અમદાવાદમાં ઓનર કિલિંગ: પ્રેમ લગ્નની જીદ કરતી પુત્રીને માનતા પૂરી કરવાના બહાને લઈ જઈ પરિવારજનોએ જ કરી હત્યા

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં ઓનર કિલિંગ: પ્રેમ લગ્નની જીદ કરતી પુત્રીને માનતા પૂરી કરવાના બહાને લઈ જઈ પરિવારજનોએ જ કરી હત્યા 1 - image


Honor Killing case in Ahmedabad : અમદાવાદ જિલ્લાના બાકરોલ બુજરંગ ગામમાં રહેતી 19 વર્ષીય યુવતીએ તેની જ જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરવાની જીદ કરતા પિતા અને યુવતીના પિતરાઇ ભાઇએ તેનું ગળું દબાવીને મોતની ઘાટ ઉતારી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કણભા પોલીસે આ અંગે ગુનો નોંધીને મૃતક યુવતીને પિતા, પિતરાઇ ભાઇ, બે સગા કાકા સહિત પાંચ લોકોની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.  પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા હાલોલ પાસે આવેલા અનગઢ ગામ નજીક કર્યા બાદ તેની લાશનો નિકાલ કરવા માટે પોતાના જ ગામના સ્મશાનમાં રાતોરાત અંતિમ સંસ્કાર કરી દીધા હતા. યુવતીના મોત મામલે પરિવારની મહિલાઓને પણ જાણ હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે.

પ્રેમસંબંધ, જીદ, બદનામીનો ડર અને પછી હત્યા... જાણો સમગ્ર ઘટનાક્રમ

હત્યા કર્યા બાદ સ્મશાનમાં લાશની અંતિમવિધી કરી

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બાકરોલ બુજરંગ ગામમાં રહેતી 19 વર્ષીય માનસી અરવિંદસિંહ સોલંકી લાપતા હોવાની ફરિયાદ 11મી સપ્ટેમ્બરના રોજ નોંધવામાં આવી હતી. જે કેસની તપાસ કરી રહેલા કણભા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.પારગીને માહિતી મળી હતી કે 6 સપ્ટેમ્બરના રોજ સ્મશાનમાં કોઇ વ્યક્તિની રાતના સમયે અંતિમવિધી કરવામાં આવી છે. પરંતું, ગામમાં કોઇ વ્યક્તિનું અવસાન થયાની જાણ થઇ નહોતી. જેથી શંકાને આધારે પોલીસે સ્મશાનમાંથી હાડકા અને કેટલાંક અવશેષો મેળવીને ફોરેન્સિક એક્સપર્ટની મદદ લઇને તપાસ કરી ત્યારે કોઇ યુવતીનો મૃતદેહ હોવાનો રિપોર્ટ આવ્યો હતો.

બીજી તરફ માનસી સોલંકી લાપતા થઇ હતી. જેથી તેના પરિવારજનોના નિવેદનો લીધા હતા. જેમાં કેટલાંક શંકાસ્પદ વિરોધાભાસ જોવા મળ્યા હતા. સાથેસાથે જાણવા મળ્યું હતું કે મૃતક યુવતીને તેના જ ગામના હિતેષસિંહ સોંલકી સાથે પ્રેમસંબધ હતો. જેને લઇને માનસીના પિતાએ ધમકી પણ આપી હતી. ત્યારબાદ શંકાને આધારે પોલીસે લાપત્તા માનસીના પિતા અરવિંદસિંહ અને કાકા ગજેન્દ્રસિંહ સોલંકી સહિતના લોકોની આકરી પુછપરછ કરતા તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેમણે જ માનસીની હત્યા કરી હતી અને સ્મશાનમાં તેની લાશને રાતોરાત સળગાવી હતી. 

મૃતક યુવતીને એક જ ગૌત્રના યુવક સાથે હતો પ્રેમસંબંધ

આ અંગે માહિતી આપતા અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડા ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે, માનસી અને હિતેષસિંહ એક જ ગોત્રના હોવાથી અરવિંદસિંહને સામાજીક બદનામી થવાનો ડર હતો. જેથી આ સંબધ મંજૂર નહોતો. જો કે માનસીએ હિતેષસિંહ સાથે જ લગ્ન કરવાની જીદ કરી હતી. જેથી અરવિંદસિંહે તેના ભત્રીજા ગજેન્દ્રસિંહ સાથે વાત કરીને નક્કી કર્યું હતું કે તે માનસીને છેલ્લીવાર સમજાવવા પ્રયાસ કરશે. જો હવે તે નહીં માને તો તેને મોતને ઘાટ ઉતારી દેવાની હતી. જેથી અગાઉથી નક્કી થયા મુજબ, પાંચમી સપ્ટેમ્બરના રોજ અરવિંદસિંહ તેમની દીકરી કાજલને ફોન કરીને હાલોલ નજીક આવેલા અનગઢ ખાતે માતાજીની માનતા પુરી કરવા માટે બોલાવીને હતી. ત્યારબાદ નક્કી કરેલા પ્લાન મુજબ અરવિંદસિંહ, ગજેન્દ્રસિંહ   માનસી અને કાજલને લઇને માનતા પુરી કરવા માટે ગયા હતા. બીજી તરફ ગજેન્દ્રસિંહ ભરત ચુનારા નામના વ્યક્તિને કાર લઇને અનગઢ ગામે બોલાવ્યો હતો. જેથી માનસીની લાશને સગેવગે કરી શકાય. 

પહેલા યુવતીને કેનાલમાં ફેંકી, બચી જતા ગળેફાંસો આપીને કરી હત્યા

બપોરના સમયે માનસી, કાજલને સાથે રાખીને માનતા પુરી કરીને અરવિંદસિંહે અંધારૂ થવાની રાહ જોઇ હતી અને રાતના આઠ વાગ્યાના આસપાસ કારને વડોદરા નજીકની નર્મદા કેનાલ પાસે ઉભી રાખીને ગજેન્દ્રસિંહ અને અરવિંદસિંહે માનસીને કારની બહાર ખેંચી હતી અને તેને કેનાલમાં ફેંકી દીધી હતી. પરંતુ, આ સમયે ભરત ચુનારા અને તેની સાથે કારમાં આવેલો નરેશ નામનો વ્યક્તિ દોડી આવ્યો હતો અને તેમણે માનસીને કેનાલમાંથી બહાર કાઢી હતી. પરંતુ, આ સમયે ગજેન્દ્રસિંહ અને અરવિંદસિંહ માનસીની હત્યા કરવાનું નક્કી કર્યું હોવાથી નરેશને ધમકાવીને બાજુમાં હટાવી દીધો હતો. ત્યારબાદ માનસીને તેના ભાઇ ગજેન્દ્રસિંહે પકડી રાખી હતી અને તેના પિતા ગળાટુંપો આપીને શ્વાસ બંધ ન થયો ત્યાં સુધી ફાંસો આપ્યો હતો. 

હત્યા બાદ લાશને કારમાં સુવડાવી

આ ઘટના સમયે માનસીની બહેન કાજલ ગાડીમાં જ હતી. માનસીની હત્યા કર્યા બાદ અરવિંદસિંહે માનસીને લાશને કારની પાછળની સીટ પર સુવડાવીને તે ત્યાં જ બેઠો હતો. જ્યારે કાજલને આગળની સીટ પર બેસાડીને તેને ધમકી આપીને ચુપ રહેવા માટે કહ્યું હતું. આ દરમિયાન ગજેન્દ્રસિંહે ભરત અને નરેશને કાર લઇને પાછળ આવવા માટે કહ્યું હતું. પરંતુ તેમની કાર કાદવમાં ફસાઇ હોવાથી ભરત અને નરેશને ગજેન્દ્રએ તેની કારમાં બેસાડીને ફસાયેલી કાર પછી કાઢી લેવાનું કહ્યું હતું. 

લાશને સ્મશાન લઈ ગયા અને કર્યા અંતિમ સંસ્કાર

ત્યારબાદ પાછલી સીટમાં ભરત, નરેશ અને અરવિંદસિંહે માનસીની લાશને ખોળામાં સુવડાવીને કારને કાજલના ગામ પાસે ઉભી રાખીને તેને ઉતારી દીધી હતી. બીજી તરફ માનસીની હત્યા કર્યા બાદ અરવિંદસિંહે તેના ભાઇ પોપટસિંહ, નટવરસિંહ સાથે સંપર્કમાં હતા. જેથી માનસીની લાશને સગેવગે કરી શકે. પરંતુ, બાકરોલ સ્મશાન જવાના રસ્તા પર પાણી ભરાયા હોવાથી એક ડાલા જીપમાં લાકડા, ડીઝલ અને ખાંડ મંગાવીને માનસીની લાશને પણ તેમાં મુકીને ગજેન્દ્રસિંહ, અરવિંદસિંહ,નટવરસિંહ, પોપટસિંહ અને તેમનો દીકરો રાજદીપસિંહ સ્મશાન ગયા હતા અને ત્યાં માનસીના મૃતદેહને સળગાવીને પરત આવી ગયા હતા. તેમણે ઘરની મહિલાઓને આ મામલે ચુપ રહેવાની ધમકી પણ આપી હતી.

પોલીસે હત્યારા પિતા સહિત પરિવારના પાંચ સભ્યોને ઝડપી લીધા

આમ માનસીના લાપત્તા થવાથી માંડીને હત્યાનો ભેદ ઉકેલાતા પોલીસે દીકરીની હત્યા કરનાર પિતા, પિતરાઇ ભાઇ અને મૃતદેહને સળવવામાં મદદ કરનાર બે સગા કાકા અને ભાઇની પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.

દીકરીની હત્યા કર્યા બાદ આરોપીઓના ચહેરા પર અફસોસ જોવા ન મળ્યો

માનસીની હત્યાની કર્યા બાદ કોઇને શંકા ન ઉપજે તે માટે અરવિંદસિંહે કણભા પોલીસ સ્ટેશનમાં તેની દીકરી લાપત્તા થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહી તેણે દીકરી ગુમ હોવાના મામલે હિતેષ સોંલકી (યુવતીનો પ્રેમી) પર શંકા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, મૃતકના કાકા અને પિતરાઇ ભાઇઓ જાણ કોઇ કંઇ ન થયું હોય તેમ રહેતા હતા. જો કે પરિવારની મહિલાઓના ચહેરાઓના હાવભાવ જોઇને પોલીસ શંકા ઉપજી હતી. જેથી તમામને અલગ અલગ રાખીને નિવેદનો લેતો ભાંડો ફુટ્યો હતો. પરંતુ, આઘાતજનક બાબત એ હતી કે, માનસીની હત્યા કરી હોવાનો ભેદ ઉકેલાયા બાદ પણ તમામ આરોપીને ચહેરા પર અફસોસ જોવા મળ્યો નહોતો.



Google NewsGoogle News