જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. 

લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે  ભાજપની 25 બેઠકની જીતની ખુશી છિનવી 

લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26માંથી 26 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો પણ બનાસકાઠામાં કોંગ્રેસની મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વિજય હાંસલ કરતાં ભાજપની મનની મનમાં રહી ગઇ હતી. બનાસની બેન,ગેનીબેનના સૂત્ર સાથે જીત મળતાં ભાજપની 25 બેઠકોની જીતની ખુશી પણ છિનવાઇ ગઇ હતી. વર્ષ 2024માં આ ઘટના પણ ભાજપ માટે રાજકીય દ્રષ્ટિએ નુકશાનદાયી બની રહી હતી.

વિવાદાસ્પદ ‘ભાજપ સદસ્યતા અભિયાન’ : સભ્ય બનાવતા આંખે પાણી આવ્યું

પ્રજાના કામો જ થતા નથી. એટલું જ નહીં, આમજનતા મોઘવારીની માર વચ્ચે પિસાઇ રહી છે. અનેક સમસ્યાઓથી પિડીત પ્રજા સરકારથી ભારોભાર ખફા છે પરિણામે ભાજપ સદસ્યતા અભિયાનને  નબળો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ વખતે સત્તા પર હોવા છતાંય સભ્ય નોંધતા ભાજપને આંખે પાણી આવ્યુ છે. કીલ, ડોક્ટર, ફાર્માસિસ્ટ, નર્સ. વેપારી, રમતવીરો, કલાકારો તો ઠીક, આંગણવાડીની બહેનો,શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, કિન્નરો, નિરાશ્રિતો,અનાથ બાળકો-મહિલા, વિધવા,ત્યકતાને પણ  ભાજપના સભ્ય બનાવી દેવાયાં હતાં. સભ્ય બનાવવા જે અવનવી રીત અપવાનાઇ તે ટીકાપાત્ર બની રહી હતી. 

આ પણ વાંચો:  ખેડૂતોની આત્માહત્યાના આંકડા જાહેર ન કરવા પડે એટલે સરકારનું શાણપણ? CID ક્રાઇમને સોંપ્યો માહિતીનો હવાલો

કયા કયા કૌભાંડ-કાંડોને લીધે સરકારને નીચાજોણુ થયું

- ખ્યાતિકાંડ

- આયુષ્યમાન કાર્ડ કાંડ

- હરણીકાંડ

- ટીઆરપી ગેમઝોન કાંડ

- બોગસ ડીગ્રી કાંડ

- આટકોટ છાત્રાલય રેપકાંડ

- અમરેલી-વિરમગામ અંધાપાકાંડ

- બીઝેડ પોન્ઝીકાંડ

- દાહોદ-ઝઘડિયા રેપકાંડ

- નસબંધીકાંડ

- સિરપકાંડ-નડિયાદ

- વલસાડ જમીન કૌભાંડ

- દાહોદ ખેતી જમીન કૌભાંડ

- નકલી જજ-કોર્ટ કાંડ

- ગેરહાજર શિક્ષકોનું કાંડ

- સહકારી સંસ્થામાં મેન્ડેટ વિવાદ

- એમ્બ્યુલન્સ-રોડના અભાવે 

પ્રસુતાને અસુવિધા

ગુજરાતમાં નકલીની બોલબાલા

- નકલી શાળા

- નકલી સરકારી કચેરી

- નકલી હોસ્પિટલ

- નકલી કોર્ટ-આર્બિટ્રેટર

- નકલી સીબીઆઇ

- નકલી સીએમઓ-અધિકારી

- નકલી ઇડી અધિકારી

- નકલી આઇએએસ

- નકલી એનઆઇએ  અધિકારી

- નકલી સચિવાલય અધિકારી

- નકલી કલેક્ટર

- નકલી આર્મી કેપ્ટન

- નકલી ખેડૂત


Google NewsGoogle News