અમદાવાદના યુવકે ફિલ્મ ડિરેક્ટર તરીકે ઓળખ આપી યુવતીનું બે વર્ષ શોષણ કર્યું, 20 લાખ પડાવ્યાં
Fake Film Director Dupes Woman Ahmedabad: મુંબઈની પાર્ટીમાં ફિલ્મ ડિરેક્ટર તરીકે ઓળખ આપનાર અમદાવાદના વાસણામાં રહેતા યુવકે રાજકોટની યુવતીનું બે વર્ષ શોષણ કરવા સાથે 20 લાખ પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરાઈ છે.
વાસણામાં રહેતા યુવક સામે પોલીસ ફરિયાદ
મુંબઈની પાર્ટીમાં ઓળખાણ થયા પછી રાજકોટની યુવતીને લગ્નની લાલચ આપી બે વર્ષ શોષણ કર્યું. રાજકોટમાં રહેતી 30 વર્ષની યુવતીએ અમદાવાદમાં વાસણા બસ સ્ટેશન પાસે ગીતા એપાર્ટમેન્ટમાં રહેતા કૃણાલ મયંકભાઈ મચ્છર ઉર્ફે દુષ્યંતભાઈ ઝવેરી સામે ફરિયાદ નોંધાવી છે.
ફિલ્મ ડિરેક્ટર તરીકે ઓળખ આપી યુવતીને ફસાવી
ફરિયાદ અનુસાર, ઓગષ્ટ-2022 માં મુંબઈ ખાતે એક બોલિવૂડ પાર્ટીમાં કૃણાલે પોતાની ઓળખ ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે આપી હતી. આ પછી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. કૃણાલ પત્ની સાથે છૂટાછેડા લેવાની વાતો કરી યુવતીને આર્થિક મદદ કરવાની વાત કરતો હતો.
આ પણ વાંચો: FD કરાવી હોય તો ચેક કરી લેજો, ક્યાંક આવી છેતરપિંડીનો તો ભોગ નથી બન્યાં ને!
યુવતીને ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા
ફેબ્રુઆરી-2023 માં યુવતી વાસણાના એક ફ્લેટમાં રહેવા આવી હતી અને બંને સાથે રહેતા હતા અને સંબંધો બંધાયા હતા. પત્નીને છૂટાછેડા આપવા પાંચ લાખ રૂપિયાની જરૂર હોવાની વાત કૃણાલે કરતાં યુવતીએ પોતાના મિત્ર પાસેથી પૈસા લઈને આપ્યા હતા. પત્નીને પોતે કાઢશે તેવી વાત કરી યુવતીને પરત રાજકોટ મોકલી હતી. આ પછી કૃણાલે સંપર્ક ઓછો કરી દીધો હતો. બાદમાં કૃણાલે અંગત પળોના વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી પૈસા માગવાનું શરૂ કર્યું હતું. કૃણાલે કુલ 20 લાખ રૂપિયાથી વઘુ રકમ મેળવી લીધી હતી.