ગુજરાતમાં કોંગ્રેસના 7 લોકસભા ઉમેદવારમાં 2 વર્તમાન - 2 પૂર્વ ધારાસભ્ય, આખરે શું છે ગેમપ્લાન?
કચ્છ, અમદાવાદ-પૂર્વ અને પશ્ચિમ, બારડોલીમાં નવા-યુવા ચહેરાને તક અપાઈ
Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી મેદાને ઉતારવા ભાજપ-કોંગ્રેસે મૂરતિયા પસંદ કરવાની કવાયત જારી રાખી છે. ભાજપે ગુજરાતમાં 15 બેઠકો પર ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે. આજકાલમાં જ અન્ય 11 ઉમેદવારોના નામો જાહેર થઈ શકે છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે મોડી સાંજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાત કોંગ્રેસના સાત ઉમેદવારોના નામો જાહેર કરાયા હતાં. હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના બે વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને અનંત પટેલ ઉપરાંત એક પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, ભરત મકવાણાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. આ ઉપરાંત અન્ય ચાર બેઠક પર નવા-યુવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે. જે રીતે ઉમેદવારોની પસંદગી કરાઇ છે તે જોતાં ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોના ય ફાંફા હોય તેવુ ચિત્ર ખડુ થયુ છે.
બનાસકાંઠા બેઠક પર બે મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે
કોંગ્રેસ હાઈકમાન્ડે ગઈકાલે કુલ 43 ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી જેમાં ગુજરાત કોંગ્રેસના સાત ઉમેદવારોનો સમાવેશ છે. વાવ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ તરફી ઠાકોર સહિત ઓબીસી મતદારોનું પ્રભુત્વ જોતા ગેનીબેન ઠાકોર પર પસંદગી ઉતારાઈ છે. હવે બનાસકાંઠા બેઠક પર બે મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે કેમકે, આ બેઠક પર ભાજપે રેખા ચૌધરીને મેદાને ઉતાર્યા છે. આ જોતા કશ્મકશનો જંગ ખેલાય તેવી સંભાવના છે. આ ઉપરાંત વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને પણ હાઈકમાન્ડે ચૂંટણી લડવા આદેશ આપ્યો છે. અનંત પટેલને વલસાડ બેઠક પર ટિકિટ અપાઈ છે. ભાજપે હજુ વલસાડ બેઠક પર ઉમેદવારની પસંદગી કરી નથી.
પોરબંદર બેઠક પર કોંગ્રેસ હાઈકમાન્ડે પાટીદાર ચહેરાને ટિકિટ આપવનાનું પસંદ કર્યું
પાટીદાર આંદોલનનો ચહેરો ગણાતાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પોરબંદર બેઠક પર ચૂંટણી લડશે. ભાજપે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે તે જોતાં કોંગ્રેસ હાઇકમાન્ડે પણ પાટીદાર ચહેરા તરીકે લલિત વસોયાને ટિકિટ આપવાનુ પસંદ કર્યુ છે. જોકે, આ બેઠક પર અર્જુન મોઢવાડિયાએ રાજીનામુ આપ્યુ છે અને કેસરિયો ખેસ ધારણ કર્યો છે. એટલે કોંગ્રેસ માટે કપરાં ચઢાણ છે. બારડોલી બેઠક પર ભાજી ધારાસભ્ય અમરસિંહ. ઝેડ.ચૌધરીના પુત્ર સિધ્ધાર્થ ચેધરીને ટિકિટ અપાઈ છે. તપી જીલ્લા પંચાયતના સભ્ય, સુમુલ ડેરી અને એપીએમસીના ડીરેક્ટર સિધ્ધાર્થ ચૌધરીની પસંદગી થતા યુવા કાર્યકરોમાં ઉત્સાહ છવાયો છે.
અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ચૂંટણી ચૂંટણી લડાવવાનુ નક્કી કરાયુ
આ તરફ, અમદાવાદ પૂર્વમાં યુવા ચહેરો અને એઆઇસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાને ચૂંટણી લડાવવાનુ નક્કી કરાયુ છે. પૂર્વ સંસદીય સચીવ રાજકુમાર ગુપ્તાના પુત્ર રોહન ગુપ્તાનો સામને હવે કોની સામે થશે તે એકાદ બે દિવસમાં નક્કી થશે. આ ઉપરાંત અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ભરત મકવાણાની પસંદગી કરાઈ છે. તેઓ વર્ષ 1998માં સોજીત્રા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. જયારે કચ્છ બેઠક પર કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ નિતેશ લાલને ટિકિટ અપાઈ છે. લાલનનો ભાજપના સાંસદ વિનોદ ચાવડા સામે મુકાબલો થશે. હવે દિલ્હીમાં 15મી માર્ચે કોંગ્રેસના કેન્દ્રીય પાલૉમેન્ટરી કમિટીની બેઠક મળનાર છે જેમાં ત્રીજી યાદીના ઉમેદવારોને લઈને ચર્ચા થશે. હજુ ગુજરાતના 15 ઉમેદવારોના નામો જાહેર થવાના બાકી છે.
હારના ડરથી કોંગ્રેસના સિનિયર નેતાઓએ ચૂંટણી લડવાની ઘસીને ના પાડી
ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર સાધવા પડે તેવી દશા છે ત્યારે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના ફાંફા છે ત્યારે હારના ડરથી ઘણાં સિનિયર કોંગ્રેસી નેતાઓએ તો હાઈકમાન્ડને સામે ચાલીને ચૂંટણી લડવા ઘસીને ના પાડી દીધી છે. પાટણ બેઠક પર જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી ત્યાં ગઈકાલે ટ્વિટ કરીને ભરતસિંહ સોલંકીએ પણ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. વર્તમાન રાજકીય સ્થિતીને જોતાં કોંગ્રેસના સિનિયર નેતાઓને ચૂંટણી લડવાનો નશો ઉતરી ચૂક્યો છે. ભાજપના પ્રવક્તા જયરાજ સિંહ પરમારે એવો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસમાં 11 જમાઈ છે. જેઓ વિધાનસભા હારે તો,લોકસભાની ચૂંટણી લડે છે. પ્રજા લીલા તોરણે પાછા મોકલે છે તો ય ચૂંટણી લડે છે. આ વિવાદ બાદ કદાચ કોંગ્રેસના હજુ-નેતાઓએ આ નિર્ણય કર્યો હોય તેવી ચર્ચા છે.